

Updated: Oct 14th, 2023
નવી દિલ્હી,તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર
ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાની જો જોનાસ અને સોફી ટર્નર તેમના છૂટાછેડાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. લગ્નના 4 વર્ષ બાદ આ કપલનો સંબંધ તૂટી જવાનો છે. થોડા સમય પહેલા સોફીએ તેની પુત્રીઓ વિલા અને ડેલ્ફીનની કસ્ટડી માટે જો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો.
આ કપલ વચ્ચેના વિવાદ વચ્ચે હવે એવું લાગી રહ્યું છે કે ,ભાભી પ્રિયંકા ચોપરા અને ભાભી સોફી ટર્નર વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. હવે પ્રિયંકા ચોપરાએ સોફીને અનફોલો કર્યા બાદ પહેલી પોસ્ટ કરી છે.
પ્રિયંકાએ એક મિત્ર સાથેની તસવીર શેર કરી
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની ભાભી સોફીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જે બાદ પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક મિત્ર સાથે તેની તસવીર શેર કરી હતી. આ પોસ્ટમાં પ્રિયંકા તેના મિત્રને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવતી જોવા મળી અને લખ્યું કે, “એ સમયે જ્યારે બધું ખૂબ અનિશ્ચિત લાગે છે… હું ખૂબ આભારી છું કે, કેટલીક વસ્તુઓ સ્થિર છે. @tam2cul તમે મારા શ્રેષ્ઠ મિત્ર જ નહી પણ 2 દાયકાથી વધુ સમયથી મારી બહેન પણ છો! હજુ આપણે ઘણી યાદો બનાવવાની છે… હું તને પ્રેમ કરું છું અને જન્મદિવસની શુભેચ્છા તમન્ના.
પ્રિયંકા ચોપરાએ જોના નાના ભાઈ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા ઘણીવાર સોફી સાથે તેના ફેમિલી વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. બંને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ નજીક રહી હતી. તેથી, પ્રિયંકાએ સોફીને અનફોલો કરવું તેના ચાહકો માટે આંચકો છે.