

ભુવનેશ્વર આવતી-જતી ફ્લાઇટ્સના ભાડામાં અસાધારણ વધારા પર નજર રાખવા અને તે ન થાય તે માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ
મંત્રાલયે કહ્યું કે અકસ્માતને કારણે હવાઈ મુસાફરીની ટિકિટ કેન્સલ કરવા અને રિશેડ્યુલ કરવા માટે કોઈ વધારાની ફી વસૂલવામાં ન આવે
Updated: Jun 3rd, 2023
![]() ![]() |
image : pixabay/Twitter |
ઓડિશામાં ભયાનક ત્રણ ટ્રેન વચ્ચે દુર્ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે તમામ એરલાઇન્સને ભુવનેશ્વર આવતી-જતી ફ્લાઇટ્સના ભાડામાં અસાધારણ વધારા પર નજર રાખવા અને તે ન થાય તે માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું કે અકસ્માતને કારણે હવાઈ મુસાફરીની ટિકિટ કેન્સલ કરવા અને રિશેડ્યુલ કરવા માટે કોઈ વધારાની ફી વસૂલવામાં ન આવે. મંત્રાલયે આ અંગે તમામ એરલાઈન્સને ગાઈડલાઈન જાહેર કરી હતી.
ગાઈડલાઈનમાં શું કહ્યું?
એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને ભુવનેશ્વર આવતી અને જતી ફ્લાઇટ્સ માટેના હવાઈ ભાડામાં અસાધારણ વધારા પર નજર રાખવા અને તેની તપાસ કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે.
અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 288 લોકો માર્યા ગયા હતા, જ્યારે 1000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.
‘દોષીઓને છોડીશું નહીં’
અકસ્માત સ્થળની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી બાલાસોરની હોસ્પિટલમાં ગયા હતા અને પીડિતોને મળ્યા હતા. તેમણે કહ્યું કે તમામ પ્રકારની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે, જે પણ દોષિત ઠરશે તેને સખતમાં સખત સજા કરવામાં આવશે.