

Updated: May 12th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 12 મે 2023 શુક્રવાર
ઓફિસમાં ઝોકું ખાવુ જાણે એક રિવાજ જેવુ બની ગયુ છે. અમુક લોકો લંચ બ્રેકમાં ઝોકું ખાઈ લે છે તો અમુક કામમાંથી થોડો સમય કાઢીને ઝોકું ખાઈ લે છે. ઘણી વખત આવુ કરવુ મજાક બની જાય છે અને ઘણી વખતે બોસ તરફથી ઠપકો સાંભળવાનો ડર પણ લાગે છે. ઓફિસમાં ઝોકુ ખાવાથી તમારા પર પ્રશ્નો ઉઠવા લાગે છે. જો તમને પણ આવી કોઈ આદત હોય તો હવે ડરવાની જરૂર નથી. કેમ કે હવે ઘણી બધી કંપનીઓ પોતે જ કર્મચારીઓને ઊંઘવાનું કહી રહી છે. જે રીતે કંપનીમાં લંચ બ્રેક અને ટી બ્રેક આપવામાં આવે છે તે જ રીતે હવે ઘણી જગ્યાએ કામની વચ્ચે એક નાના પાવર નેપની સુવિધા મળશે. આનાથી કોઈ નુકસાન નહીં થાય પણ ફાયદો થશે. આનાથી પ્રોડક્ટિવિટી વધી જશે અને તમે એક બેસ્ટ કર્મચારી બની જશો.
NASAનું રિસર્ચ
નાસાના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો તમે 10 મિનિટથી લઈને 25 મિનિટ સુધી સૂઈ જાવ છો તો તમે વધુ એલર્ટ રહી શકો છો. આવુ કરવાથી તમારુ ફોકસ 34 ટકા વધી જાય છે. આ નાના-નાના ઝોકાંઓને કેટનેપ કહેવામાં આવે છે.
ડિસેમ્બર 2019માં નાસાની એક સ્ટડી સામે આવી જેમાં એ કહેવામાં આવ્યુ કે નેપ એટલે કે અમુક મિનિટોને લઈને 45 મિનિટ સુધી ઊંઘ લેવાના મોટા ફાયદા છે. ખાસ કરીને જ્યારે ઊંઘ બપોરે લેવામાં આવે ત્યારે આના ખૂબ ફાયદા મળે છે. સ્પેસ એજન્સીએ પાયલટ પર પ્રયોગ દરમિયાન જાણ્યુ કે ઉડાન ભર્યા પહેલા લગભગ 25 મિનિટનું પાયલટ ઝોકું લઈ લે છે તો ફ્લાઈંગ દરમિયાન તેઓ ખૂબ એલર્ટ રહે છે અને કામમાં પણ લગભગ 34 ટકા સુધી શ્રેષ્ઠ રહે છે. નાસા અનુસાર 10 મિનિટથી લઈને અડધા કલાક સુધીનો નેપ પૂરતો છે. આના કરતા લાંબા સમય સુધી સૂઈ રહેવાથી માણસ થોડા સમય સુધી સુસ્ત પડી રહે છે.
જાપાનમાં ઝોકું ખાતા લોકોને મહેનતી માનવામાં આવે છે
સમગ્ર દુનિયાની કંપનીઓ ઝોકું લેવાની વાત કરી રહી છે પરંતુ જાપાન આમાં પહેલેથી જ નંબર વન પર છે. ત્યાં કામની વચ્ચે સૂવુ મેંડેટરી છે. જાપાનમાં કોઈ પણ ઓફિસમાં જાવ તો બપોરે ત્યાં ડેસ્ક પર સૂતેલા લોકો જોવા મળશે. આ સિવાય તમને લોકો રેસ્ટોરન્ટ, કેફે, મેટ્રોમાં પણ લોકો સૂતેલા જોવા મળશે. ઝોકાં ખાતા લોકોને ત્યાં મહેનતી માનવામાં આવે છે.
આ ભારતીય કંપનીએ શરૂ કરી સુવિધા
એક ભારતીય સ્ટાર્ટઅપ કંપની વેકફિટ સોલ્યૂશને પણ પોતાના તમામ કર્મચારીઓને મેઈલ દ્વારા માહિતી આપી દીધી છે કે તેઓ હવે અડધો કલાક ઓફિસમાં સૂઈ શકે છે. આ માટે સત્તાવાર સમય પણ જાહેર કરી દેવાયો છે. કંપનીનું કહેવુ છે કે આવુ કરવાથી તેમના કર્મચારી સ્વસ્થ રહેશે.