આજથી WTCની ફાઈનલ, ભારત પાસે ICC ટાઇટલ જીતવાના 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવાની તક


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શરુ થશે. આ ફાઈનલ મેચ જીતવાની સાથે જ વિશ્વને એક નવો ટેસ્ટ બોસ મળશે. આ સાથે જ ભારતની નજર ICC ટાઇટલના છેલ્લા 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા પર પણ રહેશે. ભારતે છેલ્લે 2013માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ભારત પાસે ફરી એકવાર ચેમ્પિયન બનવાની તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ઈંગ્લેન્ડના ઓવલના મેદાનમાં ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા 2021-23ની 9 ટેસ્ટમાંથી 66.67 પોઈન્ટ સાથે WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કાંગારૂઓને 2-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વખત WTCની ફાઈનલ મેચ રમશે. ભારત આજે બીજી વખત WTCની ફાઈનલમાં રમશે. આ પહેલા ભારતીય ટીમને છેલ્લી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે સાઉથમ્પટનમાં રોઝ બાઉલમાં વિરાટ કોહલીની ટીમને આઠ વિકેટથી હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. આ વખતે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત પાસે ફરી એકવાર ચેમ્પિયન બનવાની તક છે.

WTCની ફાઇનલ કયારે શરૂ થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. બપોરે 3:00 વાગ્યે ટોસ થશે. લંડનના સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

ત્રણ વખત ફાઇનલમાં હારી

ભારત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ ત્રણ વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં હાર્યુ છે. આ ઉપરાંત ભારતીય ટીમ ચાર વખત સેમિફાઇનલમાં હારી છે. ટીમ 2021 T20 વર્લ્ડ કપના પહેલા જ રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ભારતને છેલ્લી WTCની ફાઈનલ જીતવાની તક હતી જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર WTCની ચેમ્પિયન બની હતી.

ભારતીય ટીમમાં બે વર્ષમાં બે કોચ અને પાંચ કેપ્ટન

ભારતીય ટીમમાં છેલ્લા બે વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. ભારતીય ટીમના 2021-23 દરમિયાન બે કોચ રહ્યા છે. રવિ શાસ્ત્રીને 2021 T-20 વર્લ્ડ કપ બાદ કોચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીની જગ્યાએ અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડને કોચ બનાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમે 2021-23 દરમિયાન કુલ છ ટેસ્ટ શ્રેણી રમી જેમાં પાંચ અલગ-અલગ કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ભારતની WTCની ફાઇનલમાં પહોંચવાની સફર

ઇંગ્લેન્ડ સામેની શ્રેણી

ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશનની  શરૂઆત ઈંગ્લેન્ડના પ્રવાસ સાથે કરી હતી. પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 2-2થી સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમ શરૂઆતની ચાર ટેસ્ટમાં 2-1થી આગળ હતી. આ દરમિયાન કોહલી ચારેય મેચમાં કેપ્ટન હતો. પાંચમી ટેસ્ટ કોરોનાને કારણે થઈ શકી ન હતી. આ ટેસ્ટ વર્ષ 2022માં રમાઈ હતી. આ ટેસ્ટ સુધીમાં કોહલીએ કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી દીધું હતું. જસપ્રીત બુમરાહે પાંચમી ટેસ્ટમાં કમાન સંભાળી હતી. ટીમ ઈન્ડિયા તે મેચમાં હારી ગઈ અને સિરીઝ 2-2 થી બરાબર થઈ ગઈ.

ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સિરીઝ

ઈંગ્લેન્ડ સામેની સિરીઝ બાદ ભારતે ન્યુઝીલેન્ડની યજમાની કરી હતી. ભારતે બે મેચની સિરીઝમાં 1-0થી જીત મેળવી હતી. આ સિરીઝમાં અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીએ કેપ્ટનશીપ કરી હતી. રહાણેના નેતૃત્વમાં કાનપુર ટેસ્ટ ડ્રો રહી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે મુંબઈ ટેસ્ટ જીતી હતી.

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ

ભારતે 2021ના અંતમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારી ગઈ હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે સેન્ચુરિયન ટેસ્ટ જીતી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તે રમી શક્યો ન હતો. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ હતી. કોહલી પાછો ફર્યો અને તેણે રન પણ બનાવ્યા હતા. જો કે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીલંકા સામે ઘરઆંગણે સીરીઝ 

ભારતે વર્ષ 2022માં શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં યજમાની કરી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે બંને મેચમાં શ્રીલંકાને આસાનીથી હરાવી સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી હતી.

બાંગ્લાદેશનો પ્રવાસ

ભારતીય ટીમ બે ટેસ્ટ મેચની સીરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બંને મેચમાં રમી શક્યો ન હતો. ભારતે સીરીઝ 2-0થી જીતી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે યજમાની કરી હતી

ભારતના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે આવી હતી. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે સિરીઝ જીતવી ખુબ જ જરૂર હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચાર મેચોની સીરીઝમાં 2-1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત પાસે આ વખતે 10 વર્ષ બાદ ICC ટાઈટલ જીતવાની તક છે.

બંને દેશોની ટીમો નીચે મુજબ છે

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (C), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, જોશ ઈંગ્લિસ, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

રિઝર્વ : મિશેલ માર્શ અને મેટ રેનશો.

ભારત

રોહિત શર્મા (C), રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ઈશાન કિશન, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમેશ યાદવ .

રિઝર્વ : યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવ.

Leave a comment