શું હવે દેશમાં રૂ.500ની નોટો પણ બંધ થઈ જશે : RBI ગર્વનર શક્તિકાંત દાસે જણાવી યોજના


RBIની MPCની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય, રેપો રેટમાં ફેરફાર ન કરવાનો લેવાયો નિર્ણય

બેઠકમાં રૂ.500ની નોટો પરત ખેંચવાનો અને રૂ.1000ની નોટ લાવવા અંગે પણ થઈ ચર્ચા

Updated: Jun 8th, 2023

નવી દિલ્હી, તા.08 જૂન-2023, ગુરુવાર

ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસ સુધી યોજાયેલી એમપીસી બેઠક પૂર્ણ થઈ છે. આ સાથે બેઠકમાં લેવાયેલા મહત્વના પરિણામોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બેઠકમાં રેપો રેટમાં પણ કોઈ ફેરફાર ન કરાતા રાહતના સમાચાર છે. આ સાથે આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે પણ બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણય શેર કર્યા છે. આરબીઆઈ ગર્વનરે વ્યાજ દરોની માહિતી આપવાની સાથે સર્ક્યુલેશનમાંથી બહાર કરાયેલી રૂ.2000ની નોટો પરત આવવાના ડેટાની પણ માહિતી આપી છે, ઉપરાંત તેમણે રૂ.500ની નોટો બંધ હોવાના અહેવાલો અંગે પણ સ્પષ્ટ કરી છે.

રૂ.500ની નોટો પરત નહીં ખેંચાય

RBI ગર્વનર શક્તિકાંત દાસે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલ આરબીઆઈના ચલણમાં ચાલી રહેલી રૂ.500ની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી. તેમણે આવા પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. ઉપરાંત તેમણે રૂ.1000ની નોટો જારી કરવાની વાતોને પણ ફગાવી દીધી છે. શક્તિકાંત દાસે બેઠક બાદ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા રૂ.500ની નોટ પરત ખેંચવાની કોઈ યોજના નથી તેમજ રૂ.1000ની નોટો જારી કરવાની પણ કોઈ યોજના નથી.

અત્યાર સુધીમાં 2000ની કેટલી નોટો પરત આવી ?

RBI ગર્વનરે જણાવ્યું કે, સર્ક્યુલેશનમાંથી 2000ની નોટો બહાર કરાયા બાદ અત્યાર સુધીમાં લગભગ 50 ટકા ગુલાબી નોટ પરત આવી ચુકી છે. RBIના જણાવ્યા અનુસાર જ્યારે 19 મેએ આ નોટોને બંધ કરવાની જાહેરાત કરાઈ હતી, ત્યારે દેશમાં કુલ રૂ.3.62 લાખ કરોડની 2000 રૂપિયાની નોટોનો દાવો કરાયો હતો. આ આંકડો 31 માર્ચ-2023 સુધીનો હતો. હવે RBI ગવર્નરે કહ્યું કે, તેમાંથી રૂ.1.80 લાખ કરોડની નોટો દેશની તમામ બેંકોમાં પાછી આવી ગઈ છે.

Leave a comment