કોંગ્રેસે નક્કી કરવું પડશે કે, તે લોકશાહીની સાથે છે કે PM મોદીની સાથે… વટહુકમ પર બોલ્યા કેજરીવાલ


રાંચી, તા.02 મે-2023, શુક્રવાર

દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુદ્દે મોદી સરકારે લાવેલા વટહુકમ વિરુદ્ધ સમર્થન માંગવાના ક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસનો ઉલ્લેખ કરી કહ્યું કે, કોંગ્રેસે નિર્ણય કરવાનો છે કે, તે લોકશાહી, બંધારણ અને 140 કરોડની જનતા સાથે છે કે, PM મોદીની સાથે છે.

વિપક્ષોનું સમર્થન મેળવવા કેજરીવાલ દેશભરની મુલાકાતે

ઉલ્લેખનિય છે કે, કેજરીવાલ કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ વિપક્ષોનું સમર્થન મેળવવા 23 મેથી દેશભરના પ્રવાસે છે. અત્યાર સુધીમાં કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના CM એમ.કેસ્ટાલિન, મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર, બિહારના CM નીતિશ કુમાર અને તેમના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી ચુક્યા છે.

કેજરીવાલને મળ્યો હેમંત સોરેનનો સાથ

આજે હેમંત સોરેન અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પત્રકારોને સંબોધીત કરતા કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના જનતા સાથે ગત મહિને ઘોર અન્યાય થયો, તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેમના લોકશાહી અધિકારીને છિનવી લેવાયા… 11 મેએ ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, દિલ્હીના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની સત્તા હશે… જોકે કમનસીબે સરકારે 19 મેએ વટહુકમ લાવીને સુપ્રીમના આદેશને સાઈડમાં કરી દીધો…

તમામ લોકોએ વટહુકમ વિરુદ્ધ આગળ આવવું પડશે : કેજરીવાલ

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મોદી સરકાર દિલ્હી સરકારને કામ કરવા માટે મંજૂરી નહીં આપે. હવે આ વટહુકમ સંસદમાં લઈ જવાશે… ભાજપ પાસે લોકસભામાં બહુમતી છે, જોકે રાજ્યસભામાં 238 બેઠકોમાંથી ભાજપની માત્ર 93 બેઠકો છે, તેથી તમામ બિન-ભાજપી પક્ષો એક થશે તો આ વટહુકમને હરાવી શકાશે. આ માત્ર દિલ્હીની જ નહીં, દેશભરની વાત છે… ભાજપ આગામી સમયમાં આવો જ વટહુકમ પંજાબ, રાજસ્થાન, ઝારખંડ અથવા તમિલનાડુમાં લાવી શકે છે. ચૂંટાયેલી સરકારની સત્તાઓ હડપ કરવા આ વટહુકમ બંધારણ સાથે છેડછાડ છે અને દરેકે તેની વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ. અમને દેશભરમાંથી સહકાર મળી રહ્યો છે.

Leave a comment