

Updated: Jun 3rd, 2023
Image Source: Twitter
મુંબઈ, તા. 3 જૂન 2023 શનિવાર
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર સૌથી મોંઘી ફિલ્મોમાં ગણાતી આદિપુરુષ 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલી ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ આદિપુરુષનું અમેરિકામાં યોજાનારુ પ્રીમિયર કેન્સલ થઈ ગયુ છે. મેકર્સે ફિલ્મના પ્રીમિયર અંગે જાણકારી આપી હતી. પહેલા આ પ્રીમિયર 13 જૂને યોજાવાનું હતુ. પરંતુ બાદમાં તેને લંબાવાયુ. હવે આદિપુરુષના પ્રીમિયરને સંપૂર્ણરીતે રદ કરી દેવાયુ છે.
ફિલ્મ અને મ્યૂઝિક કંપની ટી સિરીઝે ગયા મહિને જ આદિપુરુષના પ્રીમિયરની તારીખનું એલાન કર્યુ હતુ. ત્યારે આ 13 જૂને યોજાવાનુ હતુ. પરંતુ બાદમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રસ્તાવિત આ પ્રીમિયરની તારીખને લંબાવાઈ. બીજી તરફ આ પ્રીમિયર માટે આદિપુરુષ સ્ટાર પ્રભાસે પોતાની અમેરિકા ટૂર પણ બનાવી લીધી હતી પરંતુ હવે આ પ્રીમિયર કેન્સલ થઈ ગયુ છે.
ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કેન્સલ થયા બાદ આદિપુરુષનો પ્રસ્તાવિત બીજો શો પણ હવે નહીં યોજાય તેવી શક્યતા પણ વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે લગભગ 70 દેશોમાં એક સાથે અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહેલી આદિપુરુષ ઈન્ડિયન સિનેમાની પહેલી આવી ફિલ્મ છે. જેનુ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી સિવાય અલગ-અલગ દેશોની સ્થાનિક ભાષાઓમાં પણ ડબ કરીને એક સાથે રિલીઝ કરવામાં આવી રહી છે.