ઓડિશામાં કાળમુખો ટ્રેન અકસ્માત 300થી વધુને ભરખી ગયો

ઓડિશામાં કાળમુખો ટ્રેન અકસ્માત 300થી વધુને ભરખી ગયો



– ટ્રેન દૂર્ઘટના હૃદયદ્રાવક, દોષિતોને છોડવામાં નહીં આવે : પીએમ મોદી

– માનવીય ભૂલના કારણે અકસ્માત થયાની આશંકા : કોરોમંડલ એક્સપ્રેસને સિગ્નલ આપીને તરત જ પાછું ખેંચી લેવાયાથી અકસ્માત થયાનો પ્રાથમિક તપાસમાં દાવો

– પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને રૂ. 2 લાખ, ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય

બાલાસોર : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માતમાં ૩૦૦થી વધુનાં મોત થયા છે અને અંદાજે ૮૦૦થી વધુને ઈજા પહોંચી છે, જેમને ચાર  હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. ભારતીય રેલવેના ઈતિહાસના સૌથી ભયાનક અકસ્માતમાંના એકમાં ૨૦ કલાક બચાવ અભિયાન ચાલ્યું હતું. રેલવેએ અકસ્માતનું કારણ શોધવા ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. તપાસકારો અકસ્માત માટે માનવીય ભૂલ, સિગ્નલ ફેલ્યોર અને અન્ય સંભાવનાઓની તપાસ કરશે. જોકે, રેલવેના અધિકારીઓના પ્રાથમિક રિપોર્ટમાં કોરોમંડલ એક્સપ્રેસને ‘સિગ્નલ આપીને બંધ’ કરી દેવાયાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના સીએમે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા બજાર સ્ટેશન નજીક શુક્રવારે સાંજે ૭.૦૦ વાગ્યે ૨,૦૦૦ પ્રવાસીઓને લઈ જતી બેંગ્લુરુ-હાવરા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને શાલિમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તથા ગૂડ્સ ટ્રેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય ટ્રેનના ૧૭ કોચ પાટા પરથી ખડી પડયા હતા અને કેટલાક એકબીજા પર ચઢી ગયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે આ અકસ્માતમાં જાનહાની વધુ થવા પાછળનું મૂળ કારણ બંને પ્રવાસી ટ્રેનોની તીવ્ર ગતિ હતી. અકસ્માતના સ્થળે સ્થિતિ એટલી ભયાનક હતી કે દરેક કોચ પર જાણે કોઈ શક્તિશાળી ચક્રવાત ત્રાટક્યું હોય તેવું લાગતું હતું.

બચાવ અભિયાનમાં 1,200 લોકો, 200 એમ્બ્યુલન્સ, 50 બસ જોડાયા

અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માતના સ્થળે બચાવ અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સહિત ૧,૨૦૦ લોકો, ૨૦૦ એમ્બ્યુલન્સ, ૫૦ બસો અને ૪૫ મોબાઈલ હેલ્થ યુનિટ્સ કામે લગાવાયા હતા. ઘટના સ્થળે અનેક ટ્રેક હોવાના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. બચાવકામગીરી માટે પશ્ચિમ બંગાળમાં બરાકપોર અને પાનાગઢમાંથી એન્જિનિયરિંગ તથા મેડિકલ જવાનો સહિત આર્મીના જવાનો પણ તૈનાત કરાયા હતા. પ્રવાસીઓને અકસ્માત સ્થળેથી બહાર કાઢવા માટે બે એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કામે લગાવાયા હતા તેમ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું.

બચાવ અભિયાન પૂર્ણ, ટ્રેનોનો કાટમાળ ખસેડી ટ્રેકના પુનર્નિર્માણનું કામ શરૂ

આ દુર્ઘટનાના લગભગ ૨૦ કલાક પછી શનિવારે બપોરે બચાવ અભિયાન પૂરું કરાયું હતું અને ટ્રેનોના કાટમાળને ખસેડવા સહિત ટ્રેકના પુનનિર્માણનું કામ શરૂ કરાયું હતું. ઈજાગ્રસ્તોને ચાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાલાસોર જિલ્લા હોસ્પિટલ અને સોરો હોસ્પિટલ વોર ઝોન જેવી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. બાલાસોર મેડિકલ કોલેજમાં રક્તદાન સહિતની મદદ માટે ૨,૦૦૦ જેટલા લોકો ઉમટી પડયા હતા જ્યારે હોસ્પિટલોના શબઘર મૃતદેહોથી ભરાઈ ગયા હતા.

ઈજાગ્રસ્તો-તેમના પરિવારોને સહાય પૂરી પાડવા પીએમ મોદીનો આદેશ

આ ભયાનક ટ્રેન અકસ્માત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલમાં જઈને ઈજગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેમને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક સજા અપાશે. આ ખૂબ જ પીડાદાયક અને હૃદય વિચલિત કરી નાંખતી ઘટના છે. પીએમ મોદીએ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારોને જરૂરી બધી જ સહાય પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.  

સિગ્નલની ભૂલથી કોરોમંડલ એક્સપ્રેસ લૂપલાઈનમાં પ્રવેશતા અકસ્માત થયો

સ્થાનિક રેલવે અધિકારીઓના પ્રાથમિક રિપોર્ટ મુજબ ૧૨૮ કિ.મી.ની ઝડપે શાલિમારથી ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસને  મેઈન લાઈનમાં પ્રવેશવા માટે ગ્રીન સિગ્નલ અપાયું હતું, પરંતુ તે બંધ કરી દેવાતા ટ્રેન લૂપલાઈનમાં પ્રવેશી હતી, જ્યાં અગાઉથી ઊભેલી માલગાડી સાથે તે સામેથી ટકરાઈ હતી. જેથી તેના કેટલાક ડબા ખડી પડયા હતા. આ જ સમયે સામેની બાજુથી ૧૧૬ કિ.મી.ની ઝડપે આવતી બેંગ્લુરુ-હાવરા સુપરફાસ્ટ એક્સપ્રેસ આવતી હતી તેની સાથે કોરોમંડલના ખડી પડેલા ડબા ટકરાયા હતા. જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો. 

રેલવે સલામતી કમિશનરના અધ્યક્ષપદે ઉચ્ચસ્તરી તપાસ શરૂ

અકસ્માતનું કારણ શોધવા માટે દક્ષિણ પૂર્વીય સર્કલના રેલવે સલામતી કમિશરના અધ્યક્ષપદે નેશનલ ટ્રાન્સપોર્ટરે ઉચ્ચ સ્તરી તપાસ હાથ ધરી છે.  સૂત્રોએ જણાવ્યું કે, અકસ્માતનું કારણ સિગ્નલ ફેલ્યોર હોઈ શકે છે. 

જોકે, રેલવે અધિકારીઓએ કહ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસ લૂપલાઈનમાં પ્રવેશીને માલગાડીને અથડાઈ  અને ડબા ખડી પડયા અથવા ડબા ખડી પડયા પછી માલગાડીને અથડાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. વધુમાં કોઈપણ અધિકારીઓએ ભાંગફોડના કારણે અકસ્માતની સંભાવના અંગે વાત કરી નથી. રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે, આ રૂટ પર ટ્રેનોનો અકસ્માત ટાળવા માટેની ‘કવચ’ ટેક્નોલોજી ઈન્સ્ટોલ કરાઈ નહોતી. 

અશ્વિની વૈષ્ણવ, નવીન પટનાયક, મમતા બેનરજી ઘટના સ્થળે પહોંચ્યા

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વહેલી સવારે ઘટના સ્થળની મુલાકાત લઈને અકસ્માતનું કારણ જાણવા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. વૈષ્ણવની મુલાકાતના થોડાક કલાકો પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

Leave a comment