

Updated: Jun 1st, 2023
તા જેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘આઝમ’ માં જિમ્મી શેરગિલ જટિલ-નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યો. શ્રાવણ તિવારીના દિગ્દર્શનમાં બનાવવામાં આવેલી આ મૂવીમાં અભિમન્યુ સિંહ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા જેવા કલાકારો વચ્ચે જિમ્મી નોખો તરી આવતો હતો.
અભિનેતા કહે છે કે આ ફિલ્મમાં મેં જાવેદનું કિરદાર અદા કર્યું છે. જાવેદ શહેરના શક્તિશાળી ડોનનો નિકટનો સાથી છે. મેં તેમાં મારા પાત્રના મૂડ અને માનસિકતાને બખૂબી ઉતારવાના પ્રયાસો કર્યા હતા. અને તેમાં હું ઘણાં અંશે સફળ પણ રહ્યો છું.
અભિનેતા આ ફિલ્મની કહાણી વિશે કહે છે કે એક રાતે મુંબઈની અંધારી આલમમાં અચાનક જ કંઈક એવું અનપેક્ષિત બને છે કે સમગ્ર અંડરવર્લ્ડ સહિત પોલિટિકલ સિસ્ટમ અને પોલીસ ખાતું સુધ્ધાં હચમચી ઉઠે છે. કોઈને સમજાતું નથી કે આવું શા માટે બની રહ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે જિમ્મીએ અગાઉ આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. તે કહે છે કે મને જ્યારે આ મૂવીની ઓફર થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેનું શૂટિંગ રાત્રિના સમયે કરવામાં આવશે. અને હું મારી ઊંઘના ભોગે આ ફિલ્મ કરવા નહોતો માગતો તેથી મેં તેમાં કામ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ એક વખત ફાજલ સમયમાં મેં તેની સ્ક્રીપ્ટ વાંચી તો હું ઉછળી પડયો. મેં તરત જ મારા મેનેજરને ફોન કરીને કહ્યું કે તે તે દિગ્દર્શકને જણાવે કે જો જાવેદના પાત્ર માટે અન્ય કોઈ કલાકારને લઈ લેવામાં ન આવ્યો હોય તો હું તેમાં કામ કરવા તૈયાર છું.
જિમ્મી શેરગિલને અભિનય ક્ષેત્રે આવ્યે ત્રણ દશક જેટલો સમય થઈ ગયો છે. અભિનેતા આ બાબતે કહે છે કે હું સમય સાથે મને બદલું છું. મને મારા કરતાં નાની વયના કે નવા કલાકારો પાસેથી પણ કંઈ શીખવા મળતું હોય તો હું સંકોચ નથી કરતો. તેથી મને જે કામ મળે તેને અનુકૂળ થઈ જાઉં છું. જો કે ઘણાં લોકો માને છે કે આટલી લાંબી કારકિર્દી પછી મને જેવું કામ મળવું જોઈએ કે જેટલી ખ્યાતિ મળવી જોઈએ તેનાથી ઘણું ઓછું મળ્યું છે. પરંતુ મને લાગે છે કે કોઈપણ સંજોગોમાં આપણને આગળ વધતા રહેવું જોઈએ. હું ક્યારેય પાછળ ફરીને નથી જોતો. હા, કલાકારોને કેટલા પસંદ કરવા તે દર્શકોના હાથમાં છે.
જો કે અભિનેતાએ પોતાની ચોકલેટ બૉય ઈમેજ બદલવા સફળ પ્રયાસો કર્યાં હતાં. જિમ્મી કહે છે કે ‘મહોબ્બતેં’ પછી મેં બે વર્ષ સુધી દિવસ-રાત કામ કર્યું. મને એમ લાગતું હતું કે ફિલ્મોદ્યોગ તેમ જ મિડીયામાં મારી છબિ ચોકલેટ બૉય તરીકેની છે. અને મને આ ઈમેજ બદલવી જ પડશે. છેવટે મં શક્તિશાળી પાત્રો પર પસંદગી ઉતારવા માંડી. મેં ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘હાસિલ’, ‘અ વેનસ્ડે’ અને ‘તનુ વેડ્સ મનુ’ જેવી ફિલ્મો કરી. આ બધી ફિલ્મો ખાસ્સી સફળ રહી અને દર્શકોએ મારા કિરદાર પણ પસંદ કર્યાં. તેની સાથે મેં સફળતાપૂર્વક મારી ચોકલેટ બોયની છબિ પણ ભૂંસી કાઢી. ફિલ્મ સર્જકો અને દર્શકોને એ વાતની અનુભૂતિ થઈ કે હું એંગ્રી યંગમેન પણ બની શકું છું. અલબત્ત, મેં જ્યારે મારી ઈમેજ બદલવાના પ્રયાસો આદર્યાં ત્યારે અનેક લોકોએ મને આવું જોખમ ન લેવાની સલાહ આપી હતી. મને પણ તે વખતે મનમાં થોડો ફફડાટ તો હતો જ. પણ આજે હું આ નિર્ણયના મીઠાં ફળ ચાખી રહ્યો છું.