

Updated: Jun 1st, 2023
– પતિના મૃત્યુનું દુઃખ મારી અંગત બાબત છે. તે વખતે હું કેવી મનોદશામાંથી પસાર થઇ રહી હતી તે વિશે મારે કોઇને સ્પષ્ટતા કરવાની જરુર નથી.
બ હુમુખી પ્રતિભાની સ્વામિની મંદિરા બેદી અત્યાર સુધી અભિનેત્રી, ક્રિકેટ શોની સંચાલિકા, ફેશન ડિઝાઇનર, ફિટનેસ મોડલ, મોટિવેશનલ સ્પીકર અને રિઆલિટી શોની સ્પર્ધક તરીકે કામ કરી ચૂકી છે. જોકે વર્ષ ૨૦૨૧માં તેની દુનિયા અચાનક બદલાઇ ગઇ. હૃદય રોગનો હુમલો આવતાં તેના ફિલ્મ સર્જક પતિ રાજ કૌશલનું નિધન થયું. આમ છતાં મંદિરા પોતાના શિખ રક્તનો પરિચય આપતી હોય તેમ અડીખમ રહી. તેણે આ કપરો સમય બહુ ધીરજ અને હિમ્મતથી પસાર કર્યો. અને હવે પોતાના બંને સંતાનો, ૧૧ વર્ષના પુત્ર વીર અને છ વર્ષની દીકરી તારાને સંભાળવા સાથે ફરીથી કામે વળગી છે.
અભિનેત્રી કહે છે કે હું જ્યારે કામ ન કરતી હોઉં ત્યારે માત્ર મારાં સંતાનો સાથે રહું છું. હું જાતે જ તેમને શાળાએ મૂકવા-લેવા જાઉં છું. અમે સાથે મળીને રજાઓ માણીએ છીએ. મારાં સંતાનોને પણ મારી જેમ ઘરમાં રહેવું ગમે છે. હું નવો ટીવી શો કરી રહી છું. હું બ્રાન્ડ્સ માટે સોશ્યલ મીડિયા પર શૂટિંગ કરું છું. તદુપરાંત હું વર્કઆઉટના વિડિયોઝ બનાવું છું અને ફિટનેસ ઇવેન્ટ્સમાં મોટિવેશનલ વાતો પણ કરું છું. આ બધા વચ્ચે હું મારી એક્સસાઇઝ કરવાનું નથી ચૂકતી. અલબત્ત, આ બધું એકસાથે કરવું અઘરું છે, પણ હું અઘરા કામો કરવાનું પસંદ કરું છું.
જોકે મંદિરા માને છે કે મોટિવેશનલ સ્પીચ આપવી સહેલી છે. અને જ્યારે તમારી સાથે કોઇ દુઃખદ બનાવ બને ત્યારે તેનો અમલ કરવો મુશ્કેલ છે એ વાત મને રાજના નિધન પછી સમજાઇ, પરંતુ શાતા રાખ્યા વિના છૂટકો નથી હોતો. રાજના મૃત્યુ પછી મને મારા બંને સંતાનોને સંભાળવાના હતાં. અને તેના મૃત્યુનું દુઃખ મારી અંગત બાબત હતી. તે વખતે હું કેવી મનોદશામાંથી પસાર થઇ રહી હતી તે વિશે મારે કોઇને સ્પષ્ટતા કરવાની જરુર નથી. તમે જેની સાથે આયખાના પચ્ચીસ વર્ષ વિતાવ્યાં હોય તે અચાનક તમારી સાથે ન રહે ત્યારે તમારી દશા કેવી થાય એ સમજી શકાય એવી વાત છે, પરંતુ હું એ આઘાતમાંથી બહાર આવી. જીવન પોતાનો લય શોધી જ લે છે.
અદાકારા ૨૦૧૮થી ઓટીટી પર સક્રિય છે. તે કહે છે કે આ મંચ કલાકાર-કસબીઓને ઘણું આપે છે. ઓટીટીની બોલબાલા વધ્યા પછી અહીં જાણે કે બધા માટે કામ છે. જે કલાકારોને ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું તેમને અહીં કામ મળી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરાએ અમેરિકન એક્શન થ્રિલર સિરીઝ ‘૨૪’ના એ જ ટાઇટલ ધરાવતા ભારતીય વર્ઝનમાં નિકિતા રાયની ભૂમિકા ભજવી હતી. મૂળ સીરિઝમાં આ પાત્રનું નામ નીના માયેર્સ હતું. તેણે અને તેના પતિએ સાથે નિહાળેલો આ પહેલો શો હતો. તે વખતે મંદિરાએ રાજને કહ્યું હતું કે તે આ રોલ કરવા માગે છે. પછીથી જ્યારે તેનું ભારતીય સંસ્કરણ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે તેના દિગ્દર્શક અભિનય દેવની ઑફિસમાંથી મંદિરાને આ શોમાં અન્ય પાત્રની ઑફર આવી હતી. જોકે મંદિરાએ તેમને પૂછ્યું હતું કે શું તમે મને નીના માયેર્સનો રોલ આપવા ફોન નથી કર્યો? તે વખતે તેમણે કહ્યું હતું કે આ કિરદાર અન્ય કોઇને ફાળવી દેવામાં આવ્યું છે. મંદિરા કહે છે કે સદનસીબે આખરે આ રોલ મારા ભાગે આવ્યો હતો. મારા માટે એ શમણું સાકાર થવા બરાબર હતું. જોકે ત્યાર પછી મંદિરાને સતત આવાં જ પાત્રો ઑફર થવા લાગ્યાં હતાં. તે કહે છે કે ‘૨૪’ની મારી ભૂમિકાની પુષ્કળ પ્રશંસા થઇ હતી.મારા ટૂંકા વાળ જોઇને સર્જકો ત્યાર પછી મને આ પ્રકારના પાત્રો માટે જ પ્રસ્તાવ આપતા હતા. પરંતુ હું એકસરખું કામ કરવા નહોતી માગતી તેથી મેં ઘણી ઑફરો પાછી વાળી દીધી હતી. આમેય હું પસંદગીના પાત્રો ભજવવામાં માનું છું.
1 thought on “મંદિરા બેદી : જીવન પોતાનો લય હંમેશા શોધી જ લે છે…”