કેરળમાં ચોમાસાના શ્રીગણેશ, પખવાડિયામાં ગુજરાતમાં આગમન

કેરળમાં ચોમાસાના શ્રીગણેશ, પખવાડિયામાં ગુજરાતમાં આગમન– અરબી સમુદ્રમાં ઉઠેલું ચક્રાવાતી વાવાઝોડું બિપરજોય ઓમાન તરફ ફંટાયું પરંતુ ગુજરાત તરફ આવે તેવી પણ સંભાવના

– આ વખતે ચોમાસુ બેસવામાં અઠવાડિયાનો વિલંબ :  કેરળના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો

– બિપરજોય વાવાઝોડાંની દિશા અંગે અલગ અલગ એજન્સીઓની અલગ જાહેરાતો : પોરબંદરથી 900 કિ.મી. મુંબઈથી 890 કિ.મી. દૂર

– વરસાદના આગમન વચ્ચે તમિલનાડુમાં હીટવેવની ચેતવણી : બંગાળ-ઝારખંડમાં તીવ્ર ગરમીની સ્થિતિ 

નવી દિલ્હી : બંગાળની ખાડી,આંદામાન નિકોબાર ટાપુઓમાં તા.૧૯ મેથી ૭ જૂન સુધી સક્રિય નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે કેરળ આવી પહોંચ્યું છે. ગુરુવારે કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરલ અને તમિલનાડુના કન્નૌર, કોડાઈકેનાલ, અદિરામપત્તીનમ્ સુધી આ ચોમાસુ આવી પહોંચ્યું છે અને તેના પગલે કેરલમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. જોકે, દેશમાં ચોમાસાના આગમનને ૭ દિવસનો વિલંબ થયો છે. આગામી પખવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે. 

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સચિવ શેખર લુકોસે કુરિઆકોસેએ કહ્યું હતું કે, રાજ્યમાં ચોમાસાના આગનની જાહેરાત પછી પહેલી ઓરેન્જ એલર્ટ કોઝિકોડેમાં જાહેર કરાઈ હતી. અહીં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. સામાન્ય રીતે દેશમાં ૧લી જૂને જ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જાય છે. ગુજરાત સહિત સમગ્ર દેશના અર્થતંત્રની જીવાદોરી સમાન આ ચોમાસુ ગત વર્ષે  તા.૨૯ જૂન, ૨૦૨૧માં ૩ જૂન, ૨૦૨૦માં ૧ જૂને, ૨૦૧૯માં ૮ જૂને અને ૨૦૧૮માં ૨૯ મેના રોજ કેરળમાં બેઠું હતું. આમ, ત્રણ વર્ષ બાદ ચોમાસું મોડું થયું છે, જે ગત વર્ષથી ૯ દિવસ અને સામાન્ય સરેરાશ તારીખ ૧ જૂન કરતા એક સપ્તાહ મોડું છે. 

સામાન્ય રીતે કેરલમાં ચોમાસાના આગમન પછી તા.૧૦ જૂને મહારાષ્ટ્રમાં, તા.૧૫ જૂને દક્ષિણ ગુજરાતમાં, તા.૨૦ જૂને રાજકોટ સુધીના વેરાવળ,જુનાગઢ સુધીના વિસ્તારમાં અને તા.૨૫ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને તા.૩૦ જૂન સુધીમાં કચ્છ સહિત વિસ્તારોમાં પ્રવેશતું હોય છે. પરંતુ, અનુકૂળ પવન,વાદળો હોય તો આ ચોમાસુ જમ્પ મારીને ઝડપથી પણ આવતું હોય છે.  મૌસમ વિભાગ અનુસાર આ ચોમાસુ બે દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કેરલના બાકી રહેલા વિસ્તારોમાં, તમિલનાડુના કેટલાક વધુ વિસ્તારો ઉપરાંત કર્ણાટકમાં પણ પ્રવેશ કરે તેવા સાનુકૂળ સંજોગો જણાયા છે. 

દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચોવીસ કલાકમાં જ અતિ વિનાશક વાવાઝોડામાં ફેરવાયેલ ‘બિપોરજોય’ ઓમાન તરફ ફંટાયું છે, પરંતુ તે ગુજરાત તરફ આવી શકે છે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. આ વાવાઝોડાની વિનાશકતા નિશ્ચિત થઈ ગઈ છે પરંતુ ચોક્કસ ક્યાં ત્રાટકશે તે કહેવું મૂશ્કેલ છે. હાલ શક્યતા એવી છે કે આવતીકાલ સવાર સુધીમાં તે હજુ વધુ શક્તિશાળી બનશે અનેે તા.૧૧ સુધી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં ઓમાન તરફ આગળ વધી શકે છે, પરંતુ તા.૧૨,૧૩ સુધીમાં બિપરજોય વાવાઝોડું વિનાશકતા જાળવીને ગુજરાત તરફ પણ આગળ વધવાની શક્યતા નકારાતી નથી.

વાવાઝોડુ કઈ દિશામાં આગળ વધશે તે હજુ અનિશ્ચિત છે. જેમ કે એનસીએફપીએ વાવાઝોડું ત્રણ દિવસ પછી ઓમાન તરફ આગળ વધવાનો નિર્દેશ આપ્યો છે તો ઈસીએમડબલ્યુએફે પાકિસ્તાનની સાથે ઉત્તર ગુજરાત તરફ વાવાઝોડાના વધવાનું તારણ કાઢ્યું છે. અન્ય કેટલાક મોડેલ વાવાઝોડું પાકિસ્તાન-ઈરાનના કાંઠા તરફ તથા પશ્ચિમ-અરબી સમુદ્રમાં આગળ વધવાના નિર્દેશ આપે છે. આમ, ગુજરાત ઉપરનું જોખમ જો અને તોની સ્થિતિ પર આધારિત છે. 

બિપરજોય વાવાઝોડું બે દિવસથી પ્રતિ કલાક પાંચ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે અને બે દિવસમાં પોરબંદરની ૨૬૦ કિ.મી.નજીક આવેલ છે. આજે બપોરે અઢી વાગ્યાની સ્થિતિએ તે ૧૪.૩ ડીગ્રી ઉત્તર અને ૬૬ ડીગ્રી પૂર્વએ નોંધાયેલ છે જે સૌરાષ્ટ્રના પોરબંદરથી ૯૦૦ કિ.મી.દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશાએ, ગોવાથી ૮૫૦ કિ.મી., મુંબઈથી ૮૯૦ કિ.મી.ના અંતરે હતું. આવતીકાલે બપોર સુધીમાં તે ૧૦૦થી ૧૨૫ કિ.મી. નજીક આવી શકે છે. 

વાવાઝોડામાં પવનની ચક્રાકાર ગતિ આજે ૧૩૫થી ૧૪૫ કિમી (મહત્તમ ૧૬૦ કિ.મી.) રહી છે જે આવતીકાલ રાત્રિથી તા.૯ની સાંજ સુધી ૧૪૫-૧૫૫ કિમીથી મહત્તમ ૧૭૦ કિ.મી.સુધીની થશે. ત્યારબાદ નજીવા ઘડાટા સાથે જ્યારે ગુજરાત નજીક (અથવા પશ્ચિમે ટર્ન લે તો ઓમાન નજીક) આવશે ત્યારે તા.૧૨,૧૩ના ૧૨૫થી૧૪૦  કિ.મી.સુધીની વિનાશક ઝડપ જાળવી રાખે તેવી સંભાવના છે. 

આજે ગુજરાતના તમામ બંદરો ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલના બંદરો ઉપર ડિસ્ટન્સ વોર્નિંગ-૨ (ડી.ડબલ્યુ-૨) સિગ્નલ જારી રખાયેલ છે અને ત્રણ દિવસ સુધી જારી રાખવા સૂચના છે. ત્યારબાદ ખતરો વધશે તો આ સિગ્નલ વધુ ગંભીર ચેતવણી આપતા લગાડાશે. 

દેશમાં એકબાજુ કરેળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી ત્રણેક દિવસ હીટવેવની સ્થિતિની સંભાવના છે. ઝારખંડના પાટનગર રાંચીમાં ગુરુવારે તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું જ્યારે પશ્ચિમ બંગાળમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલતી હીટવેવની સ્થિતિ વધુ ત્રણ દિવસ લંબાવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાંચીમાં ગુરુવારે મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૧ ડિગ્રી વધુ હતું. ગોડ્ડા જિલ્લામાં તાપમાન ૪૩.૪ ડિગ્રી અને દેવઘરમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. રાજ્યમાં એકંદરે હવામાન સૂકુ રહેશે.

દરમિયાન કેરળમાં ભારે વરસાદ ખાબકવાની સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે તેના પડોશી રાજ્ય તમિલનાડુમાં હવામાન વિભાગે હીટવેવની ચેતવણી આપી છે. ચક્રવાતના કારણે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકાલના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી અપાઈ છે. આ પ્રદેશોમાં પારો ૪૦ ડિગ્રી સે. સુધી વધવાની અપેક્ષા છે.

Leave a comment