[ad_1]
– કેનેડામાં 200થી વધુ જગ્યાએ જંગલોમાં ભીષણ આગ : ન્યૂયોર્કમાં વાયુ પ્રદુષણ વિશ્વમાં સૌથી ખરાબ સ્તરે
ન્યૂયોર્ક રાજ્યના 10 જિલ્લાની સ્કૂલો અને આઉટડોર પ્રવૃત્તિ બંધ : વયસ્ક, બાળકો, સગર્ભા અને બીમાર વ્યક્તિઓને બહાર ન નીકળવા ડોક્ટરોની તાકીદ
– વૈજ્ઞાનિકોના મતે જંગલની આગ બેકાબુ થવા પાછળ માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જ જવાબદાર
– ન્યૂયોર્કની હવાની ગુણવત્તા વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન્સ કરતા ત્રણ ગણી ખરાબ
– ડેટ્રિયોટ, શિકાગો સહિત અનેક શહેરો પણ કેનેડાના ક્યુબેકની જંગલની આગના ધૂમાડાની ઝપેટમાં આવ્યા
ન્યુ યોર્ક : કેનેડાના જંગલોમાં લાગેલી આગને કારણે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વિશ્વમાં હવાની સૌથી ખરાબ ગુણવત્તા સાથે ન્યૂયોર્ક ટોચ પર છે. ન્યૂયોર્ક સિટીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ મંગળવારે રાત્રે ૨૦૦થી વધુ નોંધાયો હતો. ન્યુ યોર્ક શહેરની હવા એટલી તો ખરાબ થઈ હતી કે રાજ્યની અનેક સ્કૂલો બંધ કરવી પડી હતી તેમજ ડોક્ટરોએ વરિષ્ઠ નાગરિકો તેમજ બાળકો અને બીમાર વ્યક્તિઓને બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
વિશ્વના સૌથી ધનિક શહેર ન્યુયોર્ક વિશ્વની સૌથી પ્રદૂષિત હવાની યાદીમાં ટોચ પર પહોંચી ગયું હતું. ન્યુ યોર્કમાં પ્રદુષણનું મુખ્ય કારણ છે કેનેડાના ક્યુબેકના સો કરતાં વધુ જંગલોમાં લાગેલી આગ. આ આગના કારણે દક્ષિણમાં હાનિકારક ધુમાડો નીકળી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી, ઉત્તરપૂર્વ અને મધ્ય-એટલાન્ટિકના ભાગો કેનેડાના જંગલોમાં લાગેલી આગના ધુમાડાથી પ્રભાવિત થયા છે. આ કારણોસર, આ ભાગોમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે.
આઈક્યુ એર અનુસાર, ન્યૂયોર્ક સિટીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) મંગળવારે રાત્રે ૨૦૦ થી ઉપર નોંધાયો હતો. મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે, ન્યુ યોર્ક સિટીની હવા કોઈપણ મોટા મેટ્રોપોલિટન વિસ્તારની હવાની ગુણવત્તા કરતા વધુ ખરાબ હતી. આઈક્યુ એરએ અહેવાલ આપ્યો છે કે ન્યુ યોર્ક સિટી નવી દિલ્હી પછી નોંધાયેલ વાયુ પ્રદૂષણનું બીજું સૌથી ખરાબ સ્તર ધરાવે છે. આ સિવાય દોહા, બગદાદ, ઈરાક અને લાહોર ખરાબ હવાની ગુણવત્તાની યાદીમાં સામેલ છે.
સેન્ટ્રલ ન્યુ યોર્કમાં ઓછામાં ઓછા ૧૦ શાળા જિલ્લાઓએ પ્રદૂષણની સ્થિતિને કારણે મંગળવારે આઉટડોર પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો રદ કરવા પડયા હતા. વનની આગોમાંથી નીકળતા ધૂમાડામાં પીએમ૨.૫ તરીકે ઓળખાતા અતિસુક્ષ્મ કણો હોય છે જે માનવીય આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભુ કરે છે. પીએમ૨.૫ શ્વાસમાં જતા ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે છે અને લોહીમાં ભળીને શ્વસન સંબંધિત બીમારી, હૃદયરોગ અને અસ્થમાનું કારણ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ૨૦૧૬માં થયેલા ૪૨ લાખ અકાળ મોત અતિસુક્ષ્મ કણોને કારણે થયા હતા.
મંગળવારે ન્યુ યોર્ક શહેરમાં પીએમ૨.૫ની ઘનતા વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન્સ કરતા ત્રણગણી વધુ હતી. અમેરિકન લંગ એસોસિયેશન સાથે સંકળાયેલા નેશનલ સીનીયર ડાયરેક્ટર વિલિયમ બેરેટે લોકોને આવા સમય દરમ્યાન ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને બીમાર લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી હતી.
ક્યુબેક આ અઠવાડિયે ૧૫૦થી વધુ જંગલની આગ લાગી હતી. ચાલુ વર્ષે એકલા ક્યુબેકમાં ૪૦૦થી વધુ વાર જંગલોમાં આગ લાગી હતી જે દર વર્ષ કરતા બમણી સંખ્યા છે. આગને કારણે આ વર્ષે અત્યાર સુધી ૯૦ લાખ એકર જમીન બળી ગઈ છે.
જંગલની આગનો ધૂમાડો ઉત્તર પૂર્વ અને મધ્ય પશ્ચિમમાં ફેલાયો હતો જેના કારણે ડેટ્રિયોટ અને શિકાગો સહિત અનેક શહેરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મંગળવારે ઉત્તરપૂર્વ અને મધ્યપશ્ચિમના ભાગોમાં હવાની ગુણવત્તાની ચેતવણી જારી કરવામાં આવી છે.
આઈક્યુ એરમાં ડેટ્રિયોટ મંગળવારે બપોરે વાયુ પ્રદુષણ માટે ટોચના ૧૦ સ્થળોની યાદીમાં મુકાયું હતું. શિકાગોની હવાની ગુણવત્તા મધ્યમ રહી હતી અને આગામી દિવસોમાં પણ મધ્યમ રહેવાની ધારણા છે.
દરમ્યાન પિટ્સબર્ગની હવાની ગુણવત્તા ખરાબ સ્તરે હતી અને આગાહી મુજબ તે વધુ ખરાબ થશે જે વયસ્ક, બાળકો અને શ્વસનતંત્રની સમસ્યા ધરાવતા લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. શહેરને મંગળવાર દરમ્યાન એલર્ટ પર મુકવામાં આવ્યું હતું.
ન્યુ યોર્ક રાજ્ય અને માસાશુસેટ્સ, કનેક્ટીકટ, રોડ આઈલેન્ડ અને વર્મોન્ટ સહિત ન્યુ યોર્ક અને ન્યુ ઈંગ્લેન્ડના કેટલાક હિસ્સા પણ મંગળવારે એલર્ટ હેઠળ હતા. બાલ્ટીમોર, બોસ્ટન, હાર્ટફોર્ડ, પ્રોવીડન્સ અને મોન્ટપ્લાયર જેવા શહેરોમાં હવાની ગુણવત્તા મંગળવારે અત્યંત ખરાબ રહી હતી.
ઠંડી હવાને કારણે આગામી દિવસોમાં ધૂમાડો દક્ષિણ અને પૂર્વ તરફ જવાનું અનુમાન રાખવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકોના મતે માનવ-સર્જિત આબોહવા પરિવર્તને ગરમ અને સુકી પરિસ્થિતિને વકરાવી છે જેના કારણે વનમાં આગ લાગે છે અને બેકાબુ થાય છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં નોંધ કરી હતી કે પશ્ચિમ અમેરિકા અને કેનેડામાં જંગલોમાં લાગેલી આગથી લાખો એકર જમીન બળી ગઈ હતી. તેમના મતે અશ્મિભૂત ઈંધણ અને સીમેન્ટ કંપનીઓના કાર્બન પ્રદુષણ જંગલોની આગ વકરવાનું મુખ્ય કારણ છે. જેમ જેમ આગ તીવ્ર બનતી જાય છે તેમ તેમ ધુમાડો લાંબા અંતર સુધી જાય છે, જે વિશ્વભરમાં લાખો વધુ વ્યક્તિઓને જોખમમાં મૂકે છે.આઈક્યુએર ઉત્તર અમેરિકાના સીઈઓ ગ્લોરી ડોલ્ફિન હેમ્સે જણાવ્યું કે જંગલોની આગ આબોહવા પરિવર્તનનો મુદ્દો છે. તેનો સંબંધ જળવાયુ પરિવર્તન સાથે જ છે જેનાથી લોકો માટે અસુરક્ષિત પરિસ્થિતિ સર્જાઈ રહી છે.