

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સાઉથ ઈસ્ટર્ન રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર અને કેટલીક ટ્રેનો રદ કરવા અંગે નિવેદન જારી કરાયું
Updated: Jun 2nd, 2023
કોલકાતા, તા.02 મે-2023, શુક્રવાર
ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન સામે સામે અથડાઈ હતી. આ અકસ્માત બહનગા રેલવે સ્ટેશન પાસે સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 50 મુસાફરોના મોત થયા છે, જ્યારે 350 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટનાથી દુઃખી છે. દુઃખની આ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય, તેવી પ્રાર્થના… રેલ્વે મંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો… દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ઓડિશાના બાલાસોરમાં દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન દુર્ઘટનામાં લોકોના મૃત્યુ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
હાવડાથી દક્ષિણ ભારતની તમામ ટ્રેનો રદ
ઓડિશાના બાલાસોર પાસે ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતને પગલે હાવડાથી દક્ષિણ ભારતની તમામ ટ્રેનો રદ કરાઈ છે. સાઉથ ઈસ્ટર્ન રેલવે તરફથી શુક્રવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે, સાંજે કોરોમંડલ એક્સપ્રેસ બાલાસોરથી 20 કિમી દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, જેમાં અનેક લોકોના મોત થયાના અહેવાલો છે. હાલ રેલવે દ્વારા આ બાબતે કોઈ ડેટા સ્પષ્ટ કરાયો નથી. આ અકસ્માત બાદ હાવડાથી દક્ષિણ ભારત જતી તમામ ટ્રેનો રદ કરાઈ છે. ઓડિશા જતી ટ્રેનો પણ રદ કરાઈ છે, જેના કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જે ટ્રેનો રદ કરાઈ છે તેમાં અપ જગન્નાથ એક્સપ્રેસ, અપ પુરી એક્સપ્રેસ, યશવંતપુર એક્સપ્રેસ અને ચેન્નાઈ મેલનો સમાવેશ થાય છે.