મધ્યપ્રદેશના સિહોરમાં સૃષ્ટિ 300 ફુટ ઊંડા બોરમાં 120 ફુટ નીચે ફસાઈ ગઈ હતી
SDRF, NDRF, સ્થાનિક વહિવટીતંત્ર સહિતની ટીમો દ્વારા કરાયું હતું રેસ્ક્યુ
Updated: Jun 8th, 2023
સીહોર, તા.08 જૂન-2023, ગુરુવાર
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં બોરવેલમાં ફસાયેલી સૃષ્ટિ કુશવાહા નામની બાળકીનું મોત નિપજ્યું છે. બોરવેલ માટે ખોદાયેલા ખાડામાં મંગળવારથી 3 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. બાળકી 52 કલાક સુધી બોરવેલમાં ફસાઈ હતી. SDRF, NDRF અને સેનાની ટીમ સ્થાનિક વહીવટીતંત્ર બચાવ કાર્યમાં લાગ્યા હતા. બાળકીને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી છે.
300 ફુટ ઊંડા બોરમાં 120 ફુટ નીચે ફસાઈ ગઈ હતી બાળકી
મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના મંગાવલી ગામમાં 3 વર્ષની સૃષ્ટિ મંગળવારે બપોરે તેના ઘર પાસે રમતા-રમતાં બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી અહીં 300 ફુટ ઊંડા બોરમાં 120 ફુટ નીચે ફસાઈ ગઈ હતી, ત્યારથી તેને બચાવવાની કામગીરી માટે અભિયાન શરૂ કરાયું હતું. પહેલા સ્થાનિક પ્રશાસને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બુધવારે બપોરે સેના આવી હતી. બાળકીને બચાવવા માટે બાજુમાં ખાડો પણ ખોદાયો હતો. જોકે તે પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો.
બાળકીને બચાવવા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા
રોબોટિક કેમેરા બાદ સેનાએ સ્પેશિયલ કેબ બનાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. એસ.પી.મયંક અવસ્થી પોતે સમગ્ર બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા હતા. સૃષ્ટિ પહેલા દિવસે 29 ફૂટ, બીજા દિવસે 55 ફૂટ અને બીજા દિવસે 110 ફૂટ નીચે સરકી ગઈ હતી. ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે બાળકી વધુ નીચે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બાળકી 120 ફૂટ નીચે જતાં ફસાઈ ગઈ હતી. બોરવેલમાં દબાણ માટે બોરવેલ મશીન પણ સ્થળ પર હાઇડ્રોલિક દબાણ માટે તૈયાર રાખવામાં આવ્યું હતું. જોકે તેમ છતાં બાળકીને બચાવી શકાઈ ન હતી.