મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે 41.80 કરોડ મંજુર, સુરતમાં 390 કરોડના ખર્ચે આઠ ફ્લાય ઓવર બનશે


ગાંધીનગરને 5.11 કરોડ તથા સુરતને 36.69 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે

પાટણમાં 7.75 કરોડના ખર્ચે અને મોડાસામાં 12.16 કરોડ રૂપિયાના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન ઊભા કરાશે

Updated: Jun 1st, 2023



ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાંટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ યોજનામાં 5 કરોડ 11 લાખના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ માફરતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્ત તેમણે મંજૂર કરી છે. 

36.69 કરોડની દરખાસ્તને મંજુરી આપવામાં આવી
મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પૂરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડા એ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજુ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. 

390 કરોડ રૂપિયાની દરખાસ્તને મંજુરી
સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડની મંજૂરી મેળવવાની તેમજ આ કામોનું થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવાનું રહેશે એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  

પાટણ અને મોડાસામાં મંજુર કરાયેલ રકમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતની બે નગરપાલિકાઓ પાટણ અને મોડાસામાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે કુલ 10500 ચોરસ મીટર જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પાટણ નગરપાલિકાને પાંચ હજાર ચોરસ મીટર જમીન તેમજ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની નગરપાલિકાને 5500 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. આ હેતુસર પાટણ નગરપાલિકાને જમીનની જંત્રીની કિંમત તેમજ ડી.પી.આર મળીને રૂ. 7 કરોડ 75 લાખની રકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. મોડાસામાં પણ મોડેલ ફાયર સ્ટેશન નિર્માણના ડી.પી.આર સહિતની કામગીરી માટે કુલ 12.16 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

Leave a comment