સૈફ અલી ખાને મન ગભરાવી મૂકી હતીઃ અલાયા એફ

[ad_1]

Updated: Jun 1st, 2023

– ‘નાની કે મોટી સ્ક્રીન  પર મારી જાતને ફિલ્મમાં અગત્યનો ભાગ ભજવતી જોઈને બહુ સંતોષ થાય છે. ‘

કા ર્તિક આર્યન સાથેની ‘ફ્રેડી’ પછી અલાયા એફની વધુ એક ચર્ચાસ્પદ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આરિફ ખાન દિગ્દર્શિત ‘યુ-ટર્ન’માં અલાયા લીડ રોલમાં હોવાથી ફિલ્મના પ્રમોશનનો સંપૂર્ણ ભાર એના પર હોવાથી એણે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા બંનેને ફટાફટ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. સૌપ્રથમ ‘યુ-ટર્ન’ની સ્ટોરી વિશે બ્રિફ આપતા અલાયા કહે છે, ‘ફિલ્મની ક્લાઇમેક્સ એકદમ જુદી છે અને એમાં આવતા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ દર્શકોને આશ્ચર્યના આંચકા આપી જશે. ‘યુ-ટર્ન’ના ટ્રેલરમાં બધાએ એની થોડી ઝાંખી જોઈ જ હશે.’

પછી મિડીયામાંથી એકટ્રેસને એવું પૂછાયું કે તારી કરિયરનું આ ત્રીજુ વર્ષ છે અને એ દરમિયાન જુદા જુદા રોલ પસંદ કરવાનું તારા માટે કેટલું મુશ્કેલ બની રહ્યું? અલાયાના જવાબમાં એક પ્રકારનો જુસ્સો વર્તાય છે, ‘સર, મારા મતે એક્ટરોએ એક પ્રકારની રુઢિમાં બંધાઈ જવાને બદલે પોતાની જાતને વિવિધ ભૂમિકા કરવા તૈયાર રાખવી જોઈએ. મને લાગેવળગે છે ત્યાં સુધી દરેક રોલ માટે મારે પોતાની અંદરથી કંઈક નવું શોધતા રહેવાનું છે. હું નસીબદાર છું કે મને જુદાં જુદાં પ્રકારનાં પાત્રો ભજવવા મળ્યા. મને નવું નવું કરવા મળે એવા પ્રોજેક્ટ્સ મેળવવા હું આદુ ખાઈને લોકોની પાછળ પડી જાઉં છું. ‘યુ-ટર્ન’ની સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી મને થયું કે આવો સબ્જેક્ટ મારી ફિલ્મોગ્રાફીમાંથી મિસિંગ છે એટલે આ ફિલ્મ મેળવવા હું જોરદાર મચી પડી.’

૨૦૨૩માં કબીર બેદીની દોહિત્રી અને પૂજા બેદીની બ્યુટીફુલ પુત્રી અમુક મહિલાકેન્દ્રી પ્રોજેક્ટ્સ કરી રહી છે. એ જોતાં શું એણે નારીપ્રધાન ફિલ્મો કરવાનું જ નક્કી કરી લીધું છે? પ્રશ્ન થોડો પેચીદો છે, પણ અલાયા પોતાના જવાબમાં એ કળાવા નથી દેતી, ‘મેં ૨૦૨૦માં ‘જવાની જાનેમન’ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું એ પહેલાં સૈફ અલી ખાન સરે મને કહ્યું હતું કે તું નહીં ચાલે તો ફિલ્મ પણ નહીં ચાલે. તારે દર્શકોને તારા પ્રેમમાં પાડવા પડશે. એમને ફિલ્મ જોઈને તારા પ્રત્યે કૂણી લાગણી થવી જોઈએ. એમને જો તારા માટે લાગણી નહીં થાય તો તેઓ ફિલ્મની સ્ટોરી સાથે પણ કનેક્ટ નહીં થાય. આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ અને ગભરાઈ પણ ખરી. એટલા માટે કે સ્ટોરીના કેન્દ્રમાં હું જ હતી. લકીલી, લોકોને એ ફિલ્મ ગમી ગઈ.’

ત્રીજા સવાલમાં અલાયાને એક રૂટિન પૃચ્છા કરાઈ કે અત્યાર સુધી જુદી જુદી ફિલ્મોમાં કામ કરવાનો તારો અનુભવ કેવો રહ્યો? જવાબ માટે અભિનેત્રી કહે છે, ‘મને અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટર સાથે ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ કરવા મળી. સૌ જાણે છે કે અનુરાગ સરની ફિલ્મોમાં સશક્ત નારી પાત્રો હોય છે. પછી મેં ‘ફ્રેડી’ કરી. એમાં કાર્તિક આર્યન જેવા એક્ટર સામે જાણે હું જ હીરો અને વિલન હોઉ એવો ઘાટ સર્જાયો. સીન્સની ગણતરી કરીએ તો ‘યુ-ટર્ન’ માટે મેં બધા આર્ટિસ્ટો કરતા વધુ શુટિંગ કર્યું છે. નાની કે મોટી સ્ક્રીન  પર મારી જાતને ફિલ્મમાં અગત્યનો ભાગ ભજવતી જોઈને બહુ સંતોષ થાય છે. મારા અનુભવ પરથી કહી શકું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષો અને સ્ત્રીઓ સાથે સમાન વ્યવહાર થાય છે. મારી શરૂઆત ભલે અતુલનીય રહી, પણ મારે હજુ અહીં લાંબી મજલ કાપવાની છે.’

છેલ્લે યુવાન એકટ્રેસને એવું પૂછાયું કે આટલા ભારેખમ રોલ્સ કર્યા પછી હવે તને નથી લાગતું કે તારે હળવીફુલ કોમેડી ફિલ્મ કરવી જોઈએ? અલાયાના જવાબ પરથી એવું વર્તાય છે કે એ પોતાનો ટ્રેક હાલ પુરતો બદલવાના મૂડમાં નથી. એ કહે છે, ‘સર, ડ્રામા ન હોય તો કોઈ સારી સ્ટોરી બની ન શકે. એના વિના મૂવી બનાવવાનો કોઈ અર્થ નથી. ફિલ્મમાં કોઈક પ્રકારની ટક્કર કે સંઘર્ષ તો હોવો જ જોઈએ. મંા તાજેતરમાં અમુક ઇન્ટરેસ્ટિંગ રોલ્સ કર્યા છે, જે તમને આ વરસે આવનારી મારી એક પછી એક ફિલ્મમાં જોવા મળશે.’ 

Leave a comment