ઈન્ટરનેશનલ રેફરીએ પણ મહિલા કુશ્તીબાજોના આરોપોની કરી પુષ્ટી, બ્રિજભૂષણની વધશે મુશ્કેલી!

[ad_1]

કહ્યું – તે દિવસે કંઇક તો ખોટું થયું હતું, મહિલા રેસલરની બાજુમાં જ બ્રિજભૂષણ ઊભા હતા, તે અસહજ દેખાઈ રહી હતી

અગાઉ ત્રણ લોકો 3 વિવિધ મહિલા કુશ્તીબાજોના આરોપોની પુષ્ટી કરી ચૂક્યા છે

Updated: Jun 9th, 2023

image : Twitter

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ યૌન ઉત્પીડન કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અહેવાલ અનુસાર કથિત ઉત્પીડનનો આરોપ મૂકનાર મહિલા રેસલરોના સમર્થનમાં એક ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરી સહિત ચાર લોકોએ દિલ્હી પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે જેનાથી બ્રિજભૂષણ સિંહની મુશ્કેલી વધી શકે છે. 

શું કહ્યું ઈન્ટરનેશનલ રેફરીએ? 

સાક્ષી તરીકે હાજર થયેલા ઈન્ટરનેશનલ રેફરીએ કહ્યું કે એ દિવસે કંઈક તો ખોટું થયું હતું. બ્રિજભૂષણ મહિલા રેસલરની બાજુમાં જ ઊભા હતા. તે અસહજ દેખાઈ રહી હતી. તેણે ધક્કો પણ માર્યો. કંઈક બોલી અને પછી ત્યાંથી જતી રહી. બ્રિજભૂષણ મહિલા રેસલરોના હાથને સ્પર્શીને બોલી રહ્યા હતા. અહીં આવી જા, અહીં ઊભી થઈ જા…  

દિલ્હી પોલીસ કરી રહી છે તપાસ 

ઉલ્લેખનીય છે કે WFIના અધ્યક્ષ સામેના આરોપો મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. અહીં કથિત યૌન ઉત્પીડનની અનેક ઘટનાઓની વિગતો આપતા 6 વયસ્ક કુશ્તીબાજોએ બ્રિજભૂષણ સામે એફઆઈઆર નોંધાવી છે. એક ફરિયાદીએ ગત વર્ષે માર્ચમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે લખનઉની મેચ બાદ એક તસવીર પડાવાઈ હતી. મહિલા કુશ્તીબાજના જણાવ્યાનુસાર બ્રિજભૂષણે તેની છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો જેના પછી પીડિત યુવતીને દૂર ખસી જવાનો પ્રયાસ કર્યો હતો. 

ત્રણ મહિલા રેસલરોના આરોપોની પુષ્ટી થઈ 

અહેવાલ અનુસાર 2007થી ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરી જગબીર સિંહ જે ઘટનાના સમયે બ્રિજભૂષણ અને ફરિયાદીથી થોડાક જ ફૂટ દૂર ઊભા હતા તેમણે દિલ્હી પોલીસને જણાવ્યું કે કુશ્તીબાજોના આરોપો સાચા હોઈ શકે છે. જગબીર સિંહે ફોટાનો પણ હવાલો આપ્યો હતો અને કહ્યું કે દિલ્હી પોલીસે મને તેના વિશે પૂછ્યું હતું. જગબીર ચાર રાજ્યોમાં 125થી વધુ સંભવિત સાક્ષીઓમાં સામેલ છે. તપાસ 15 જૂને પતી જવાની શક્યતા છે. આ મામલે અત્યાર સુધી એક ઓલિમ્પિયન, એક રાષ્ટ્રમંડળ ખેલોના ગોલ્ડ મેડલ વિજેતા અને એક ઈન્ટરનેશનલ રેફરી તથા એક રાજ્ય સ્તરના કોચે ઓછામાં ઓછી ત્રણ મહિલા રેસલરોના આરોપોની પુષ્ટી કરી છે. 

Leave a comment