

શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય
અલાહાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીને સાંભળવા યોગ્ય ગણી
Updated: May 31st, 2023
પ્રયાગરાજ, તા.31 મે-2023, બુધવાર
હાલ ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાનવાપી કેસમાં હિંન્દુ પક્ષની મોટી જીત થઈ છે. આજે અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં આવલ શ્રૃંગાર ગૌરી-દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા-અર્ચના કરવાનો અધિકાર માંગતી હિન્દુ પક્ષની અરજીને સાંભળવા યોગ્ય માની છે. આ સાથે કોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો ઝટકો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે.
અગાઉ સિવિલ દાવો રદ થયો હતો, જેને હાઈકોર્ટમાં પડકારાયો
હવે આ કેસમાં જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ જે.જે.મુનીરની સિંગલ ખંડપીઠે બુધવારે આ ચુકાદો આપ્યો હતો. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર-2022ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. શ્રૃંગાર ગૌરી કેસમાં રાખી સિંહ અને અન્ય 9 લોકો દ્વારા વારાણસી કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરાયો હતો, જે રદ થતાં મસ્જિદ ઈન્તેઝામિયા કમિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
મુસ્લિમ પક્ષે શું દલીલ કરી હતી ?
અરજીમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને 12 સપ્ટેમ્બરે પડકારાયો હતો. કોર્ટમાં કેસ દાખલ કરનાર 5 મહિલા સહિત 10 લોકોને પક્ષકાર બનાવાયા હતા. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલા વાંધાને પહેલા જ ફગાવી દીધો હતો. મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે, 1991ના પ્લેસિસ ઓફ વોરશિપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ હેઠળ સિવિલ દાવો જાળવવા યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલ મહિલાઓને ચૈત્ર અને વાસંતીક નવરાત્રીના ચોથા દિવસે શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની મંજુરી મળેલી છે.