અમિત સાધને સંતોષ નથી, કેમ કે…

અમિત સાધને સંતોષ નથી, કેમ કે…


Updated: Jun 1st, 2023


– હું વિવિધ માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા ઇચ્છું છું. હજી તો અભિનય ક્ષેત્રે મારે ઘણાં વર્ષ કામ કરવું છે. આ ફિલ્ડમાં ૨૦ વર્ષ તો સાવ ઓછાં ગણાય.

આ જથી બે દાયકા પહેલા ધારાવાહિક ‘ક્યું હોતા હૈ પ્યાર’માં આદિત્ય ભાર્ગવની ભૂમિકા ભજવીને અમિત સાધે દર્શકોના દિલ જીતી લીધાં હતાં. ત્યાર પછી તે વેબ સિરીઝોમાં સતત ગંભીર ભૂમિકાઓ ભજવી રહ્યો છે. ‘જીત કી જિદ્દ’ અને ‘બ્રીથ : ઈન ટુ ધ શેડોઝ’ તેના એકાદ-બે ઉદાહરણ માત્ર છે. ટીવી, ૭૦ એમએમના પડદા તેમ જ ડિજિટલ સ્પેસ પર પોતાના અભિનયનો જાદુ પાથરનાર અમિત સાધ ખરેખર તો ત્રીજા પડદાનો બાદશાહ ગણાય છે. એ કહે છે કે મારી આગામી ફિલ્મ ‘મૈં’માં મેં એન્કાઉન્ટ સ્પેશ્યાલિસ્ટની ભૂમિકા ભજવી છે.

જોકે અમિત ઘણા સમયથી રોમાન્ટિક મૂવીમાં જોવા નથી મળ્યો અને તેના ગંભીર કિરદાર બેહદ પ્રશંસા પામી રહ્યાં છે તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તે ઈરાદાપૂર્વક રોમાન્ટિક રોલ નથી કરી રહ્યો? આના જવાબમાં અભિનેતા કહે છે કે ના, હું જાણીજોઈને રૉમકૉમ કે રોમાન્ટિક રોલ્સ લેવાનું ટાળી નથી રહ્યો, પરંતુ મને ઘણા સમયથી આવું કિરદાર ઑફર નહોતું થયું.

મનોરંજનજગતમાં અમિતની ગણના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર તરીકે થાય છે. તે અત્યાર સુધી હૉકીના ખેલાડીથી લઈને આર્મી ઑફિસર, પોલીસ અધિકારી જેવા વિવિધ પ્રકારના કિરદાર નિભાવી ચૂક્યો છે. આમ છતાં શું તેને હજી કોઈ ખાસ ભૂમિકા ભજવવાના ઓરતા છે ખરાં? આના જવાબમાં અમિત કહે છે કે ના, મને એવી કોઈ તમન્ના નથી. હું દર્શકોનું મનોરંજન કરવા માગું છું. ‘શકુંતલા દેવી’માં મેં પતિની ભૂમિકા ભજવી હતી. હું ખુશકિસ્મત છું કે મને હમેશાં વિવિધ પ્રકારના પાત્રો ભજવવા મળે છે. એક કલાકાર તરીકે હું વિવિધ માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા ઇચ્છું છું. મને રોમાંસ કરવાથી લઈને વિમાનમાંથી જમ્પ કરવા જેવા કે સાઈકોપેથ સુધ્ધાંના કિરદાર અદા કરવા છે. મને દિગ્ગજ સર્જકો સાથે કામ કરવું છે. હજી તો અભિનય ક્ષેત્રે મારે ઘણાં વર્ષ કામ કરવું છે. આ ક્ષેત્રે કામ કરવા ૨૦ વર્ષ તો સાવ ઓછાં ગણાય.

અમિત હવે શિલ્પા શેટ્ટી-કુન્દ્રા સાથે ‘સુખી’માં રોમાંટિક રોલમાં જોવા મળશે. ટૂંક સમયમાં રજૂ થનારી આ ફિલ્મ વિશે અમિત કહે છે કે તેમાં મેં એકદમ હળવી ભૂમિકા ભજવી છે. હવે જોવું એ રહ્યું કે દર્શકો તે પસંદ કરે છે કે નહીં. મને ભવિષ્ય ભાખતા નથી આવડતું. આમ છતાં હું એટલું ચોક્કસ જાણું છું કે મને હજી અલગ અલગ પ્રકારના ઘણા રોલ કરવા છે. ખાસ કરીને પડકારજનક ભૂમિકાઓ ભજવવી છે અને હું મારા કામ બાબતે હમેશાં સકારાત્મક રીતે વિચારું છું. 

Leave a comment