ભાજપે 9 પેજનો પત્ર લખીને રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કરતા કહ્યું કે, તમે તમારી અંતર આત્માને જોશો તો ખબર પડશે કે તમે નફરત ફેલાવવાનું કામ કેટલી હદે કર્યું છે. તમારા દિલમાં તમારા પોતાના માટે પણ ‘મોહબ્બત’ નથી.
Updated: Jun 8th, 2023
નવી દિલ્હી, તા.08 જૂન-2023, ગુરુવાર
ભાજપે ‘મોહબ્બતની દુકાન’ને લઈને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. ભાજપે તેને નફરતનો મેગામોલ ગણાવ્યો છે. ભાજપે 9 પેજમાં રાહુલ ગાંધીની ‘મોહબ્બતની દુકાન’ની વાસ્તવિકતા જણાવી છે. ભાજપે કહ્યું કે, જો તમે તમારા પરિવારના ઈતિહાસના પાના ફેરવો તો તમે નફરતના ઘણા પુરાવાઓ જોવા મળશે. ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ નફરતની દુકાનો સજાવવામાં આવી હતી. મોટાભાગના રમખાણો કોંગ્રેસના શાસનમાં થયા હતા. રાહુલ ગાંધીને લખેલા 9 પાનાના પત્રમાં ભાજપે કોંગ્રેસ પર અનેક મોટા પ્રહારો કર્યા છે. ભાજપે જણાવ્યું કે, નહેરુ-ગાંધી પરિવાર દ્વારા કોંગ્રેસના નેતાઓ સાથે જે પ્રકારનું ગેરવર્તન કરાયું છે, તે કોઈનાથી છુપાયેલું નથી.
કોંગ્રેસના શાસનમાં ‘મોહબ્બત’માં હત્યાકાંડ થયો
ભાજપે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ‘મોહબ્બત’માં હત્યાકાંડ થયો હતો. 1948માં મહામા ગાંધીની હત્યા બાદ મહારાષ્ટ્રમાં હજારો લોકો માર્યા ગયા હતા. આની પાછળ ‘મોહબ્બત’નો સંદેશ આપનાર કોંગ્રેસીઓ જ હતા. ભાજપે વધુમાં કહ્યું કે, તમે નફરત ફેલાવવાનું કામ કેટલી હદે કર્યું છે.
તમારા દિલમાં તો તમારા પોતાના માટે પણ ‘મોહબ્બત’ નથી
ભાજપે કહ્યું કે, તમારા દિલમાં તમારા પોતાના લોકો માટે પણ ‘મોહબ્બત’ નથી. તમારા દાદા ફિરોઝ ગાંધીને તમારી ‘મોહબ્બત ની દુકાન’માં ક્યાં સ્થાન અપાયું છે ? તેમની કબર પર છેલ્લે ક્યારે ફૂલ લઈને ગયા હતા ? ભાજપે કહ્યું કે, તમે તો બહાદુરોનું પણ અપમાન કર્યું છે. તમારી કથની અને કરનીમાં ઘણું અંતર છે. તમારા આખા પરિવારે નફરતનો મેગા મોલ ખોલ્યો છે. ઉલ્લેખનિય છે કે, 9 પાનાના આ પત્રના છેલ્લા પેજ પર ભાજપ સાંસદ પૂનમ મહાજન અને રાજ્યવર્ધન સિંહ રાઠોડના હસ્તાક્ષર છે.