વિપક્ષોને એક કરવાની મથામણ કરી રહેલા નીતિશ કુમારે 12 જૂને યોજાનાર બેઠક સ્થગિત કરવી પડી
કોંગ્રેસ અને અન્ય એક પક્ષનું કારણ આપી બેઠક સ્થગિત કરી : ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરાશે
Updated: Jun 5th, 2023
પટણા, તા.5 મે-2023, સોમવાર
છેલ્લા ઘણા સમયથી એક તરફથી કોંગ્રેસ તમામ પક્ષોને એક કરવામાં લાગી ગઈ છે, તો બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષોને એક કરવા માટે કમર કસી રહ્યા છે, ત્યારે વિપક્ષોને એક કરવા માટે પટણામાં 12 જુને યોજાનાર બેઠક સ્થગીત કરવામાં આવી છે. આજે નીતિશ કુમારે આગામી બેઠકમાં સંબંધિત પક્ષોના પ્રમુખોને સામેલ થવા ભારપૂર્વક જણાવ્યું છે. દરમિયાન તેમણે કહ્યું કે, આગામી તારીખ ટુંક સમયમાં નક્કી કરવામાં આવશે. જનતા દળ યૂના નેતા નીતિશે કહ્યું કે, તમામ પક્ષોના વિચાર-વિમર્શ બાદ બહુચર્ચિત બેઠકની નવી તારીખ નક્કી કરવામાં આવશે.
કોંગ્રેસ અને અન્ય એક પક્ષના કારણે બેઠક સ્થગિત
તેમણે કહ્યું કે, 12 જૂને યોજાનાર બેઠક સ્થગિત કરવી પડી, કારણ કે તારીખ અસુવિધાજનક હોવાનું કોંગ્રેસ અને અન્ય એક પક્ષને મને જણાવ્યું છે, જેના કારણે મારે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો. મેં કોંગ્રેસને અન્ય પક્ષો સાથે વિચાર-વિમર્શ બાદ નવી તારીખ સૂચવવા કહ્યું છે. તેમણે કહ્યું કે, મેં એકવાત સ્પષ્ટ કરી છે કે, બેઠકમાં સંબંધિત પક્ષોના વડાઓ દ્વારા જ પ્રતિનિધિત્વ કરવામાં આવે.
મમતા બેનર્જીએ આપ્યો હતો વિરોધ પક્ષોને મળવાનો વિચાર
ગત અઠવાડિયે બિહાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, તેમની પાર્ટી બેઠક માટે મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતા મોકલવાની યોજના બનાવી રહી છે, ત્યારે ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ નીતિશની સહયોગી પાર્ટી હોવા છતાં તેમની પહેલને વધુ મહત્વ આપી રહ્યું નથી. ભાજપે કહ્યું કે, ન તો રાહુલ ગાંધી કે ન તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નીતિશની પહેલને વધારે મહત્વ આપી રહ્યા છે. પટનામાં વિપક્ષી દળોની બેઠકનો વિચાર સૌપ્રથમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એપ્રિલમાં રજૂ કર્યો હતો.