

– ‘મને મારા ધર્મ પર વિશ્વાસ છે એથી હું ક્યારે પણ અન્ય ધર્મની નિંદા ન કરું. આપણે તમામ એવા દેશમાં રહીએ છીએ જ્યાં તમામ ધર્મોને સમાન આદર અપાય છે.’
અ ભિનેત્રી અદા શર્માનું પાત્ર શાલિની ઊર્ફે ફાતિમા ફિલ્મમાં પોતાની સ્વતંત્રતા વ્યક્ત કરવા હિજાબ સળગાવી નાખે છે. તેમજ સિદ્ધિ ઈરાનીનું પાત્ર (ગીતાંજલિ) જે ઈસ્લામમાં પોતાના ધર્માંતરણને વાજબી ઠેરવવા પોતાના કાફિર પિતા પર થૂંકે છે. ‘ધ કેરલ સ્ટોરી’માં અનેક એવાં દ્રશ્યો છે જેના પર મુસ્લિમ સમુદાય સામે ખોટી માન્યતા રજૂ કરવાનો અને સાંપ્રદાયિક તનાવ સર્જવાનો આરોપ લગાવાયો છે. જોકે ફિલ્મના સર્જકોએ વાર્તા કહેવા સર્જનાત્મક સ્વતંત્રતા લીધી હોવાનો ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ સ્પષ્ટ ઈન્કાર કરતા કહ્યું કે આ ફિલ્મ દર્શકોને ઈસ્લામ વિશે નહીં, પણ આતંકવાદ વિશે જણાવે છે.
અદા શર્મા કહે છે કે ધી કેરલ સ્ટોરી આઈએસઆઈએસ જેવાં ંઆતંકી સંગઠનોની કેમ્પમાં જોડાવા ઈસ્લામનો દુરુપયોગ કરનારા લોકો વિશે જણાવે છે. આથી આ ફિલ્મ ઈસ્લામ વિશે દર્શાવે છે તેમ કહેવું ખોટું છે. ધી કેરલ સ્ટોરી ધર્મ વિરોધી નહી, પણ આતંકવાદ વિરોધી ફિલ્મ છે અને આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. અદા શર્મા આગળ સ્પષ્ટતા કરે છે કે મને મારા ધર્મ પર વિશ્વાસ છે એથી હું ક્યારે પણ અન્યના ધર્મની નિંદા ન કરું. આપણે તમામ એવા દેશમાં રહીએ છીએ જ્યાં તમામ ધર્મને સમાન આદર અપાય છે.
કમાન્ડો-૩ની એક્ટ્રેસે એવું પણ જણાવ્યું કે દર્શકો કેવા અભિગમથી આ ફિલ્મ જુએ છે તેના પર બધો મદાર છે. આપણે એક તરફ વારંવાર કહીએ છીએ કે આતંકવાદને ધર્મ નથી હોતો, પણ જ્યારે આતંકવાદના વરવા પાસાને દર્શાવીએ તો તેની ટીકા કરવામાં આવે છે.
ફિલ્મમાં આતંકી સંગઠનો છોકરીઓને આઈએસઆઈએસની કેમ્પોમાં જોડાવા કેટલી હદે જાય છે અને કેવી રીતે આ કન્યાઓને આતંકીઓ માટે સેક્સ-સ્લેવ બનાવવામાં આવે છે તેના વિશે દર્શાવાયું હોવાનું કહેતા અદા જણાવે છે કે પોતાનું લક્ષ્યાંક સાધવા આ આતંકીઓ તમામ રસ્તા અપનાવે છે. મને નથી લાગતું કે આ બાબતને ધર્મ સાથે કોઈ નિસ્બત હોય. તેઓ લોકોના મનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. મને નથી લાગતું કે કોઈ પણ ધર્મમાં આવું કરવાનો આદેશ અપાયો હોય.
એક તરફ ફિલ્મ સર્જક સુદિપ્તો સેનને અમુક રાજકીય પક્ષોનું સમર્થન મળી રહ્યું છે અને કેટલાક રાજ્યોમાં તેને કરમુક્ત પણ કરવામાં આવી છે, ત્યારે કેટલાક રાજકીય પક્ષોએ તેને નફરત ફેલાવનારી ફિલ્મ ગણાવી છે અને થિયેટરોમાં તેના દર્શાવવા પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે. બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તો તેના પર પ્રતિબંધ પણ મુકી દીધો છે.
જોકે અદા શર્મા આવા વિરોધાભાસી મંતવ્યોથી વિચલિત નથી થઈ. તે માને છે કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં તમામને પોતાનું વિશિષ્ટ મંતવ્ય ધરાવવાનો અધિકાર છે.
અદા શર્મા ઉમેરે છે કે મારા મતે કોઈપણ રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ ન મુકવો જોઈએ કારણ કે લોકો તેને જુએ, પોતાનું મંતવ્ય પ્રગટ કરે, પછી ભલે તે નકારાત્મક હોય કે સકારાત્મક હોય. કોઈપણ સમાજ આવી જ રીતે નભે છે.
નફરત ફેલાવવાના આરોપ વિશે અદાહ શર્મા કહે છે કે ચોક્કસ ધી કેરલ સ્ટોરી નફરત ફેલાવે છે, પણ તે આતંકવાદ પ્રત્યે નફરત ફેલાવે છે, કોઈ ધર્મ પ્રત્યે નહીં. અદા કહે છે કે વ્યક્તિગત રીતે હું માનું છું કે આતંકવાદ અને બળજબરીના દિવસો પૂરા થયા. ઉપરાંત છોકરીઓને ડ્રગ્સના રવાડે ચડાવીને, તેમને પ્રેગનન્ટ કરીને અને પછી તેમને બ્રેનવોશ કરવી, આ તમામ હીન કૃત્યો છે.
અદાહ શર્મા ભારપૂર્વક જણાવે છે કે ધી કેરલ સ્ટોરી આવી તમામ બાબતો દર્શાવે છે અને કોઈ પણ ધર્મનો વિરોધ નથી કરતી. જેઓ નફરતની વાત કરે છે તેમને મારે એટલું જ કહેવું છે કે આ ફિલ્મ માત્ર અને માત્ર આતંકવાદ વિરોધી છે.
અદા શર્માએ આશા વ્યક્ત કરી કે એક સમાજ તરીકે આપણે એકતા જાળવશું. હકીકતમાં સમગ્ર માનવજાતે આતંકવાદના વિરોધમાં એકરૂપ થવું જોઈએ.