આખી દુનિયા મારી મુઠ્ઠીમાં! પ્રિયંકા ચોપડા જોનસ

[ad_1]


– ‘મેં બોલિવુડમાં બેસ્ટ ડિરેક્ટરો અને બેસ્ટ એક્ટરો સાથે કામ કર્યું છે, સારામાં સારી ફિલ્મોમાં પર્ફોર્મ કર્યું છે. બસ, આગામી દસ વર્ષમાં આ જ બધું મારે હોલિવુડમાં કરવું છે.’

સ માચાર, તારું બીજું નામ પ્રિયંકા ચોપડા છે! હજુ ‘સિટાડેલ’ વેબ સિરીઝ પૂરી પણ થઈ નથી ત્યાં પ્રિયંકાની હોલિવુડની ફિલ્મ આવી ગઈ – ‘લવ અગેન’. આ મેઇનસ્ટ્રીમ રોમેન્ટિક કોમેડીમાં પ્રિયંકા લીડ એક્ટ્રેસ છે. આ ફિલ્મ જોકે હજુ સુધી ભારતમાં રિલીઝ થઈ નથી, પણ પ્રિયંકાના પર્ફોર્મન્સને પશ્ચિમમાં વખાણ થઈ રહ્યા છે.   

થાડા સમય  પહેલાં  પ્રિયંકા તેના એમરિકન પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે ભારત આવી હતી ને મિડીયાને માથે લીધું હતું! એ કહે છે, ‘મુંબઇ તો મારું પોતાનું ઘર છે. મારી ફિલ્મ કારકિર્દીની યશ કલગી છે. નિક અને માલતીને પણ મુંબઇમાં બહુ મજા આવી.’  

પ્રિયંકા હિન્દી ફિલ્મજગતનો ૨૨ વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિયંકાને ઘણાં માન-સન્માન અને એવોર્ડ્ઝ મળ્યા છે. આમ  છતાં પ્રિયંકાના મન-હૃદયમાં ઝાઝી બધી નારાજગી છે. પ્રિયંકાએ બોલિવુડની ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરીને હોલિવુડને પ્રાધાન્ય આપ્યું એનું એક મોટું કારણ એની આ નારાજગી છે. 

પ્રિયંકા રોષ દર્શાવતાં કહે છે, ‘હા, સાચી વાત છે. હિન્દી ફિલ્મજગત પુરુષ પ્રધાન છે. ઇન ફેક્ટ, દુનિયાની બધી ઇન્ડસ્ટ્રીઝ પુરુષ પ્રધાન જ છે, પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો હિરોઇનોને અભિનયપ્રતિભા દર્શાવવા માટે બહુ ઓછી તક મળે છે. હા, અમુક ફિલ્મો નારીપ્રધાન બની છે અને તેમાં જે-તે અભિનેત્રીઓની પ્રતિભા પૂરબહારમાં ખીલી છે. બોલિવુડમાં અભિનેતાઓની સરખામણીએ અભિનેત્રીઓને બહુ જ ઓછું મહેનતાણું મળે છે. અભિનય અને મહેનત તો બંને કરે છે. આમ છતાં આવો ભેદભાવ અને અન્યાય શા માટે તે સમજાતું નથી. મેં બોલિવુડમાં ૭૦ ફિલ્મમાં અભિનય કર્યો છે. મારી ઘણી ફિલ્મ સુપરહિટ પણ થઇ છે. આમ છતાં હું મારાં મન-હૃદયથી ખુશ નહોતી. મને જાણે કે એક હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી. હું જબરી ગુંગળામણ અનુભવતી  હતી. છેવટે મારે હોલિવુડ તરફ નજર દોડાવવી પડી.’

મજા જુઓ. ‘સિટાડેલ’ સિરીયલ, કે જે આજની તારીખે દુનિયાની (હા દુનિયાની, માત્ર અમેઝોન પ્રાઇમ વિડીયોની નહીં) સૌથી મોટી વેબ સિરીઝ છે, એમાં કામ કરવા માટે પ્રિયંકાને હીરો જેટલી જ ફી આપવામાં આવી છે. પ્રિયંકાની જિંદગીમાં પહેલી વાર એવું બન્યું કે એને હીરો જેટલું જ મહેનતાણું મળ્યું હોય. વક્રતા એ છે કે આ સ્થિતિ એના પોતાના વતનમાં ન આવી, બલકે વિદેશમાં આવી, દુનિયાની સૌથી કઠિન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. 

‘પણ એમાંય મને સમય તો લાગ્યો જ,’ પ્રિયંકા કહે છે, ‘હું અમેરિકામાં કામ કરતી થઈ એ વાતને દસ વર્ષ થઈ ગયાં. છેક હવે પે-પેરિટી શક્ય બની છે. પણ આ એક બહુ સરસ શરુઆત છે. માત્ર હું જ નહીં, એશિયન મૂળ ધરાવતી બીજી અભિનેત્રીઓને પણ આનો લાભ મળશે.’

પ્રિયંકાએ અમેરિકા જઈને શરુઆત તો ગાયિકા બનવાથી કરી હતી, એણે બે-ત્રણ સિંગલ્સ ગાયાં પણ ખરા, પણ એને સમજાઈ ગયું કે આ એ એનું કામ નથી, આ એની પ્રવીણતાનું ક્ષેત્ર નથી. પછી ‘ક્વોન્ટિકો’ નામની સુપરહિટ ટીવી સિરીઝ આવી. પહેલી વાર એવું બન્યું કે કોઈ ભારતીય એક્ટ્રેસને મેઇનસ્ટ્રીમ અમેરિકન પ્રાઇમટાઇમ શોમાં લીડ રોલ મળ્યો હતો. તે પછી એણે થોડી ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા. લીડ હિરોઈન બનવાની તક હવે મળી, ‘લવ અગેઇન’માં. 

પ્રિયંકાનું એક બહુ જાણીતું ક્વોટ છે. એને પૂછવામાં આવ્યું કે અમેરિકા આવ્યા પછી તારું શું લક્ષ્ય છે? એણે મટકું માર્યા વગર જવાબ આપ્યો હતો, ‘વર્લ્ડ ડોમિનેશન!’ આખી દુનિયા પર આધિપત્ય!

‘મેં બોલિવુડમાં બેસ્ટ ડિરેક્ટરો અને બેસ્ટ એક્ટરો સાથે કામ કર્યું છે, સારામાં સારી ફિલ્મોમાં પર્ફોર્મ કર્યું છે,’ પ્રિયંકા કહે છે, ‘બસ, આગામી દસ વર્ષમાં આ જ બધું મારે હોલિવુડમાં કરવું છે. અહીંની બેસ્ટ ટેલેન્ટ સાથે માટે શ્રેષ્ઠોત્તમ ફિલ્મો કરવી છે.’

પ્રિયંકાની મહેનત, એની વૈચારિક સ્પષ્ટતા અને જબરદસ્ત પરિશ્રમ કરવાની ક્ષમતા જોઈને આ કહેવાનું મન થાય: ટચવુડ! 

Leave a comment