પહેલવાનોએ મેડલ્સ ગંગામાં પધરાવવાનું ટાળ્યું, ટિકૈતનું પાંચ દિવસનું અલ્ટીમેટમ

પહેલવાનોએ મેડલ્સ ગંગામાં પધરાવવાનું ટાળ્યું, ટિકૈતનું પાંચ દિવસનું અલ્ટીમેટમ


Updated: May 31st, 2023


– પહેલવાનોના દેખાવો : આંતરરાષ્ટ્રીય ફેડરેશનની ભારત પર પ્રતિબંધની ધમકી

– બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે, હવે અમે ઈન્ડિયા ગેટ ખાતે આમરણ ઉપવાસ કરીશું : પહેલવાનો

નવી દિલ્હી : ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેખાવો કરી રહેલા પહેલવાનો મંગળવારે સાંજે તેમના મેડલ્સ ગંગા નદીમાં પધરાવી દેવા હરિદ્વાર પહોંચ્યા હતા. પરંતુ ખેડૂત નેતાઓએ તેમને અટકાવ્યા હતા. અંતે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતની વાત માનતા તેમણે મેડલ્સ તેમને સોંપી દીધા હતા. સાથે જ પહેલવાનોએ હવે સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજીબાજુ દુનિયામાં પહેલવાનોની સર્વોચ્ચ સંસ્થા યુડબલ્યુડબલ્યુએ ભારતીય કુશ્તી સંઘ પર પ્રતિબંધની ચેતવણી આપી છે.

પહેલવાનોએ ભારતીય કુશ્તી સંઘ (ડબલ્યુએફઆઈ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું. બ્રિજભૂષણ  પર એક સગીરા સહિત કેટલીક મહિલા પહેલવાનોના કથિત જાતીય શોષણનો આરોપ મૂક્યો છે. તેઓ ૨૩મી એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેખાવો કરી રહ્યા હતા, પરંતુ તેમને ૨૮ મેના રોજ ત્યાંથી હટાવી દેવાયા હતા.

આ ઘટનાથી વ્યથિત પહેલવાનોએ મંગળવારે સવારે જણાવ્યું હતું કે, જંતર-મંતર પર ૨૮મીએ તેમની સાથે દિલ્હી પોલીસે કરેલું વર્તન આખા દેશે જોયું છે. મહિલા પહેલવાનોનું શોષણ કરનારા ભાજપ સાંસદ બ્રિજભૂષણ સામે એફઆઈઆર નોંધવામાં દિલ્હી પોલીસને ૭ દિવસ લાગી ગયા જ્યારે અમારી સામે ૭ જ કલાકમાં ગંભીર આરોપો હેઠળ એફઆઈઆર કરાઈ. પોલીસ અને તંત્ર અમારી સાથે ગૂનેગારો જેવું વર્તન કરી રહ્યા છે જ્યારે આરોપી ખુલ્લી સભાઓમાં અમારી ટીકા કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ મેડલ્સ અમારો જીવ છે. તેને ગંગામાં પધરાવી દીધા પછી અમારા જીવવાનો કોઈ અર્થ રહેતો નથી. અમે સાંજે હરિદ્વારમાં હર કી પૈડી ખાતે અમારા મેડલ્સ ગંગા માને અર્પણ કરી દઈશું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, અમારું આંદોલન ખતમ નહીં થાય. હવે અમે ઈન્ડિયા ગેટ પર આમરણ ઉપવાસ પર ઉતરીશું. બીજીબાજુ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગેટ પ્રદર્શનની જગ્યા નથી. તે રાષ્ટ્રીય સ્મારક છે. પહેલવાનોને અહીં દેખાવોની મંજૂરી નહીં અપાય. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ આ નિવેદન ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા.

દરમિયાન દેશમાં પહેલવાનોના દેખાવો હવે આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. પહેલવાનોની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગએ ભારતીય કુશ્તી સંઘ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. યુડબલ્યુડબલ્યુએ મંગળવારે પહેલવાનો પર દિલ્હી પોલીસની કાર્યવાહી અને તેમની ધરપકડની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સાથે જ તેમણે બ્રિજભૂષણ  શરણ સિંહ વિરુદ્ધ તપાસ અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, આગામી ૪૫ દિવસમાં ભારતીય કુશ્તી સંઘની ચૂંટણી નહીં થાય તો ભારતને સસ્પેન્ડ કરી દેશે.

સાક્ષી-વિનેશે ભત્રીજીની વય બદલી સગીરા ગણાવ્યાનો આક્ષેપ

ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આક્ષેપોમાં મંગળવારે નવો વળાંક આવ્યો છે. જે સગીરાએ બ્રિજભૂષણ પર આરોપ મૂકતા દિલ્હી પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે તે સગીરા નથી તેવો દાવો તેના કાકા અમિત પહેલવાને કર્યો છે. તેણે આક્ષેપ કર્યો છે કે સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ અને પંજાબના કેટલાક ખેલાડી તેના પરિવારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમિતે દાવો કર્યો કે પહેલવાનોએ તેમના ભાઈની પુત્રીની વય બદલીને ૧૬ કરી નાંખી છે, જેથી પોક્સો કાયદાનો દુરુપયોગ થઈ શકે. હકીકતમાં તેમની ભત્રીજીનો જન્મ ૨૨ ફેબુ્રઆરી ૨૦૦૪ના રોજ થયો હતો. તેમણે ઉમેર્યું કે મારી ભત્રીજી સાથે કશું જ નથી થયું.

Leave a comment