અમેરિકાને બે વર્ષની નિરાંત : નાદારીની ઘાત ટળી

[ad_1]


– પાંચ જૂન પહેલા સેનેટની મંજૂરી લેવાની ઔપચારિકતા જ બાકી

– અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં  યુએસ ડેબ્ટ સિલિંગ બિલ પસાર : હવે સરકાર આ બિલને સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મોકલશે

– સેનેટમાં બિલ પસાર થયા પછી બાઇડેન બિલ પર સહી કરશે : નીચલા ગૃહમાં  બિલના સમર્થનમાં 314  જ્યારે વિરોધમાં 117 મત

– સેનેટમાં આ બિલ પસાર થયા પછી 31.4 ટ્રિલિયન ડોલરની દેવાની મર્યાદા જાન્યુઆરી, 2025 સુધી સસ્પેન્ડ થઇ જશે

વોશિંગ્ટન : અમેરિકા સરકાર પર નાદાર (ડિફોલ્ટ) થવાનો ખતરો ટળી ગયો છે. અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ૩૧ મેએ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ એટલે કે યુએસ ડેબ્ટ સિલિંગ બિલ પસાર થઇ ગયું છે. હવે સરકાર આ બિલને સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મોકશે.

સેનેટમાં આ બિલ પસાર થયા પછી ૩૧.૪ ટ્રિલિયન ડોલરની દેવાની મર્યાદા જાન્યુઆરી, ૨૦૨૫ સુધી સસ્પેન્ડ થઇ જશે. એટલે કે ૩૧.૪ લાખ કરોડ ડોલરની મર્યાદા જાન્યુઆરી, ૨૦૨૫ સુધી લાગુ પડશે નહીં. 

અમેરિકન સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થયા પછી સરકારને નાણાં એકત્ર કરવા માટેની મંજૂરી મળી જશે. જેના કારણે ખર્ચ અંગે અમેરિકા પર ડિફોલ્ટ થવાનું જોખમ ટળી જશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકન પ્રમુખ જો બાઇડેન અને નીચલા ગૃહના સ્પીકર મેકકાર્થી વચ્ચે દેવાની સમજૂતી અંગે સંમતિ સધાઇ હતી.

નીચલા ગૃહમાં આ બિલના સમર્થનમાં ૩૧૪ મત પડયા હતાં જ્યારે વિરોધમાં ૧૧૭ ંમત પડયા હતાં. હવે આ બિલને સેનેટમાં રજૂ કરવામાં આવશે. પાંચ જૂન પહેલા આ બિલને પસાર કરાવવું પડશે. જો આ તારીખ સુધીમાં બિલ પાસ નહીં થાય તો અમેરિકા ડિફોલ્ટ થવા મજબૂર થઇ જશે.

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બિલ પસાર થયા પછી અમેરિકન પ્રમુખ બાઇડેને ટ્વિટર પર જણાવ્યું હતું કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે ડિફોલ્ટને ટાળવા અને દેશની ઐતિહાસિક આર્થિક રિકવરીને પ્રોટેક્ટ કરવા માટે મોટું પગલું લીધું છે. હવે હું સેનેટને આ બિલ તાત્કાલિક પસાર કરવા અપીલ કરું છું. ત્યારબાદ હું તેના પર સહી કરીશ. જેના કારણે અમારો દેશ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ફાળોે આપવાનું ચાલુ રાખશે.

ચાલુ સપ્તાહના અંત સુધી સેનેટમાં આ બિલને મંજૂરી આપવી પડશે. જો કે સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે સપ્તાહના અંત સુધી સેનેટમાં પણ બિલ પસાર થઇ જશે. ત્યારબાદ બાઇડેન આ બિલ પર સહી કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન સરકાર પોતાના ખર્ચા વહન કરવા માટે દેવું કરે છે. દેવાની આ રકમ સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોના બજેટમાં ખાધમાં ચાલી રહ્યાં છે. એટલે કે સરકારની જેટલી આવક છે તેનાથી વધારે તે ખર્ચ કરે છે. જો કે અમેરિકા માટે આ એક સામાન્ય પ્રક્રિયા છે. ૧૯૬૦થી અત્યાર સુધીમાં અમેરિકામાં દેવાની મર્યાદામાં ૭૮ વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

Leave a comment