

Updated: Sep 15th, 2023
– આમિરે કુટેવ મુજબ માથું મારતાં ફિલ્મ બગડી
– સુપ્રસિદ્ધ મહારાજ લાએબલ કેસ પર આધારિત ફિલ્મનું થિયેટરમાં કોઈ ભાવિ ન જણાયું
મુંબઇ: આમિર ખાનના પુત્ર જૂનૈદની ડબ્બામાં બંધ થઈ ગયેલી ફિલ્મ ‘મહારાજા’ને આખરે એક ઓટીટી પ્લેટફોર્મને પધરાવી દેવામાં આવી છે. આ ફિલ્મ હવે થિયેટરમાં રીલીઝ નહીં થાય પરંતુ સીધી ઓટીટી પર જ આવશે.
આ ફિલ્મ ૧૯મી સદીના સુપ્રસિદ્ધિ મહારાજ લાએબલ કેસ પર આધારિત છે. કરસનદાસ મુળજી નામના ગુજરાતી પત્રકાર પર એક ધર્મ ગુરુનાં પાખંડને ઉઘાડું પાડવા બદલ બદનક્ષીનો દાવો થયો હતો. કરસનદાસ મુળજીનો આ કેસમાં વિજય થયો હતો અને આ કેસમાં અપાયેલો ચુકાદો ભારતમાં અખબારી સ્વતંત્રતાના પાયારુપ બન્યો હતો.
જોકે, આટલા સારા વિષય પર બનેલી ફિલ્મ આમિર ખાનના ચંચુપાતના કારણે બગડી હોવાનું કહેવાય છે. આમિરને પોતાની દરેક ફિલ્મમાં માથું મારવાની ટેવ છે અને પુત્રની પહેલી ફિલ્મમાં પણ તેણે હદ વગરના ઘોંચપરોણાં કર્યા હતા. ફિલ્મનું લગભગ આખેઆખું એડિટિંગ તેણે જ કરાવ્યું હોવાનું કહેવાય છે.
આ બધા ચંચુપાતના કારણે ફિલ્મની આખરી કૃતિ સર્જકોની ઈચ્છા મુજબ બની ન હતી. યશરાજ ફિલ્મ્સ જેવાં બેનરની ફિલ્મ હોવા છતાં પણ કોઈ ડિસ્ટ્રિબ્યૂટર્સ આ ફિલ્મને હાથ લગાવવા તૈયાર થયા ન હતા. આખરે, આમિર ખાને પુત્રની પહેલી ફિલ્મ રીલીઝ થાય તે માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. યશરાજ ફિલ્મ્સના વ્યવસાયિક સંબંધોનો ઉપયોગ કરાયો હતો અન ે એક ઓટીટી પ્લેટફોર્મને ફિલ્મ વેચી દેવામાં આવી છે.