હું પ્રયોગો કરવા માટે જ જીવું છું: નવાઝુદ્દીન સિદ્દીકી

હું પ્રયોગો કરવા માટે જ જીવું છું: નવાઝુદ્દીન સિદ્દીકી– ‘લોકોને મારાં રમુજી પાસાંની ખબર નથી.  મેં રાજપાલ યાદવ અને વિજય રાઝ સાથે ઘણાં કોમેડી નાટકો કયાંર્ છે, પરંતુ મને મુંબઈમાં ઝાઝી કોમેડી ફિલ્મો મળી નથી.’

એ ક પછી એક ફોર્મ્યુલા કમર્શિયલ ફિલ્મો પિટાઈ રહી છે. લેટેસ્ટ દાખલો સલમાન ખાનની ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’નો છે. એને કારણે એક વાત નક્કી થઈ ગઈ છે કે દર્શકોને હવે ફોર્મ્યુલા ફિલ્મોમાં રસ નથી રહ્યો, એમને સરસ કોન્ટેન્ટ ખપે છે. પ્રોડયુસર-ડિરેક્ટરોને પણ હવે આ સત્ય સમજાઈ ગયું છે એટલે તેઓ દરેક પ્રોજેક્ટમાં કંઈક નવું આપવા પ્રયત્નશીલ છે. તેઓ માત્ર સ્ટોરીલાઈન જ નહીં, એક્ટરોના પાત્રોમાં પણ નવીનતા લાવી રહ્યા છે. તેથી જ નવાઝુદ્દીન સિદ્દીકી જેવા એક્ટરોને મજા પડી ગઈ છે. એમને દરેક પ્રોજેક્ટમાં કશુક નવું કરવાની તક મળી રહી છે. ફિલ્મમેકરો આજે નવાઝ જેવા સામાન્ય લુક ધરાવતા એક્ટરને સોલો હીરો તરીકે સાઇન કરવામાં સંકોચ નથી કરતા. પરિણામે નવાઝની લાઇનબંધ સોલો હીરો ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. નવાઝુદ્દીનની આગામી ફિલ્મો આ કઈ કઈ છે? આ રહ્યું લિસ્ટ. ‘સૈંધવ’, ‘અદભુત’, ‘ટિકુ વેડ્સ શેરુ’, ‘નૂરાની ચેહરા’, ‘બોલે ચુડિયાં’, ‘હડ્ડી’, ‘સંગીન’ અને અફ કોર્સ,  ‘જોગિરા સારા રા રા’. 

તાજેતરમાં મિડીયા સાથે વાતચીત કરતી વખતે એમને પૂછાયું કે હવે તમે સોલો હીરો ફિલ્મો કરી રહ્યો છે ત્યારે તને એક્ટર કે સ્ટાર આ બેમાંથી કઈ ટેગલાઈન ગમશે? નવાઝ પાસેથી અપેક્ષિત ઉત્તર મળે છે, ‘સર, મૈં એક અચ્છા એક્ટર બને રહેના ચાહતા હું. હું એક્ટર તરીકે ઓળખાઉં એ મને વધુ ગમશે. મૈં એક્ટર હી રહું યે મેરી કોશિશ હૈ.’

મીડિયાનો બીજો સવાલ એકદમ હળવોફુલ છે: નવાઝભાઈ, આપકા ફેશન મંત્ર ક્યા હૈ? એક્ટર મોટેથી હસી પડે છે, ‘મેં અત્યારે જે ડ્રેસ પહેર્યો છે એ હજુ ગઈ કાલે જ ખરીદાયો છે. ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં મારા માટે ડિઝાઈનર ક્લોથ્સની વ્યવસ્થા કરાઈ હતી, પણ એના કાળાપીળા કલર મને જામ્યા નહીં. મેં કહ્યું કે કપડાં લેતી વખતે કમસેકમ મોસમનો તો વિચાર કરો. કેટલી ગરમી પડે છે. પ્રોડક્શનના લોકો એની વ્યવસ્થા ન કરી શક્યા એટલે મારો આસિસ્ટન્ટ આ સુટ ખરીદી લાવ્યો.’

પછી મિ. સિદ્દીકી કોઈ કટાક્ષભરી કોમેન્ટ કરે એવા ઈરાદાથી પૂછવામાં આવ્યું: શું તમે તમારા એરપોર્ટ લુક માટે સભાન રહો છો? એ સાંભળી નવાઝ તીખી કોમેન્ટ કરતા રોકી ન શક્યા, ‘આજકાલ એક્ટરો વિવિધ ફેશન ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરાયેલા જુદાં જુદાં વસ્ત્રો પહેરી એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે. આ તો ફેશન ડિઝાઈનરોને પ્રમોટ કરવા જેવી વાત થઈ. તેઓ પોતાની એક્ટિંગમાં  ધ્યાન નથી પરોવતા, જે એમનું ખરું કામ છે.’

નેકસ્ટ પ્રશ્ન. સોલો હીરો તરીકે તમારા પર કોઈ વધારાની જવાબદારીનું પ્રેશર રહે ખરું? નવાઝનો જવાબ વ્યાવહારિક છે, ‘હા, ખરેખર સોલો હીરો તરીકે મારા ખભા પર મોટી જવાબદારી રહે છે, પરંતુ  દર્શકોમાં કુતુહલ જગાવનાર કોમેડી ફિલ્મ હોય તો વાંધો ન આવે.’

આ ઈશારો ‘જોગિરા સારા રા રા’ ફિલ્મ તરફ હતો. આ એક રોમેન્ટિક કોમેડી છે, જેમાં નેહા શર્મા સિદ્દીકીની હિરોઈન છે. મહાક્ષય ચક્રવર્તી, સંજય મિશ્રા અને ઝરીના વાહબ પણ અગત્યની ભૂમિકામાં છે. ગાલિબ અસદ ભોપાલી લિખિત ફિલ્મના પ્રોડયુસર નઈમ સિદ્દીકી અને ડિરેક્ટર કુશન નંદી છે. 

નવાઝુદ્દીનને પૂછાયેલો હવે પછીનો સવાલ એ હતો કે, નવાઝભાઈ, ક્યા આપકો લગતા હૈ કી આપ અબ ડિપેન્ડેબલ એક્ટર બન ગયે હો? ‘જોગિરા સારા રા રા’ મે આપકો રોમાન્સ ઔર કોમેડી કરના કૈસા લગા? એક્ટર પોતાના સ્વભાવને વફાદાર રહેતા કહે છે, ‘હું ડિપેન્ડેબલ એક્ટર કે સ્ટાર છું કે નહીં એની ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ફિલ્મનું બજેટ નાનું હોય કે મોટુ, હું એમાં પ્રયોગ કરતો રહીશ. હું અખતરા કરવા જ જીવું છું. હવે તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપું. લોકોને મારા રમુજી પાસાંની ખબર નથી. મેં રાજપાલ યાદવ અને વિજય રાઝ સાથે ઘણાં કોમેડી નાટકો કયાંર્ છે, પરંતુ મને મુંબઈમાં ઝાઝી કોમેડી ફિલ્મો મળી નથી.’ 

ત્યાં વળી એક સાવ ભળતો જ સવાલ પૂછાયો. અનિલ કપૂર ઇન્ડસ્ટ્રીમાં આટલાં વરસો પછી પણ રોલ માટે ફિલ્મમેકરોને ફોન કરે છે. તમે પણ એવું કરો છો?’ એક્ટરના ચહેરા પર માર્મિક સ્મિત આવી જાય છે. કહે છે, ‘અનિલજી ઈઝ અ ગ્રેટ એક્ટર. તેઓ બધા માટે  પ્રેરણાસ્રોત છે. મારા મતે તેઓ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ એક્ટર છે. તેઓ જો એમ કહેતા હોય કે મારે રોલ મેળવવા સ્ટ્રગલ કરવી પડે છે તો એ એમની નમ્રતા છે. જોકે આજ સુધી મેં કોઈને કોઈ રોલ માટે ફોન નથી કર્યો.’ 

Leave a comment