રાહુલ ગાંધીના સેક્યુલર પાર્ટીના નિવેદન બાદ આ 6 ભાજપી નેતાઓનું હલ્લાબોલ, કહ્યું ‘તમે સમજી શકતા નથી તો…’

રાહુલ ગાંધીના સેક્યુલર પાર્ટીના નિવેદન બાદ આ 6 ભાજપી નેતાઓનું હલ્લાબોલ, કહ્યું ‘તમે સમજી શકતા નથી તો…’


નવી દિલ્હી, તા.02 મે-2023, શુક્રવાર

અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે આપેલા નિવેદન બાદ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે, મુસ્લિમ લીગ એક સેક્યુલર પાર્ટી છે. આ નિવેદન બાદ ભાજપ નેતા ગુસ્સે ભારાયા છે અને કોંગ્રેસ અને રાહુલ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન આ મામલે કિરણ રિજિજૂએ પણ રાહુલના નિવેદનના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ કહ્યું છે.

ભારતના ભાગલાનું કારણ મુસ્લિમ લીગ

કેન્દ્રીય મંત્રીએ આજે ટ્વિટ કરતા કહ્યું કે, જે મોહમ્મદ અલી જિન્નાની પાર્ટી મુસ્લિમ લીગે ધર્મના આધારે ભારતના ભાગલા પાડ્યા, તે પાર્ટીને ભારતના નેતા સેક્યુલર પાર્ટી કહી રહ્યા છે. મુસ્લિમ લીગને સેક્યુલર કહેનારા નેતાને કેટલાક લોકો હજુ પણ માને છે, જે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

ભારત-પાકિસ્તાનના ભાગલાનું કારણ મુસ્લિમ લીગ

ભાજપ નેતા અમિત માલવીયાએ પણ ટ્વિટ કરતા કહ્યું કે, જિન્નાની અધ્યક્ષતાવાળી મુસ્લિમ લીગ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર હતી. આ ભાગલા ધર્મના આધારે કરાયા હતા. રાહુલ ગાંધી ઓછા ભણેલા છે અથવા વાયનાડમાં ટકવા તેમને આવું નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધી પ્રજાની માફી માંગે : કેશવ પ્રસાદ મોર્ય

રાહુલ ગાંધીના નિવેદન પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, 2024માં ચૂંટણી છે. તેમણે જે પણ કહેવું હોય તો અહીં આવે… તેમના વિચારો પ્રજા વચ્ચે રજુ કરે… તેઓ ભારતને વિદેશમાં કેમ બદનામ કરી રહ્યા છે. આ માટે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.

ઉત્તર પ્રદેશના બીજા નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઘણું દુઃખ થયું છે. ભારતની પ્રજા વિદેશોમાં ભારતની છબી બગાડનારને ક્યારેય માફ નહીં કરે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે પણ રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જે વિચારધારાએ મુસ્લિમ લીગને સેક્યુલર કહ્યા છે તે ખુબ ખતરનાક બાબત છે. હું રાહુલ ગાંધીના વાહિયાત નિવેદનને ગંભીરતાથી લેતો નથી. પરંતુ કોંગ્રેસની આવી વિચારધારા ભારતમાં વિભાજનના બીજ વાવી રહી છે.

મુસ્લીગ લીગ એટલે કે માત્ર મુસ્લિમોની પાર્ટી

ભાજપના નેતા કે.જે.અલ્ફોન્સે જણાવ્યું કે, મુસ્લીગ લીગ એટલે કે માત્ર મુસ્લિમોની પાર્ટી, આમાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ માટે કોઈ સ્થાન નથી. કેરળ ISISનો ગઢ બની ગયું છે. પાર્ટી આ અંગે કંઈ કહેતી નથી. મુસ્લિમ લીગ ઉગ્રવાદ અને કટ્ટરવાદ પર પણ કશું બોલતી નથી. રાહુલ ગાંધીની ખામી એ છે કે તેમનામાં સમજવાની ક્ષમતા નથી. ઠીક છે, જો તમે સમજી શકતા નથી, તો પછી બીજાને સાંભળો અને થોડું વાંચો.

જાણો રાહુલ ગાંધીનો સમગ્ર મામલો ?

ઉલ્લેખનિય છે કે, કેરળમાં કોંગ્રેસના આગેવાનીવાળી UDF ગઠબંધનમાં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ સહયોગી પાર્ટી છે. ઉપરાંત લોકસભામાં સંસદ સભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા પહેલા રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં સાંસદ હતા. દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલ પ્રેસ ક્લબમાં રાહુલ ગાંધીને મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે સવાલ પુછાયો હતો. જેના જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મુસ્લિમ લીગ સંપૂર્ણ સેક્યુલર પાર્ટી છે. પાર્ટીમાં નોન-સેક્યુલર જેવી કોઈ બાબત નથી. રાહુલે કહ્યું કે, જે વ્યક્તિ સવાલ મોકલ્યો છે, પૂછવા માટે… કદાચ તેમણે મુસ્લિમ લીગ વાંચી નથી.

Leave a comment