

Updated: Sep 28th, 2023
– જે ઝીરો હોય છે તેમણે જ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે: અન્નૂ કપૂર
મુંબઈ, તા. 28 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર
અભિનેતા અન્નૂ કપૂરે ખુલાસો કર્યો કે, એક્ટર અનિલ કપૂરના કારણે તેમણે પોતાનું નામ અનિલ બદલીને અન્નૂ રાખવું પડ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ખુલાસો કરતા જણાવ્યું કે, હું 1982માં મુંબઈ આવ્યો હતો. અનિલ કપૂર ત્યાં સુધીમાં સ્ટાર બની ચૂક્યા હતા. તે હીરો છે અને હું ઝીરો છું. જે ઝીરો હોય છે તેણે જ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. તેથી મેં મારું નામ અનિલ બદલીને અન્નૂ રાખ્યું.
એક્ટરે કહ્યું કે, આપણા દેશમાં અનિલ, અનુરાગ, અનુપમ, અનીસ, અનવર, અનુરાધા જેવા નામોનું નિક નેમ મોટાભાગે અન્નૂ જ રાખવામાં આવે છે. પરિવારના સભ્યો મને અન્નુ કહીને બોલાવતા હતા તો પછી બદલીને તે જ નામ રાખી દીધું. જો કે, અન્નુ કપૂરના નામથી મેં જે કંઈ મેળવ્યું છે તેના માટે હું હંમાશા આભારી છું. મને જે કંઈ મળ્યું તેમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, અત્યારે મારે અનિલજી સાથે મળવાનું નથી થતું.
શોર્ટ ફિલ્મ ‘ધ લાસ્ટ એનવેલપ’ વિશે જણાવ્યું
અભિનેતા અન્નૂ કપૂર હાલમાં તેમની શોર્ટ ફિલ્મ ‘ધ લાસ્ટ એનવેલપ’ને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ પોતાની શોર્ટ ફિલ્મ વિશે જણાવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી એક વૃદ્ધ વ્યક્તિની આસપાસ ફરે છે. તેની એકલતા દૂર કરવા માટે તે એક અભિનેતાને હાયર કરે છે તે ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા અમે સીનિયર સિટિઝનની એકલતાને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જોઈન્ટ ફેમિલીની કોન્સેપ્ટ ધીમે-ધીમે ખતમ થતો જઈ રહ્યો છે. આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે. આવી સ્થિતિમાં સીનિયર સિટિઝને પોતાને સક્ષમ બનાવવું ખૂબ જ જરૂરી છે.