રેપ પીડિતા માંગલિક છે કે નહીં તેની તપાસના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

રેપ પીડિતા માંગલિક છે કે નહીં તેની તપાસના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે


Updated: Jun 3rd, 2023


– રેપ પીડિતાની કુંડળીને કેસ સાથે શું લેવાદેવા? : સુપ્રીમ નારાજ

– યુનિ.નો જ્યોતિષ વિભાગ આરોપી-પીડિતાની કુંડળી તપાસે તેવા વિચિત્ર આદેશની સુપ્રીમે સુઓમોટો દ્વારા નોંધ લીધી 

નવી દિલ્હી : રેપ પીડિતા માંગલિક છે કે કેમ તેની તપાસ કરવા ઇલાહાબાદ હાઇકોર્ટ દ્વારા અપાયેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા નોંધ લઇને સ્ટે મુકી દીધો છે. સાથે સવાલ કર્યો હતો કે અમને એ નથી સમજાતુ કે જામીન અરજીની સુનાવણી દરમિયાન માંગલિક હોવા અંગેનો સવાલ જ કેમ ઉભો થયો અને કોર્ટે કેમ આવો આદેશ આપ્યો.

બળાત્કારના એક આરોપીએ ઇલાહાબાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે દરમિયાન આરોપીએ એવી દલીલ કરી હતી કે પીડિતા માંગલિક છે. તેથી હું તેની સાથે લગ્ન ના કરી શકું. આરોપીની આ દલિલોને ધ્યાનમાં રાખીને બાદમાં ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ બૃરાજ સિંઘે લખનઉ યુનિ.ના જ્યોતિષ વિભાગને રેપ પીડિતાની કુંડળી તપાસ આદેશ આપ્યો હતો. સાથે કહ્યું હતું કે આરોપી અને પીડિતા બન્ને યુનિ.ના જ્યોતિષ વિભાગ સમક્ષ પોતાની કુંડળી રજુ કરશે. જેની તપાસ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. 

ઇલાહાબાદ હાઇકોર્ટના આ વિચિત્ર આદેશની જાણકારી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઇ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ પંકજ મિથાલીએ મામલામાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે મિસ્ટર મહેતા તમે આ આદેશ જોયો? જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે આ આ આદેશ અત્યંત ખેદજનક છે, તેથી તેના પર સ્ટે મુકવામાં આવે. 

જ્યારે ફરિયાદી તરફથી હાજર વકીલે એવી દલીલ કરી હતી કે હાઇકોર્ટે માત્ર તપાસ કરવા આ આદેશ આપ્યો છે, જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પણ આ કુંડળી તપાસવાના આદેશને સમગ્ર મામલાથી કઇ લેવાદેવા જ નથી. બાદમાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકી દીધો હતો, સાથે જ રાજ્ય સહિતના દરેક પક્ષોને નોટિસ પાઠવવા કહ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી ૧૦મી જુલાઇએ કરશે. 

Leave a comment