ભૂમિકા સારી હોય તો ગુરદીપ પુંજને માતાનો રોલ ભજવવાનો વાંધો નથી

ભૂમિકા સારી હોય તો ગુરદીપ પુંજને માતાનો રોલ ભજવવાનો વાંધો નથી


Updated: Jun 1st, 2023


 – બે દાયકાથી ટેલીવિઝનના પડદે કાર્યરત ગુરદીપે વય અનુસાર રોલ કરવા માંડયાં

– બે દાયકાથી વધારે સમયથી  ટેલીવિઝન ઉદ્યોગમાં કામ કરતી ગુરદીપ પુંજે ટચૂકડાં પડદે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ભૂમિકા સારી હોય તો ગુરદીપ ગમે તે પડકાર ઝીલવા માટે તૈયાર રહે છે. 

– માતાનો રોલ કરવામાં ગુરદીપને કશી સમસ્યા નથી. એ ખુદ માતા બની ચુકી છે તેથી આ પ્રકારના કિરદાર નિભાવવામાં એ ખાસ્સી કમ્ફર્ટેબલ રહે છે.

ભા રતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક જમાનામાં હિરોઇનો તેમની વય સંતાડવા માટે વિવિધ નુસખાં અજમાવતી હતી. પણ હવે દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ પણ હીરો હીરોઇનોને  મોટી ઉંંમરે  અલગ ભૂમિકામાં જોવા માટે ટેવાઇ રહ્યા છે. બે દાયકાથી વધારે સમયથી  ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરતી ગુરદીપ પુંજે  ટચૂકડાં પડદે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ગુરદીપ કહે છે કે ભૂમિકા સારી હોય તો ગમે તે પડકાર ઝીલવા માટે તે તૈયાર રહે છે. 

બારમી જુનથી સોની સબ પર શરૂ થઇ રહેલી સિરીયલ ‘વંશજ’ આમ તો હોલિવૂડની સિરિઝ ‘ધ સકસેશન’નું ભારતીય રૂપાંતર છે. પરિવારનાં રહસ્યોના તાણાંવાણાં અને સંજોગોની કઠણાઇને કારણે સર્જાતા પ્રસંગોની હારમાળા રજૂ કરતી આ સિરીયલમાં ગુરદીપ ભૂમિનું પાત્ર ભજવે છે. ભૂમિ મજબૂત ઇરાદા ધરાવતી અને સાચા માર્ગે ચાલનારી મહિલા છે. ભૂમિના પાત્ર વિશે ગુરદીપ કહે છે કે પરિવારમાં ચાલતાં ખટરાગને કારણે તે લાંબો સમય સુધી પરિવારથી દૂર રહી છે પણ તેને વિપરીત સંજોગોને કારણે પરિવારમાં પાછાં ફરવાની ફરજ પડે છે. આ દૈનિક ધારાવાહિકમાં અંજલિની માતાની ભૂમિકા ગુરદીપ ભજવી રહી છે.

 હાલ ગુરદીપની કારકિર્દી જે પડાવ પરથી પસાર થઇ રહી છે તેમાં તેને પડદા પર માતાની ભૂમિકા ભજવવામાં કોઇ વાંધો નથી. તે કહે છે, હું વય વધવા સાથે પરિપક્વ બની છું. અગાઉ હું  પ્રેમિકા, મુગ્ધા અને પત્નીની ભૂમિકાઓ ભજવી ચૂકી છું. હવે હું એક પરિપક્વ યુવતીની માતાની ભૂમિકા ભજવી રહી છું. ંમારી વાસ્તવિક જિંદગીમાં પણ હું એક યુવતીની માતા છું. મારા વાસ્તવિક જીવનના માતા તરીકેના અનુભવોને હું મારી ભૂમિકામાં ખપમાં લઉં છું. ગુરદીપની ઘણી સમકાલીન અભિનેત્રીઓ પડદા પર માતાની ભૂમિકાઓ ભજવતાં અચકાય છે પણ ગુરદીપ  કહે છે કે તેને વય અનુસાર ભૂમિકાઓ ભજવવામાં કોઇ વાંધો નથી. ગુરદીપ કહે છે કે હું  જીવનમાં માતા વહેલી બની તેનો મને લાભ થયો છે. તેના કારણે દૈનિક ધારાવાહિકમાં માતા બનવાનું મારે માટે સરળ બની રહ્યું છે. ગુરદીપ કહે છે માતાની ભૂમિકા કુદરતી રીતે જ સારી હોય છે સિવાય કે તેને ભાગે માત્ર ફર્નિચર બની રહેવાનું આવ્યું હોય. 

ટેલિવિઝન પર પોતાની કારકિર્દી મજાની રહી હોવાનું માનતી ગુરદીપ કહે છે આજે સ્પર્ધા વધી છે. મેં  જ્યારે કારકિર્દી શરૂ કરી હતી ત્યારે આટલી મુશ્કેલી નહોતી. મેં  ટેલીવિઝન ઉદ્યોગની તેજી જોઇ છે. એ સમયે આટલી બધી  ટીવી ચેનલો નહોતી. ટીવી ચેનલો ઓછી હતી પણ કોન્ટેન્ટની ગુણવત્તા ઘણી સારી હતી. એ સમયે સફળ થવા માટે ગળાકાપ હરિફાઇ નહોતી. ગમે  તેમ અમે અમારું એક સ્થાન બનાવ્યું તેનો મને આનંદ છે. હવે ગુરદીપ પુંજ ઓટીટી પર પદાર્પણ કરવા જઇ રહી છે. 

Leave a comment