વિમાની ભાડા વાજબી રાખવા સરકારની એરલાઈન્સને તાકીદ

[ad_1]


– ગો ફર્સ્ટની સર્વિસ બંધ થતાં અન્ય કંપનીઓએ ભાડામાં તોતિંગ વધારો કર્યો

– જે રૂટ પર વારંવાર ભાવ વધતો હોય ત્યાં સેલ્ફ મોનિટરિંગ કરીને કંપનીઓ ટિકિટના દર ઘટાડે સિવિલ એવિએશન મિનિસ્ટર સિંધિયાએ એરલાઈન્સ એડવાઈઝરી ગ્રુપ સાથે ચર્ચા કરી

– ઓડિશા ટ્રેન અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોના મૃતદેહો માનવતાના ધોરણે તેમના ઘર સુધી નિ:શુલ્ક પહોંચાડો: ઉડ્ડયન મંત્રાલયનો  નિર્દેશ 

નવી દિલ્હી : ગો ફર્સ્ટની સર્વિસ બંધ થઈ એ રૂટમાં વિમાની ભાડા બેફામ વધી ગયા છે. એરલાઈન્સ કંપનીઓ એવા રૂટ્સ પર ભાડા નિયંત્રિત કરે તેવી કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાકીદ કરી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઈન્સના એડવાઈઝરી ગ્રુપ સાથે બેઠક કરી હતી અને ભાડા વાજબી રાખવા માટે સેલ્ફ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાનું સૂચન કર્યું હતું. સિંધિયાએ અમુક રૂટ પર તોતિંગ ભાડા થયાની ફરિયાદ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને એરલાઈન્સ કંપનીઓને જવાબદારીપૂર્વક ટિકિટનો દર રાખવાની ટકોર કરી હતી. તે ઉપરાંત ઓડિશાના ટ્રેન અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોના મૃતદેહોને તેમના પરિવાર સુધી નિ:શુલ્ક પહોંચાડવાનો નિર્દેશ પણ કર્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઈન્સ એડવાઈઝરી ગ્રુપના સભ્યો સાથે લાંબી ચર્ચા કરી હતી. એ દરમિયાન તેમણે વિમાની ભાડામાં થઈ રહેલાં આડેધડ ભાવવધારા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની નોંધમાં કહેવાયું હતું કે લાંબી ચર્ચા-વિચારણા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ એરલાઈન્સને જે રૂટમાં આડેધડ ભાવ વધી જતા હોય તે રૂટમાં સેલ્ફ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાની તાકીદ કરી હતી. એટલું જ નહીં, ભાવ વાજબી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્દેશ કર્યો હતો. ગો ફર્સ્સની સર્વિસ બંધ થઈ જતાં કેટલાય રૂટમાં રાતોરાત ભાવવધારો થયો હતો. ટિકિટના ભાવમાં પાંચ-પાંચ ગણો વધારો ઝીંકાયો હતો. ગો ફર્સ્ટની સર્વિસ બંધ થઈ તે પહેલાં આ એરલાઈન્સની દરરોજ ૨૦૦ ફ્લાઈટ ચાલતી હતી. આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ બંધ થતાં બીજી એરલાઈન્સ કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવવા તોતિંગ ભાવ વધારો કરી દીધો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ એરલાઈન્સ કંપનીઓને એવી પણ ટકોર કરી હતી કે કુદરતી કે માનવસર્જિક હોનારતો વખતે કે અકસ્માતો વખતે એરલાઈન્સે માનવતાના ધોરણે ટિકિટોના ભાવ નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઓડિશા દુર્ઘટના પછી એ રૂટના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયો તે સંદર્ભમાં આ ટકોર થઈ હતી. તે ઉપરાંત ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોના મૃતદેહોને તેમના શહેર સુધી નિ:શુલ્ક પહોંચાડવા માટે એરલાઈન્સ મદદ કરે એવો નિર્દેશ પણ કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કર્યો હતો. અગાઉ ઓડિશાના ટ્રેન અકસ્માત પછી તુરંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ માટે એડવાઈઝરી જારી કરી હતી. જેમાં ભુવનેશ્વર આવવા-જવાના વિમાની ભાડાને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિમાની ભાડાના નિયંત્રણના સંદર્ભમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં લોકસભાના ગત સત્રમાં કહ્યું હતું કે દેશમાં વિમાની ભાડું એરલાઈન્સ કંપનીઓ નિર્ધારિત કરે છે. સરકારની એમાં કોઈ સીધી ભૂમિકા નથી. કેન્દ્ર સરકાર વિમાની ભાડાને નિયંત્રિત કરતી નથી. એરલાઈન્સ કંપનીઓ જરૂરિયાત પ્રમાણે અને ડિમાન્ડ પ્રમાણે ભાવમાં વધ-ઘટ કરે છે.

નફાખોરી : દિલ્હી – ભુવનેશ્વરની ટીકીટ 56,100 રૂપિયાને પાર

ઓરિસ્સામાં છેલ્લા બે દાયકાના સૌથી મોટા રેલ અકસ્માત બાદ એરલાઈન્સ કંપનીઓએ દિલ્હી – ભુવનેશ્વર, કોલકાતા – ભુવનેશ્વરની હવાઈ યાત્રાના ભાડામાં તોતિંગ વધારો કરી નફાખોરી કરી હોવાની વાત સામે આવી છે.

 દિલ્હી અને ભુવનેશ્વર વચ્ચેની ફ્લાઈટની ટીકીટના ભાવ રૂ.૬૦,૦૦૦ સુધી વધી ગયા હતા. આજે પણ એક સ્ટોપ સાથેની ફ્લાઈટના મંગળવારની ટીકીટના ભાવ રૂ.૨૪,૫૦૦થી રૂ.૫૬,૧૦૦ જોવા મળી રહ્યા છે. બુધવારની ટીકીટના ભાડાં પણ રૂ.૩૦,૦૦૦ સુધી છે. ટ્રેન સેવા ખોરવાઈ જતા, મુસાફરોની હાલાકીનો લાભ લઇ એરલાઈન્સ કંપનીઓએ રાતોરાત હવાઈ યાત્રા મોંઘી કરી દીધી હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને થઇ છે.

Leave a comment