ઓડિશા ટ્રેન દુર્ઘટના : જે સ્કૂલમાં રખાઈ હતી લાશો, ત્યાં જવાથી ડરી રહ્યા છે વિદ્યાર્થીઓ, શાળા તોડવાની તૈયારી


ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘટના સ્થળની નજીક આવેલી એક સ્કૂલમાં રખાયા હતા સફેદ કપડામાં મૃતદેહો

શાળામાંથી મૃતદેહો ટ્રાન્સફર તો કરી નાખાયા, પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનો કરી રહ્યા છે ઈન્કાર

Updated: Jun 8th, 2023

બાલાસોર, તા.08 જૂન-2023, ગુરુવાર

ઓડિશામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાએ દેશના સૌકોઈના રુવાંડા ઉભા કરી દીધા છે. આ ઘટનામાં 288 મુસાફરોના મોત નિપજ્યા, તો મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા… ત્યારે ઘટના સ્થળ નજીક આવેલી એક શાળામાં વિદ્યાર્થીઓ જવાનો ઈન્કાર કરી રહ્યા છે. આ સ્કૂલ બાલાસોર જિલ્લાના બહનાગા ગામમાં આવેલી છે. બહનાગા બાજાર રેલવે સ્ટેશન પાસે જ ત્રણ ટ્રેનોનો અક્સમાત થયો હતો. અકસ્માત બાદ એક પછી એક મૃતદેહો બહાર કાઢવાનો સિલસિલો શરૂ થયો, ત્યારે નજીકમાં આવેલી સ્કૂલને જ કામચલાઉ ધોરણે શબઘર બનાવી દેવાયું.

શાળા વ્યવસ્થાપન સમિતિએ સ્કૂલની બિલ્ડિંગ તોડવા વિનંતી કરી

65 વર્ષ જૂની આ સ્કૂલમાં સફેદ કપડામાં વિટાયેલા મૃતદેહોને રખાયા હતા, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા બાળકોને સ્કૂલ મોકલવાથી ગભરાઈ રહ્યા છે. શાળા વ્યવસ્થાપન સમિતિએ આ બિલ્ડિંગ તોડી પાડવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે. જોકે સમિતિએ બિલ્ડિંગ તોડવા પાછળનું કારણ જૂની બિલ્ડિંગ હોવાનું જણાવ્યું છે.

કલેક્ટરે શિક્ષકો અને બાળકોને સમજાવ્યા

વિદ્યાર્થીઓએ શાળામાં જવાનો ઈન્કાર કરવાનો મામલો સામે આવ્યા બાદ શાળા અને જન શિક્ષણ વિભાગે બાલાસોરના કલેક્ટર દત્તાત્રય ભાઉસાહેબને ઘટના સ્થળે જવા આદેશ આપ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને કલેક્ટરે કહ્યું કે, મેં શાળા વ્યવસ્થાપન સમિતિનો સભ્ય, મુખ્ય શિક્ષક અને અન્ય સ્ટાફ સાથે સ્થાનિક લોકોને પણ મળ્યો છું. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જૂની ઈમારતને તોડીને નવી ઈમારત બનાવવામાં આવે, જેથી બાળકોને ક્લાસમાં જવાનો ડર ન લાગે.

Leave a comment