બ્લુબેરીઝ : સ્વાસ્થ્ય સુધારે – ત્વચા નિખારે

[ad_1]

મુખ્યત્વે એશિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકામાં મળી આવતું ખટમધુરું, રસદાર ફળ બ્લુબેરી (નીલબદરી) સામાન્ય રીતે વિવિધ પ્રકારના વ્યંજનોને ગાર્નિશ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આમ છતાં આ નાના અમસ્તા ફળમાં પુષ્કળ પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી બની રહે છે, તેમાં વિટામીન બી-૬, વિટામીન-સી, ફાઈબર, એન્ટિઑક્સિડન્ટ, પોટેશિયમ, વિટામીન કે, વિટામીન એ, વિટામીન ઈ, ફેટી એસિડ, પ્રોટીન  જેવા પોષક તત્વો હોય છે. તેના સ્વાસ્થ્ય વિષયક લાભો વિશે જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે કે..,

* બ્લુબેરીમાં પ્રચૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે પાચન માટે ઉત્તમ પુરવાર થાય છે.

* આ ફળમાં રહેલું એન્થોસાયનિન નામનું તત્વ વજન ઘટાડવામાં મદદગાર બને છે. વળી તેમાં કેલરી નહીંવત્ પ્રમાણમાં અને અગાઉ જણાવેલ પોષક તત્વો પ્રચૂર માત્રામાં હોવાથી પણ બ્લુબેરીનું સેવન કરવાથી વજન ઘટે છે.

* બ્લુબેરીમાં રહેલા એન્ટિઑક્સિડન્ટ અને રેષા જેવા તત્વો હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક હોવાથી તેને લગતી વ્યાધિઓનું જોખમ ઘટે છે.

* તેમાં રહેલું એન્ટિઑક્ટિડન્ટ માનસિક તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.

* વધતી જતી વય સાથે આપણી સ્મરણ શક્તિ નબળી પડતી જાય છે. બ્લુબેરીમાં રહેલા એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિઑક્સિડન્ટ જેવા તત્વો યાદશક્તિ નબળી પડતી અટકાવે છે.

* બ્લુબેરીમાં ફાઇટોકેમિકલ્સ સાથે રહેલું વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

* આ નાનકડા ફળમાં રહેલા પૉલીફેનોલ્સના ગુણો હાડકાં મજબૂત બનાવે છે.

* તેમાં રહેલા એન્થોસાયનિન અને ફાઇબર કૉલેસ્ટરોલના સ્તરને સંતુલિત રાખે છે.

* બ્લુબેરીમાં મળી આવતું વિટામીન-ઈ ત્વચા માટે લાભકારી પુરવાર થાય છે. વાસ્તવમાં વિટામીન-ઈ એન્ટિઑક્સિડન્ટ જેવું કામ આપે છે જે ત્વચાને કાંતિવાન બનાવવામાં સહાયક બને છે.

ત્વચા નિષ્ણાતો કહે છે કે ત્વચા પર રહેલા ફ્રી રેડિકલ્સ (મુક્ત કણો) ચામડીને વિવિધ રીતે હાનિ પહોંચાડે છે. પરિણામે ત્વચા પર કરચલી પડવી, ચામડી શુષ્ક બનવી જેવા વધતી જતી વયના લક્ષણો દેખાવા લાગે છે, પરંતુ બ્લુબેરીમાં મોજૂદ એન્ટિઑક્સિડન્ટ ફ્રી રેડિકલ્સ સામે લડીને ત્વચાને નુકસાનથી બચાવે છે. એટલું જ નહીં, તેમાં રહેલા ફાઇટોકેનિકલ્સ અને એન્ટિઑક્સિડંટ મુક્ત કણોને નિષ્ક્રિય બનાવે છે જેથી વધતી જતી વય સાથે ત્વચા પર દેખાતી ઘડપણની નિશાનીઓ મોળી પડે છે.

બ્લુબેરીમાંથી માસ્ક બનાવીને ત્વચાને શી રીતે નિખારી શકાય તેની જાણકારી આપતાં ત્વચા નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા આ ફળને વરાળમાં બાફી લો. હવે તેને છુંદી લઈને તેમાં એટલા જ પ્રમાણમાં દહીં નાખો. બંને વસ્તુઓને બ્લેન્ડર વડે સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટ ત્વચા પર લગાવીને ૨૦થી ૩૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ હુંફાળા પાણી વડે પેસ્ટ દૂર કરો. આ મિશ્રણ ત્વચાને ભીનાશ બક્ષવા સાથે મૃત ત્વચા કાઢી નાખવામાં સહાયક બને છે જેથી ચામડી પર કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

ત્વચા નિષ્ણાતો વધુ માહિતી આપતાં કહે છે કે જેમને ચહેરા પર વધારે પડતાં ખિલ આવતાં હોય તેમને પણ બ્લુબેરી સરસ કામ આપે છે. બ્લુબેરીમાં પ્રચૂર માત્રામાં રહેલું સેલિસિલેટ સેલિસિલિક એસિડનું નમક હોય છે અને ખિલ મટાડવા માટેના ઉત્પાદનોમાં સેલિસિલિક એસિડના ભરપૂર ઉપયોગ થાય છે. તે મૃત ત્વચાને દૂર કરીને રોમછિદ્રો ખોલે છે અને ચામડીને બેક્ટેરિયા સામે લડવામાં સહાય કરે છે. પરિણામે ચહેરા પર રહેલા ખિલ દૂર થાય છે. 

જો કે કોઈપણ વસ્તુનો અમર્યાદિત ઉપયોગ હાનિકારક બની રહે. બ્લુબેરી પણ તેમાંથી બાકાત નથી. નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે આ ફળનો ઉપયોગ પણ મર્યાદિત પ્રમાણમાં ન થાય તો પેટ બગડી શકે. કેટલાંક લોકોને બ્લુબેરીથી એલર્જી પણ થાય છે. જો આ ફળ ખાવાથી કોઈપણ પ્રકારની આડઅસર વરતાય તો સમજી જવું કે તે તમને માફક નથી આવ્યું. તેવી જ રીતે બ્લુબેરી સારી રીતે ધોયા વિના ભૂલેચૂકેય મોંમાં ન મૂકવું.

– વૈશાલી ઠક્કર

Leave a comment