

Updated: Oct 1st, 2023
– પહેલી ફિલ્મની રીલીઝ વિના બીજી ફિલ્મ મળી ગઈ
– રાશા અજય દેવગણના ભાણેજની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે
મુંબઈ: બોલીવૂડમાં નેપોટિઝમના આક્ષેપો થતા રહે છે જોકે તેનાથી બોલીવૂડના સ્ટાર્સ તથા નિર્માતાઓને કોઈ ફરક પડતો નથી. વિતેલાં વર્ષોની અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશાની હજુ પહેલી ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. તે સાઉથની એક ફિલ્મમાં ‘આરઆરઆર’ના હીરો રામચરણની હિરોઈન બનવાની છે.
રાશા અજય દેવગણના ભાણેજ અમન દેવગણની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ પ્રોજેક્ટ આગળ વધે તે પહેલાં તેને તેલુગુમાં રામચરણ સામે એક ફિલ્મ મળી છે. આ ફિલ્મને હાલ આરસી૧૬ એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે. આ ફિલ્મ સ્પોર્ટસ આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મ વિશે આજકાલમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં વિજય સેતુપતિનો પણ સમાવેશ થાય છે. રાશા આ ફિલ્મ માટે આગામી જાન્યુઆરી ૨૦૨૪થી શૂટિંગ શરુ કરી શકે છે તેવા અહેવાલો છે. રાશાના લૂક ટેસ્ટ તથા ઓડિશન હાલમાં જ થઈ ચૂક્યાં છે. હજુ એક પણ ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ રાશા ઓલરેડી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. તેના ફોટા તથા વીડિયોને લાખો લાઈક્સ મળે છે. નજીકના ભવિષ્યમાં જ તે સુહાના ખાન તથા ખુશી કપૂર જેવી અન્ય સ્ટારકિડઝ સામે સ્પર્ધા કરતી જોવા મળી શકે છે.