

– શ્રેયા ઘોષાલે આગલી પેઢીના રવીન્દ્ર જૈનથી માંડીને વિશાલ શેખર, અજય-અતુલ, પ્રીતમ અને નીત નવા કંઠની તલાશમાં રહેતા ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન સુધીના સ્વરનિયોજકો માટે સફળતાપૂર્વક ગાયું છે
– આશિક બનાયા આપને
– વિવાહ
ગા યિકા શ્રેયા ઘોષાલનાં ગીતોની વાત કરતી વેળા જાણ્યે અજાણ્યે એના સમકાલીન અને પુરોગામી ગાયકોની કારંકિર્દીની વાત પણ આવી જાય છે. સ્વર કિન્નરી લતા મંગેશકરને જ લ્યો. નરગીસ, મીનાકુમારી અને નૂતનથી માંડીને છેક પદ્મિની કોલ્હાપુરે અને ભાગ્યશ્રી અને એના પછીય છેક કરીના કપૂર સુધીની અનેક પેઢીની અભિનેત્રીઓ માટે લતાનો કંઠ ગૂંજ્યો. પરદા પર અભિનેત્રી પોતે ગાતી હોય એ રીતે લતાજીએ આ અભિનેત્રીઓનાં ગીતો ગાયાં. શ્રેયા આવી રહેલી ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે કંઠ આપી શકશે ખરી એ સવાલનો જવાબ આવનારો સમય આપશે.
શ્રેયાને ન્યાય કરવા એટલું કહેવું રહ્યું કે એણે બે પેઢીના સંગીતકારો માટે કંઠ આપ્યો એમ કહી શકાય. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં કારકિર્દી શરૂ કરનારા ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનથી માંડીને વિશાલ શેખર, અજય અતુલ, પ્રીતમ અને નીત નવા કંઠની તલાશમાં રહેતા ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન સુધીના સ્વરનિયોજકો માટે ગાયું. માત્ર ગાયું એમ નહીં, એણે ગાયેલાં મોટા ભાગનાં ગીતો સુપરહટિ નીવડયાં. ગયા શુક્રવારે એવાં થોડાં ગીતોની વાત આપણે કરેલી. આજે બીજાં થોડાં ગીતોનો આસ્વાદ લઇએ.
સલમાન ખાનના પીઠબળથી આગળ વધેલા ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયાનું એક બહુ ગાજેલું ગીત લઇએ. ઇમરાન હાશમી અને તનુશ્રી દત્તાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘આશિક બનાયા આપને’નું ટાઇટલ સોંગ ખુદ હિમેશ અને શ્રેયાના કંઠમાં ખૂબ ગાજ્યું હતું. અહીં એક રસપ્રદ મુદ્દો યાદ કરવા જેવો છે. આ ફિલ્મમાં સંગીતકાર (કલ્યાણજી-આણંદજી ફેમ) કલ્યાણજીભાઇ પાસે તૈયાર થયેલી બે ગાયિકાએ કંઠ આપેલો. બીજી ગાયિકા હતી સુનિધિ ચૌહાણ. સુનિધિના ભાગે અભિજિત સાથેનું યુગલગીત આવેલું – ‘મર જાવન મીટ જાવન…’
આ જ સંગીતકાર હિમેશ રેશમિયાએ સ્વરબદ્ધ કરેલું ફિલ્મ ‘મૈં ઐસા હી હૂં’ (૨૦૦૭)નું એક પારિવારિક ગીત માણો. સમીરના શબ્દો હતા- ‘ચંદાને પૂછા તારોં સે તારોં ને પૂછા હજારોં સે, સબ સે પ્યારા કૌન હૈ, મેરે પાપા મેરે પાપા…’ આ ગીતમાં શ્રેયા સાથે સોનુ નિગમ અને બેબી અપર્ણાએ કંઠ આપ્યો હતો. અજય દેવગણ અને સુસ્મિતા સેનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ તમે જોઇ હોય તો પરદા પર આ ગીત એવાં નાજુક સંવેદન પ્રગટ કરે છે કે સાંભળનાર ગદગદ થઇ જાય. અહીં શ્રેયાનો કંઠ આગવી છટા ધારણ કરે છે.
એની તુલનાએ ફિલ્મ ‘વિવાહ’ (૨૦૦૬)નું આ ગીત જુઓ. ‘હમારી શાદી મેં, અભી બાકી હૈં હપ્તે ચાર, ચારસૌ બરસ લગે યે હપ્તે કૈસે હોંગે પાર…’ આ ગીત કઇ રીતે જુદું પડે છે એ સમજવા જેવું છે. પરણવા ઉત્સુક યુગલને ચાર દિવસ પણ ચારસો વરસ જેવાં લાગે છે. એટલે ગીત સાંભળનારને અન્ય ગીતોની તુલનાએ થોડું અલ્લડપણુંકે નટખટપણું લાગવું જોઇએ. સંગીતકાર રવીન્દ્ર જૈને બનાવેલી તર્જને બાબુલ સુપ્રિયો અને શ્રેયાએ જે રીતે જમાવ્યું છે એ પરદા પર તેમજ ઓડિયો આલ્બમ બંનેમાં માણી શકાય છે.
આ જ ફિલ્મનું ઔર એક ગીત પણ માણવા જેવું છે. ગીતકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન. અહીં એક નાની બહેન પોતાની પરણવા જઇ રહેલી મોટી બહેનને સતાવતી હોય એવો ભાવ છે. ‘ઓ જીજી ઓ જીજી, ક્યા કહ કે ઉન્હેં બુલાઓગી, દૂલ્હા બન કે જો આયેંગે…’ જવાબમાં બહેન કહે છે, ‘એ જી ઓ જી, હમ ના કહેંગે, હમ તો ઇશારોં મેં બાતેં કરેંગે…’ આ ગીત કોલકાતાથી આવેલી બે ગાયિકાઓના કંઠમાં છે. એક પામેલા જૈન. જગપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર બિમલ મિત્રની પૌત્રી એવી પામેલાની ફિલ્મોમાં ગાયિકા તરીકેની કારકિર્દી શ્રેેયા કરતાં એેક વર્ષ વહેલી એટલે કે ૨૦૦૧માં શરૂ થઇ હતી. અહીં પામેલા અને શ્રેયા બંનેએ ગીતના શબ્દોને પોતાના વિશિષ્ટ સ્વરલગાવથી જીવંત કર્યા છે. અલબત્ત, પરદા પર વધુ માણી શકાય એવું બન્યું છે.
(ક્રમશઃ)