[ad_1]
શ્રીનગર, તા.04 મે-2023, રવિવાર
જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા 28000થી વધુ સરકારી કર્મચારીઓ આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. આ કર્મચારીઓએ કથિત રીતે કરોડો રૂપિયાના નકલી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)નો દાવો કર્યો હતો. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ છે.
404 લોકો સામે ફરિયાદ, સરકારને પહોંચાડ્યું 16.72 કરોડનું નુકસાન
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કર્મચારીઓમાં 8000 પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કથિત છેતરપિંડી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે થઈ હતી. જ્યારે ગત નાણાકીય વર્ષમાં આવા જ પ્રકારની કથિત છેતરપિંડી સામે આવ્યા બાદ IT વિભાગે જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને 404 અન્ય લોકો સામે 2 ફોજદારી કેસ નોંધ્યા હતા. આ લોકોએ ભારત સરકારની આવકને 16.72 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
તમામ આરોપીઓએ ખોટા IT રિટર્ન ફાઈલ કરી રિફંડ મેળવ્યા
અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના પ્રિન્સિપલ કમિશનર ઓફ ઈન્કમટેક્સની સૂચના પર એમ.પી.સિંહ, જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ઈન્કમટેક્સ ઓફિસર (ટેકનિકલ) આકાશ કુમાર મીના, ઈન્કમટેક્સ ઓફિસર (TDS) દ્વારા કરાયેલી તપાસના આધારે આ કેસો નોંધાવાયા છે. તમામ આરોપીઓએ અલગ-અલગ વર્ષોના ખોટા આવકવેરા રિટર્ન ફાઈલ કરીને 4 લાખથી વધુ રૂપિયા રિફંડ તરીકે લીધા છે.
કેસની તપાસ કરવા SITની રચના, તમામ આરોપીઓના બેંક ખાતા ફ્રીઝ
તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 420, 468, 471 અને 120-B હેઠળ કેસ દાખલ કરાયા છે. મુખ્ય આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈમરાન અમીન દારા શ્રીનગરમાં ICDS એન્ડ કંપની નામની કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તમામ આરોપીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. અધિકારીએ જણાવ્યું કે, આવકવેરા વિભાગે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માં ઈમરાન અમીન દારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ સરકારી કર્મચારીઓ ITની રડાર પર
આવકવેરા અધિકારી ટેકનિકલ આકાશ કુમાર મીનાએ 24 મેના રોજ લખેલા પત્રમાં ICAIના ડિરેક્ટરને CA સામે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે, જેના કારણે CAનું લાઈસન્સ રદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, રિફંડના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, યુટીના ઘણા પગારદાર કર્મચારીઓ કેટલાક દલાલોની મદદથી આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ નકલી કપાતનો દાવો કરી રહ્યા છે. તેમાં PDD, આરોગ્ય, પ્રવાસન, શિક્ષણ, પોલીસ, જમ્મુ અને કાશ્મીર બેંક, યુનિવર્સિટીઓ અને સશસ્ત્ર અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ પણ સામેલ છે.