

નાણાકીય વર્ષ 2022-23માં GDP 7.2 ટકાના દરે વધ્યો
જાન્યુ-માર્ચ 2023માં GDP વૃદ્ધિ દર 6.1 ટકા નોંધાયો હતો
Updated: May 31st, 2023
નવી દિલ્હી, તા.31 મે-2023, બુધવાર
સરકારે જીડીપીનો ડેટા જાહેર કરી દીધો છે. સરકારના ડેટા મુજબ નાણાંકીય વર્ષ 2022-23માં જીડીપી 7.2 ટકાના દરે વધ્યો છે. ગત વર્ષે 2021-22માં જીડીપી દર 9.1 ટકા નોંધાયો હતો. આ નવો ડેટા RBIના અનુમાન મુજબ જાહેર કરાયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.
અનુમાન કરતા શ્રેષ્ઠ ચોથું ક્વાર્ટર
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) દ્વારા ડેટા જાહેર કરાયો છે. NSOના ડેટા મુજબ નાણાંકીય વર્ષ 2022-23ના અંતિમ અથવા ચોથા કવાર્ટરમાં GDP દર ગત ક્વાર્ટરની તુલનાએ વધુ નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.1 ટકા નોંધાયો છે. અર્થવ્યવસ્થાને લઈને સરકાર માટે આ મોટો સમાચાર છે. હાલ GDPનો જે ડેટા સામે આવ્યો છે, તે નિષ્ણાંતોના પૂર્વઅનુમાન કરતા પણ શ્રેષ્ટ છે. ઘણા રિપોર્ટમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 4.9થી 5.5 ટકા રહેવાનો અંદાજ લગાવાયો હતો.
RBIના ગર્વનરે કહી હતી મોટી વાત
ગત સપ્તાહે ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાતે પણ જીડીડી ગ્રોથનો અંદાજ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકાથી વધુ નોંધવામાં આવે તો આપણને જરા પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આરબીઆઈ ગર્વનરના જણાવ્યા મુજબ, એવી સંપૂર્ણ સંભાવના છે કે, છેલ્લા નાણાકીય વર્ષનો GDP વૃદ્ધિ દર અનુમાન કરતા વધારે હોઈ શકે છે.
રાજકોષીય ખાધ એટલી જ રહી
જીડીપીના ડેટા સાથે રાજકોષીય ખાધનો ડેટા પણ જાહેર કરાયો છે. ગત નાણાંકીય વર્ષ 2022-23માં કેન્દ્ર સરકારનો રાજકોષીય ખાધ GDPનો 6.4 ટકા નોંધાયો. નાણાં મંત્રાલયના સંશોધીત અનુમાનમાં પણ રાજકોષીય ખાધ આટલો જ રહેવાનો અંદાજ લગાવાયો હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી ડેટામાંથી આ જાણકારી સામે આવી છે. નિયંત્રક જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)એ કેન્દ્ર સરકારના 2022-23ના આવક ખર્ચનો ડેટા બહાર પાડતા કહ્યું કે, મૂલ્ય મુજબ રાજકોષીય ખાધ 17,33,131 કરોડ રૂપિયા (કામચલાઉ) નોંધાયો છે. સરકાર તેની રાજકોષીય ખાધને પૂર્ણ કરવા બજારમાંથી ઉધાર લે છે.