મમતા-નીતિશને ફટકો: વિપક્ષી એકતા ફ્લોપ? પટણાની બેઠકમાં આ દિગ્ગજ નેતાઓ નહીં જાય


મમતા બેનર્જીની સલાહ પર નીતિશ કુમાર દ્વારા પટણામાં 12 જુને વિપક્ષી એકતાની બેઠકનું આયોજન

રાહુલ ગાંધી વિદેશમાં, ખડગે કાર્યક્રમોમાં, સ્ટાલીન-યેચુરી અન્ય કારણોસર બેઠકમાં સામેલ નહીં થાય

Updated: Jun 1st, 2023

પટણા, તા.01 જૂન-2023, ગુરુવાર

વિપક્ષોને એક કરવા માટે પટણામાં 12 જુને યોજાનાર બેઠક પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સલાહ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજીત બેઠકમાં ઘણા દિગ્ગજ નેતાઓ જોવા નહીં મળે, જેના કારણે આ બંને દિગ્ગજ નેતાઓને મોટો ઝટકો મળ્યો છે. હાલ એવા સંકેતો મળી રહ્યા છે કે, આ બેઠકમાં કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રસ નેતા રાહુલ ગાંધી, તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK અધ્યક્ષ એમકે સ્ટાલિન અને સીતારામ યેચુરી જેવા દિગ્ગજ નેતા જોવા નહીં મળે.

આ 4 દિગ્ગજ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશમાં છે, પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ આયોજીત કાર્યક્રમોમાં વ્યસ્ત છે, તેથી તેઓ બેઠકમાં સામેલ નહીં થાય. તેમના સ્થાને પક્ષનો કોઈ અન્ય પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. બીજી તરફ સ્ટાલિન અને સીતારામ યેચુરીએ પણ બેઠકમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી છે, તેથી પટણામાં વિપક્ષ એકતા ફ્લો શોમાં બદલાવાના પૂરા સંકેત છે.

વિરોધાભાસના કારણે વિપક્ષી એકતા પર ઉઠ્યા સવાલ

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી એકતાની બેઠકમાં હાજર થઈ શકે તેમ ન હોવાથી કોંગ્રેસે બેઠકની તારીખ 23 જુન કરવાની અપીલ કરી હતી, પરંતુ નીતિશકુમારે તારીખ આગળ લંબાવવામાં અસમર્થતા દર્શાવી હતી. તો બીજી તરફ સ્ટાલિન અને સીપીએમ નેતા યેચુરીએ અન્ય કારણોસર ધરી બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. સૂત્રો અનુસાર યેચુરી કોંગ્રેસ સાથે બેઠકમાં સામેલ થવા ઈચ્છતા હતા, પરંતુ રાહુલ ગાંધી ન જવાના હોવાથી અને મમતા બેનર્જી સાથે ઉભા રહેવામાં વાંધો હોવાથી યેચુરી પણ બેઠકમાં સામેલ થશે નહીં. ઉલ્લેખનિય છે કે, અંદરો અંદર વિરોધાભાસના કારણે વિપક્ષની એકતા પર ઘણા સવાલો ઉભી થઈ રહ્યા છે.

Leave a comment