

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા 4 દિવસ પહેલા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો
મધુરા નાયકે સોશ્યલ મીડિયા પર બહેન અને જીજાની ફોટો પોસ્ટ કરી હતી
Updated: Oct 11th, 2023
![]() ![]() |
Image:Instagram |
Madhura Naik Receiving Threats : ચાર દિવસ પહેલા પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ(Israel Hamas war)ની સ્થિતિ સર્જાયી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતું. જેની અસર દુનિયાના ઘણાં લોકો પર પડી રહી છે. જેમાંથી એક છે ભારતમાં રહેતી ટીવી એક્ટ્રેસ મધુરા નાયક. ‘નાગિન’ સિરિયલની એક્ટ્રેસ મધુરા નાયકના ઘરમાં શોકનો માહોલ છે. તેની પિતરાઈ બહેન અને જીજાનું ઈઝરાયેલમાં અવસાન થયું છે. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે તેમના બાળકોની સામે જ ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરી હતી. મધુરાએ પોતાનું દુ:ખ સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું. તેણે તેની બહેન અને જીજાને નિશાન બનાવવાની નિંદા કરી કારણ કે તેઓ યહૂદી હતા, જેના પગલે હવે તેને અને તેના પરિવારને ધર્મના નામે ધમકીઓ મળી રહી છે.
આ અમારા માટે પરીક્ષાની ઘડી છે – મધુરા નાયક
મધુરાએ કહ્યું હતું કે, ‘આ વાત કરવા માટે યોગ્ય સમય નથી કારણે કે અમે સૌ ખુબ જ ભયભીત છીએ. મને અને મારા પરિવારને ધમકી ભર્યા મેસેજ મળી રહ્યા છે. આ ઘટનાના કારણે મને સોશ્યલ મીડિયા પર સાંપ્રદાયિક નફરતનો સામનો કરવો પડી રહ્યો છે. આ અમારા માટે પરીક્ષાની ઘડી છે કારણ કે અમે અમારા પરિવારના સભ્યને ખોયા છે. હું ખુબ જ પરેશાન છું. પ્લીઝ અમારી સુરક્ષા માટે પ્રાર્થના કરજો.’
સોશ્યલ મીડિયા પર બહેન અને જીજાની ફોટો કરી હતી પોસ્ટ
મધુરાએ ત્રણ દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બહેન અને જીજાની ફોટો શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘હમાસના આતંકવાદીઓએ બાળકોની સામે તેની બહેન અને જીજાની નિર્દયતાથી હત્યા કરી હતી. તેણે લખ્યું, ‘પ્લીઝ આ મુશ્કેલીના સમયમાં અમારી અને ઇઝરાએલના લોકો સાથે ઉભા રહો. હવે લોકો માટે આ આતંકવાદીઓની વાસ્તવિકતા અને તેઓ કેટલા અમાનવીય હોઈ શકે છે તે જોવાનો સમય આવી ગયો છે.’ મધુરાએ પોતાની જાત પર નિશાન સાધવા અંગે આગળ કહ્યું, ‘ગઈકાલે મેં મારી બહેન અને પરિવારનો ફોટો દુનિયાને બતાવવા માટે પોસ્ટ કર્યો હતો અને હું તે જોઇને ચોંકી ગઈ હતી કે પેલેસ્ટિનિયન સમર્થકોનો પ્રોપોગેંડા કેવી રીતે ચાલી રહ્યો છે. યહૂદી હોવાને કારણે મને અપમાનિત કરવામાં આવી અને મને નિશાન બનાવવામાં પણ આવી હતી.
આજે ઇઝરાયેલ દર્દમાં છે – મધુરા નાયક
મધુરાએ ત્યારબાદ એક વીડિયો શેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે, ‘હું મધુરા નાયક ભારતીય મૂળની યહૂદી છું. હવે ભારતમાં અમારી સંખ્યા માત્ર 3 હજાર છે. એક દિવસ પહેલા 7મી ઓક્ટોબરના રોજ અમે અમારા પરિવારમાંથી એક પુત્રી અને એક પુત્ર ગુમાવ્યા હતા. મારી પિતરાઈ બહેન ઓડાયા અને તેના પતિની તેમના બે બાળકોની હાજરીમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આજે હું અને મારો પરિવાર જે દર્દમાં છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આજે ઇઝરાયેલ દર્દમાં છે. ત્યાંના બાળકો, મહિલાઓ અને ત્યાંની શેરીઓ હમાસના ગુસ્સામાં સળગી રહી છે. બાળકો, વૃદ્ધો અને કમજોરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.