ઓડિશા ટ્રેન અકસ્માત : મમતા બેનર્જીએ મોતના આંકડા પર ફરી ઉઠાવ્યા સવાલ, ગોધરાનો પણ કર્યો ઉલ્લેખ

[ad_1]

કોલકાતા, તા.04 મે-2023, રવિવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ આક્ષેપો કરતી વખતે ગોધરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે અકસ્માતમાં મૃતકોની સંખ્યા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

રેલવે માત્ર વેચવા માટે છોડી દીધી છે : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ જણાવ્યું કે, ગઈકાલે મારી સાથે રેલ્વે મંત્રી અને ધર્મેન્દ્ર પ્રધાન બંને ઉભા હતા, પરંતુ મેં કશું કહ્યું નહીં… હું ઘણું બધુ કહી શકી હોત… કારણ કે હું પોતે રેલ્વે મંત્રી રહી ચૂકી છું… મને બધી ખબર છે… ગઈકાલે જ્યારે મેં એન્ટી કોલિશનનો ઉલ્લેખ કર્યો ત્યારે રેલ્વે મંત્રી કેમ ચૂપ હતા ? બે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે… દાળમાં કંઈક કાળું છે… હું ઈચ્છું છું કે સત્ય બહાર આવે… મને રેલવે મંત્રીનું રાજીનામું જોઈતું નથી… કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસમાં એન્ટી કોલિશન ડિવાઈસ કેમ ન હતા ? રેલવે માત્ર વેચવા માટે છોડી દીધી છે.

નીતીશ, લાલુ અને મારા સમયમાં કેટલા લોકો માર્યા ગયા ?

મમતા બેનર્જીએ કહ્યું કે, મને એક મેસેજ મળ્યો… જેમાં એક મોટી યાદી હતી કે નીતીશ, લાલુ અને મારા સમયમાં કેટલા લોકો માર્યા ગયા ? બધી માહિતી ખોટી છે. હું પૂછું છું કે ગોધરામાં કેટલા લોકો માર્યા ગયા ? શું આ લોકોએ ક્યારેય વિચાર્યું છે કે મેં મારા સમયમાં રેલ્વેનું કેટલું આધુનિકીકરણ કર્યું.

મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ

મુખ્યમંત્રી બેનર્જીએ રવિવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં રેલવે મંત્રાલય દ્વારા અપાયેલા મૃત્યુઆંક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એકલા તેમના રાજ્યમાં 61 લોકોના મોત થયા છે અને 182 હજુ પણ લાપતા છે. રાજ્ય સચિવાલય નબન્નામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે, જો એક રાજ્યમાંથી 182 લોકો ગુમ છે અને 61 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, તો આ આંકડા કેવી રીતે સાચા છે ? અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાલાસોરમાં 3 ટ્રેનોના અકસ્માતમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા છે અને 1175 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત દેશના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાંથી એક

શુક્રવારે ઓડિશાના બાલાસોર પાસે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી, જેને દેશની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક કહેવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ખુબ જ દુઃખદ સ્થિતિ હોવા છતાં ભાજપે તેમને આ બાબત પર બોલવા મજબૂર કર્યા.

Leave a comment