‘દેશની બહાર જાઓ તો તમારી વાત કરો, રાજકારણ ન કરશો’, કેપટાઉનથી જયશંકરેે રાહુલને સંભળાવ્યું


તેમણે કહ્યું કે જ્યારે તમે દેશથી બહાર હોવ ત્યારે અમુક વસ્તુ રાજકારણથી મોટી હોય છે

તેમણે તેમના સંદર્ભમાં કહ્યું કે જ્યારે હું વિદેશ પ્રવાસ પર હોઉં છું ત્યારે માત્ર મારી વાત જ કરું છું

Updated: Jun 4th, 2023

image : Twitter

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જ્યારે તમે દેશની બહાર હોવ ત્યારે કેટલીક વખત કેટલીક બાબતો રાજનીતિ કરતા મોટી હોય છે. તેમણે  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચાલી રહેલી અમેરિકી મુલાકાતનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે.

જયશંકરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના સેન્ટા ક્લેરામાં ભારતીય-અમેરિકનોને સંબોધતા રાહુલે વડાપ્રધાન મોદીને “નમૂના” ગણાવ્યા હતા અને વિવિધ મોરચે તેમની સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધા બાદ કેપટાઉનમાં એક પ્રવાસી કાર્યક્રમમાં જયશંકરે રાહુલના સંદર્ભમાં કહ્યું હતું કે તેમણે તેમની વિદેશ મુલાકાતો દરમિયાન પોતાની વાત કરવી જોઈએ, રાજકારણ ન કરવું જોઈએ.

વિદેશ નીતિ પર જયશંકરે શું કહ્યું?

તેમણે તેમના સંદર્ભમાં કહ્યું કે  જ્યારે હું વિદેશ પ્રવાસ પર હોઉં છું ત્યારે માત્ર મારી વાત જ કરું છું અને રાજકારણ ન કરવાનો પ્રયાસ કરું છું. હા, જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું હંમેશા જોરદાર ચર્ચા માટે તૈયાર હોઉં છું. જયશંકરે કહ્યું કે આજે ભારતીય વિદેશ નીતિનો એક ભાગ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણને સુરક્ષિત કરવા પર કેન્દ્રિત છે. આજે ભારતીયોના વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને, તે જરૂરી છે કે એવી મિકેનિઝમ્સ મૂકવામાં આવે, જે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં દરેક રીતે મદદ કરી શકે. થોડા દિવસો પહેલા જ અમારે સુદાનમાંથી અમારા નાગરિકોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં બહાર કાઢ્યા હતા.

જયશંકર રામાફોસાને મળ્યા

વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સમકક્ષો સાથે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન રામાફોસાએ જયશંકર સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ટૂંકમાં ચર્ચા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની શુભેચ્છાઓ પાઠવી. આ બેઠકમાં જયશંકરની સાથે રશિયા, ચીન અને બ્રાઝિલના વિદેશ મંત્રીઓ પણ હતા. 

Leave a comment