ભારતીય સૈન્યને મળશે 6 મહાશક્તિ સબમરીન ! ભારત આવ્યા જર્મનીના સંરક્ષણ મંત્રી, સમજુતી કરારની તૈયારી


ભારત અને જર્મની વચ્ચે 6 શક્તિશાળી સબમરીનના નિર્માણ માટે મોટો સમજુતી કરાર થવાની સંભાવના

જો કે આ બાબતે ભારતના સંરક્ષણ મંત્રાલય અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી

Updated: Jun 6th, 2023

નવી દિલ્હી, તા.06 મે-2023, મંગળવાર

6 શક્તિશાળી સબમરીનના નિર્માણ માટે ભારત અને જર્મની વચ્ચે મોટો સમજુતી કરાર થઈ શકે છે. આ માટે જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ મંગળવારે દિલ્હી આવ્યા હતા. આ સમજુતી કરાર રશિયાના બદલે જર્મની સાથે થઈ રહ્યા છે. યુક્રેન યુદ્ધના કારણે ભારત મોસ્કોથી જુદા પોતાના જ સૈન્ય હાર્ડવેયરનો વિસ્તાર વધારવા પ્રેરિત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર થિસેનક્રુપ એજી અને ભારતની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતીય નૌકાદળ માટે 6 સબમરીન બનાવવાના અંદાજિત 5.2 અબજ ડોલરના પ્રોજેક્ટ માટે સંયુક્ત રીતે બોલી લગાવે તેવી સંભાવના છે.

જર્મનીના સંરક્ષણ મંત્રી ભારતની મુલાકાતે

બીજી તરફ જર્મન અને ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ ભારતની 2 દિવસની મુલાકાત દરમિયાન પ્રાથમિક સમજૂતી અથવા સમજૂતી મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવશે. પિસ્ટોરિયસે કહ્યું કે, બુધવારે જ્યારે તે મુંબઈ આવશે ત્યારે મુખ્ય એજન્ડામાં સબમરીન ડીલ હશે. તેમણે ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમની ભૂમિકા તેમની સાથે મુસાફરી કરી રહેલા જર્મન અધિકારીઓ અને તેમના ભારતીય સમકક્ષો વચ્ચેની વાતચીતને ‘સમર્થન અને સહાયતા’ કરવાની હતી.

સબમરીન અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

પિસ્ટોરિયસે કહ્યું કે, આ માત્ર જર્મન ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ભારત અને ભારત-જર્મન વ્યૂહાત્મક ભાગીદારી માટે પણ એક મોટો અને મહત્વપૂર્ણ કરાર હશે. જો કે, ભારતના સંરક્ષણ મંત્રાલય અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે જર્મન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અને થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સના પ્રતિનિધિએ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે. કીલ (જર્મની) સ્થિત સંરક્ષણ ઉત્પાદન કંપનીએ 2 વર્ષ પહેલાં ટેન્ડર જાહેર કર્યું ત્યારે ભારતમાં સંયુક્ત રીતે સબમરીન બનાવવા માટે કોઈ રસ દાખવ્યો ન હતો.

Leave a comment