ધો.10ના વિજ્ઞાનના પુસ્તકમાં મોટો ફેરફાર, હવે પિરિયોડિક ટેબલ નહીં દેખાય, વિવાદ થવાના એંધાણ

ધો.10ના વિજ્ઞાનના પુસ્તકમાં મોટો ફેરફાર, હવે પિરિયોડિક ટેબલ નહીં દેખાય, વિવાદ થવાના એંધાણ


રસાયણશાસ્ત્રની સમજ કેળવવા માટે પીરિયોડિક ટેબલ ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક

શિક્ષણવિદો, સંશોધકો અને નિષ્ણાતો ખૂબ જ નાખુશ

Updated: Jun 1st, 2023

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ બાળકો પરના બોજને ઘટાડવાની કવાયતમાં ધોરણ 10 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી રસાયણશાસ્ત્રના પીરિયોડિક ટેબલને પણ હટાવી દીધું છે. રસાયણશાસ્ત્રની સમજ કેળવવા માટે પીરિયોડિક ટેબલ ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક માનવામાં આવે છે. આની મદદથી રાસાયણિક તત્વોનો ક્રમ અને તેમની વિશેષતાઓ જેવી ઘણી બાબતો સમજી શકાય છે. વિશ્વ કેવી રીતે નાના ભાગોનું બનેલું છે તે જાણવા માટે પીરિયોડિક ટેબલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. NCERTના આ પગલાથી શિક્ષણવિદો, સંશોધકો અને નિષ્ણાતો ખૂબ જ નાખુશ છે. દેશના લાખો વિદ્યાર્થીઓ તેનાથી પ્રભાવિત થશે.

પીરિયોડિક ટેબલ, પ્રદૂષણ અને આબોહવાને લગતા ઘણા ટોપિક હટાવાયા 

અગાઉ, NCERT દ્વારા 9મા અને 10મા ધોરણના પાઠ્યપુસ્તકોમાંથી ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવવાનો ઘણો વિરોધ થયો હતો. જો કે, NCERT દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પાઠ્યપુસ્તકોમાં, પીરિયોડિક ટેબલ, પ્રદૂષણ અને આબોહવાને લગતા ટોપિક સહિત ઘણા  ટોપિક કાપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટીકાકારો દલીલ કરે છે કે પાણી, વાયુ પ્રદૂષણ, સંસાધન વ્યવસ્થાપન અને વિવિધ ઉર્જા સ્ત્રોતોને લગતા પ્રકરણોને દૂર કરવાથી આજના વિશ્વમાં આ વિષયોની સુસંગતતાનું ખંડન છે.

કોવિડ-19ના કારણે અભ્યાસનું ભારણ ઘટાડવા ગયા વર્ષે પણ આ પગલું લીધું હતું 

ગયા વર્ષે જૂનમાં, NCERT એ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પર અભ્યાસનું ભારણ ઘટાડવા માટે જરૂરી હોવાનું કહીને ધોરણ 10ના પાઠ્યપુસ્તકોમાંથી વિવિધ પ્રકરણો દૂર કર્યા હતા. ગયા વર્ષે કરવામાં આવેલા કાપ અને ફેરફારો સાથે હવે નવા પુસ્તકો બજારમાં આવી ગયા છે.

Leave a comment