

– ‘રા.વન’ રિલીઝ થઈ પછી હું ઘણી વખત રડયો છું. મને એ વાતનું દુઃખ હતું કે મેં તેમાં શાહરુખને વેડફી નાખ્યો. તે મારો માનીતો અભિનેતા છે. આ મૂવી દ્વારા શાહરુખની સ્ટાર ઇમેજને હાનિ પહોંચી હતી.’
છે લ્લા કેટલાક સમયમાં ‘મુલ્ક’, ‘થપ્પડ’, ‘અનેક’, ‘ભીડ’ જેવી હટકે ફિલ્મો બનાવનાર સર્જક અનુભવ સિંહાની અગાઉની ફિલ્મો અને આ મૂવીઝમાં રહેલો તફાવત ઉડીને આંખે વળગે એવો છે. તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે આનું કારણ શું? આના જવાબમાં અનુભવ સિંહા કહે છે, ‘પહેલા હું મારા વ્યવસાયના ભાગરૂપે ફિલ્મોનું સર્જન કરતો હતો, પણ હવે હું મારા મનનો અવાજ સાંભળીને સિનેમા બનાવું છું. ખાસ કરીને મેં ‘મુલ્ક’ બનાવી ત્યાર પછી મારી અંદર આવું પરિવર્તન આવ્યું.’
તો શું આનો અર્થ એ થાય કે હવે અનુભવ સિંહા માત્ર આવી હટકે મૂવીઝ જ બનાવશે? અને પોતાના મનની વાત સાંભળીને બનાવેલી બધી ફિલ્મો ચાલશે ખરી? આનો જવાબ પણ ફિલ્મસર્જક પાસે હાજર છે. તેઓ કહે છે, ‘માનવીનું મન સતત બદલાતું રહે છે. તેનો કોઇ ભરોસો નથી હોતો. જોકે હાલના તબક્કે હું કોઇ ફિલ્મ નથી બનાવી રહ્યો. ઘણાં વર્ષો પછી હમણાં મને એમ થયું કે મારે થોડો આરામ કરવો જોઇએ. તેથી હમણાં મારા મગજમાં એકે ફિલ્મ આકાર નથી લઇ રહી. આમ છતાં મારું મન બદલાય તો હું કોઇક સિનેમા બનાવવાનું શરૂ પણ કરું.’
જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે તેમની ‘મુલ્ક’, ‘થપ્પડ’, ‘અનેક’, ‘ભીડ’ જેવી ફિલ્મો જોઇને ઘણા લોકો એમ કહે છે કે તેઓ ચોક્કસ એજન્ડા લઇને આગળ વધે છે. પરંતુ અનુભવ સિંહા કહે છે કે આ વાત સાવ ખોટી છે. તેઓ વધુમાં કહે છે, ‘ઘણા લોકોએ તો મને દેશવિરોધી પણ કહ્યો છે. આમ છતાં હું તેમનો આદર કરું છું, કારણ કે તેઓ મને જાણતા-પિછાણતા નથી. જો તેઓ મારી ફિલ્મો જોશે તો મને સમજી શક્શે. મારા ઉપર આ પ્રકારના આરોપો મઢનારા લોકો દેશપ્રેમી હોય તો મને તેમના પરત્વે મારી જાત કરતાં પણ વધુ માન થશે.’
શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’ જોઇનો લોકોએ અનુભવ સિંહાની ‘રા.વન’ને બહુ સંભારી હતી. જ્યારે ‘રા.વન’ આવી ત્યારે દર્શકોએ તેને ધાર્યો પ્રતિસાદ નહોતો આપ્યો. દર્શકોના આવા પ્રતિસાદ વિશે ફિલ્મ સર્જક કહે છે, ‘કેટલીક વખત કોઇક વસ્તુ આપણા હાથમાંથી સરી જાય ત્યાર પછી આપણને તેની કિંમત સમજાય છે. ‘રા.વન’ સાથે પણ કાંઇક આવું જ થયું છે. ‘પઠાણ’ આવ્યા પછી તેની કિંમત થઇ છે. લોકોએ રહી રહીને પણ તેની કિંમત કરી તેનો મને આનંદ છે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે આ મૂવી નહોતી ચાલી ત્યારે મને બહુ દુઃખ થયું હતું. હું ઘણી વખત રડયો પણ હતો. એટલા માટે નહીં કે મેં બનાવેલી મૂવી ફ્લોપ ગઇ હતી. મને એ વાતનું દુઃખ હતું કે મેં તેમાં શાહરુખને વેડફી નાખ્યો. તે મારો માનીતો અભિનેતા છે. અને આ મૂવી દ્વારા શાહરુખની સ્ટાર ઇમેજને હાનિ પહોંચી હતી.’
તો શું ફિલ્મ સર્જક આ નુક્સાન ભરપાઇ કરવા ‘રા.વન’ની સિક્વલ બનાવશે ખરા? આના જવાબમાં તેઓ કહે છે, ‘જો હું તેમ જ શાહરુખ એક્સાઇટ થઇ જઇએ એવી કહાણી હાથ લાગશેે, અમારી પાસે સિક્વલ બનાવવા જેટલો સમય અને ધીરજ હશે તો અમે ચોક્કસ તેની સિક્વલ બનાવીશું.’
આનો અર્થ એવો કાઢવો કે ફિલ્મ સર્જક સિક્વલ બનાવવાના ટ્રેન્ડમાં જોડાઇ જશે? આ પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપતાં તેઓ કહે છે, ‘હવે જુની જુની ફિલ્મોની સિક્વલો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અને તે બહુ સારો બિઝનેસ આઇડિયા છે. પરંતુ આજે પણ આપણો દેશ ફ્રેન્ચાઇઝીના આઇડિયાને સારી રીતે અમલમાં નથી મૂકી શક્યો. વાસ્તવમાં ફ્રેન્ચાઇઝી એક વિજ્ઞાાન છે. ધીમે ધીમે આપણે પણ આ વિજ્ઞાાન શીખી લઇશું. બાકી કોઇપણ ફિલ્મના નામ પાછળ ‘૨’ (બે) લગાવી દેવાથી તેની સિક્વલ ન બની જાય. વિદેશમાં ફિલ્મ સર્જકોએ ઘણી ફ્રેન્ચાઇઝી બનાવી છે અને તે માટે તેમણે ૨૦-૨૦ વર્ષ આપ્યાં છે. આ પ્રક્રિયા બહુ લાંબી છે. આપણે પણ તે ચોક્કસ શીખી જઇશું. આમેય ભારતીયો બહુ સારા વિદ્યાર્થીઓ છે. તેમને કાંઇપણ શીખવામાં સમય નથી લાગતો. વળી, કોઇપણ વસ્તુ ઠીક કરવામાં આપણે પાવરધા છીએ. તેથી મૂળ ફિલ્મની સિક્વલ કે ફ્રેન્ચાઇઝી બનાવવાનું આપણે શીખી તો લઈશું જ.’