છત્તીસગઢના CMએ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું – રેલવેમાં સુશોભન બંધ કરી પાયાના કામ પર ધ્યાન આપો


બાલાસોર રેલવે દુર્ઘટના અંગે કહ્યું – ત્રણ ટ્રેન એકસાથે અથડાઈ, આટલી મોટી દુર્ઘટના ઈતિહાસમાં ક્યારેય થઈ નથી

ઓડિશાના સીએમ નવીન પટનાયકને અમે શક્ય તેટલી મદદ કરવા તૈયાર

Updated: Jun 3rd, 2023

image : Twitter

ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના અંગે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે ત્રણ ટ્રેન એકસાથે ટકરાઈ, આટલી મોટી ટ્રેન દુર્ઘટના દેશના ઈતિહાસમાં અગાઉ ક્યારેય થઈ નથી. તેમણે કહ્યું કે હાલના દિવસોમાં રેલવેમાં માત્ર સુશોભનની જ કામગીરી ચાલી રહી છે, મહત્વની બાબતો પર કામ થઈ રહ્યું નથી. આ દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મોત થયા હતા. 900 થી વધુ લોકો ઘાયલ છે, હું મૃતકોના પરિવારોને શ્રદ્ધાંજલિ આપું છું.

ઓડિશા સરકારને જે પણ મદદની જરૂર પડશે તે અમે આપીશું

સીએમ બઘેલે કહ્યું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. મેં ઓડિશાના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. મેં  તેમને કહ્યું છે કે ઓડિશા સરકારને જે પણ મદદની જરૂર છે તે આપવા માટે અમે તૈયાર છીએ. જરૂર પડશે તો સીએમ નવીન પટનાયક સહકાર લેશે.

“…કદાચ આ કારણે જ અકસ્માત થયો હશે”

આ દરમિયાન ભૂપેશ બઘેલ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં ચૂક્યા ન હતા. ટ્રેન દુર્ઘટનામાં કેન્દ્ર સરકારની બેદરકારી અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા રેલવે બજેટ હતું, તેને બંધ કરી દેવામાં આવ્યું. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હતી. બીજી વાત એ છે કે રેલવેમાં જે પાયાનું કામ થવું જોઈએ તે કદાચ થઈ રહ્યું નથી. ત્રીજી વાત એ છે કે માલગાડી સાથે કેવી રીતે ટક્કર થઈ તે તપાસનો વિષય છે. . રેલવેમાં ખાલી ડેકોરેટિવ વર્ક જોવા મળી રહ્યું છે. પાયાની કામગીરી થઈ રહી નથી. કદાચ આ જ કારણ છે કે અકસ્માત સર્જાયો હતો.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ

રેલવે મંત્રીના રાજીનામાને લઈને સીએમ ભૂપેશ બઘેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નૈતિકતાની વાત કરે છે. રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. રેલવે મંત્રી જે કહે છે કે અમે એવી આધુનિક ટેક્નોલોજી અપનાવી છે કે 400 મીટર દૂર એક જ ટ્રેક પર ટ્રેન આવે તો આપોઆપ થંભી જાય છે. અહીં તેમના જ રાજ્યમાં ત્રણ ટ્રેનો ટકરાઈ, હવે તેઓ શું કહેશે. ચોક્કસપણે તે જવાબદાર છે.

Leave a comment