

સ્ફોટક પોસ્ટ પછી પક્ષનું ડેમેજ કંટ્રોલ શરુ થયું હોય તેમ મોકરીયાનો ફોન બંધ, રકમ મળવાની ખાત્રી મળી?
એ બે મોટા નેતાઓ વચ્ચેની આંતરિક બાબત છે અને તેમાં કાંઈ કહેવામાં હું નાનો કહેવાઉંઃ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા
Updated: May 31st, 2023
રાજકોટઃ રાજકોટ ભાજપના એક સૌથી વરિષ્ઠ અને અબજોપતિ નેતાએ મારા કરોડો રૂપિયા 2011 પછી પરત આપ્યા નથી, તેમને પૈસાની તંગી નથી પરંતુ, દાનત નથી ઈ.સ.1980થી રાજકારણમાં અને 1990થી સરકારના જુદા જુદા પદમાં રહીને રાજ્ય બહાર નિવૃત થયા છે. તેવી પોસ્ટ શહેરના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મુક્યા બાદ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને આજે ગુપ્ત રીતે ડેમેજ કંટ્રોલ શરુ થતા આ મુદ્દે નેતાઓએ મગનું નામ મરી પાડવાનું ટાળીને એ બન્ને વચ્ચેનો અંગત પ્રશ્ન હોવાનું જણાવ્યું હતું.
એ બે વચ્ચે બોલવામાં હું નાનો પડુંઃ ભરત બોઘરા
શહેરના અન્ય સિનિયર નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ અંગે સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, સંસદસભ્ય રામભાઈ મોકરીયા અને ભાજપના એક વરિષ્ઠ નેતા વચ્ચે નાણાકીય લેતીદેતીની વાત જાણવા મળી પરંતુ, પાર્ટીને આ મુદ્દે કશુ લાગતું વળગતું નથી, એ બન્નેનો અંગત પ્રશ્ન છે અને તેમાં હું કંઈ કહેવા માંગતો નથી.
મને આમાં કાંઈ ખબર નથીઃ સંસદસભ્ય મોહન કુંડારિયા
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો સંપર્ક સાધતા જણાવ્યું કે એ બે મોટા નેતાઓ વચ્ચેની આંતરિક બાબત છે અને તેમાં કાંઈ કહેવામાં હું નાનો કહેવાઉં. રાજકોટના લોકસભાના સંસદસભ્ય મોહન કુંડારિયાએ જણાવ્યું કે એ બન્ને વચ્ચેની વાત છે અને મને આમાં કાંઈ ખબર નથી. રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે પક્ષને લગતી બાબત હોય તો શહેરમાં મારે જોવાની હોય છે પરંતુ, આ પક્ષની કોઈ વાત નથી. જે વાત બહાર આવી છે તે બે નેતાઓ વચ્ચેની છે.
સોશિયલ મીડિયામાં પણ કોમેટ કરવાનું ટાળ્યુ
ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે સાંસદ રામભાઈ આવી રકમ વર્ષોથી માંગતા હોવાની અને આ માટે તે વરિષ્ઠ નેતાના ઘરે ગયાનું છતાં રકમ પરત નહીં આવ્યાનું બે-ત્રણ વાર અમને કહ્યું છે. રકમ નહીં આપનાર ભાજપના સિનિયર નેતા અને ૧૯૯૦થી સરકારમાં વિવિધ હોદ્દા પર રહેલા એવું વર્ણન સાંસદે કર્યું હોય આ અંગે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનો મત જાણવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ, તેમનો સંપર્ક થઈ શક્યો નથી, તેમના એકમાત્ર પી.એ.નો ફોન પણ નોરિપ્લાય થયો છે. ભાજપના દરેક નેતાએ આ રીતે પોસ્ટ મુકીને ભાજપના વરિષ્ઠ નેતા પાસેથી રકમ માંગવી કેટલું ઉચિત તે અંગે કે ૧૨-૧૩ વર્ષથી મોટી રકમ પરત ન આપવી તે કેટલું ઉચિત તે અંગે પણ કોમેન્ટ કરવાનું ટાળ્યું છે.
તેમણે રકમનો આંક કે નેતાનું નામ જાહેર કર્યું નથી
રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે આ રકમ કરોડો રૂ.ની થાય છે, બહુ મોટી રકમ છે અને તે ભાજપના વરિષ્ઠ નેતા પાસેથી પરત મળે તે માટે વચ્ચેના લોકોને કહીને પ્રયાસ કરી રહ્યો છું. તેમણે રકમનો આંક કે નેતાનું નામ જાહેર કર્યું નથી પરંતુ, નેતાનું વર્ણન કર્યું હતું અને આ વાત જાહેર થયા પછી જ ભાજપમાં ધમાસાણ શરુ થયું છે અને કદિ ફોન બંધ કે નોરિપ્લાય ન થાય તેવા આ સાંસદનો ફોન આજે સતત નો રિપ્લાય થયો હતો. એવી પણ ચર્ચા છે કે આ લેતીદેતીનો મામલો નિપટાવવા ભાજપના ટોચના નેતા મારફત પ્રયાસ થઈ રહ્યા છે અને આ વાતને પ્રસરતી રોકવા સૂચના અપાઈ ગઈ હોય તેમ બધાએ અમને ખબર નથી, અંગત પ્રશ્ન છે તેવો એકસરખો જવાબ અપાઈ રહ્યો છે.