

Updated: Oct 3rd, 2023
– રઈસની હિરોઈન માહિરાએ બીજાં લગ્ન કર્યાં
મુંબઈ : ‘રઈસ’ ફિલ્મમાં શાહરુખ ખાનની હિરોઈન માહિરા ખાને બિઝનેસ મેન સલીમ કરીમ સાથે બીજાં લગ્ન કર્યાં છે. આ લગ્નના ફોટો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
સામાન્ય રીતે લગ્નમાં દુલ્હન રડતી હોય છે પરંતુ આ લગ્નમાં દુલ્હો અને દુલ્હન બંને રડી પડયાં હતાં. એક વીડિયો અનુસાર માહિરા જ્યારે સલીમ તરફ આગળ વધી રહી હતી ત્યારે સલીમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. તે આંખમાં આંસુ લૂછતો નજરે ચઢ્યો હતો. એકદમ ભાવુક બની ગયેલા સલીમે માહિરાના કપાળ પર ચૂંબન કર્યું હતું અને આલિંગન આપ્યું હતું.
પાકિસ્તાનના મૂરી ખાતે બંનેએ લગ્ન કર્યાં હતાં. માહિરા પેસ્ટલ લહેંગામાં સજ્જ થઈ હતી જ્યારે સલીમે બ્લેક શેરવાની ધારણ કરી હતી. સંખ્યાબંધ ચાહકોએ બંનેને લગ્નજીવનની શુભકામના આપી હતી. માહિરાનાં આ બીજાં લગ્ન છે. અગાઉ ૨૦૧૭માં તેનાં લગ્ન અલી અસકારી સાથે થયાં હતાં. જોકે,બાદમાં તેના છૂટાછેડા થઈ ગયાં હતાં. પહેલાં લગ્નથી માહિરાને એક પુત્ર છે.