

છેતરપિંડી મામલે IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ કેસ નોંધાયો
કંપનીએ PNB, કેનેરા બેંક, BOI, SBI, એક્સિસ બેંક અને યસ બેંક સાથે છેતરપિંડી કરી
Updated: Jun 2nd, 2023
નવી દિલ્હી, તા.02 મે-2023, શુક્રવાર
કેન્દ્રીય તપાસ બ્યુરો-CBI એ શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. 19 બેન્કોને રૂ. 6524 કરોડની છેતરપિંડી કરવા બદલ IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડ (ITNL) અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ કેસ નોંધાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ છેતરપિંડી 2016 અને 2018ની વચ્ચે થઈ હતી.
ITNLએ આ બેંકો સાથે કી છેતરપિંડી
મીડિયા અહેવાલો અનુસાર IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ IL&FS લિમિટેડની પેટાકંપની છે. આ છેતરપિંડી કેનેરા બેંકની ફરિયાદ દ્વારા સામે આવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, ITNL દ્વારા રૂ. 6524 કરોડથી વધુના ફંડનો ગોટાળો કરાયો છે. કંપનીએ છેતરપિંડી કરી છે. આરોપીઓ કાયદાને પોતાની તરફેણમાં લાવવામાં તેમજ બચવામાં સક્ષમ છે. કંપનીએ જે બેંકો સાથે છેતરપિંડી કરી છે તેમાં પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક અને યસ બેંકનો સમાવેશ થાય છે.
ITNLએ તેની કમાણી ખોટી રીતે દર્શાવી
બેંકે FIRમાં જણાવ્યું કે, ITNL અને તેના ડિરેક્ટર્સ દ્વારા છેતરપિંડી 2018માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કર્યા બાદ સામે આવી હતી. આમાં તેની મૂખ્ય ફર્મ IL&FSને હસ્તગત કરાઈ. ગ્રાન્ટ થોર્ટને IL&FS અને તેની 348 ગ્રૂપ કંપનીઓનું ફોરેન્સિક ઓડિટ કર્યું હતું, જેમાં ખર્ચ માટે રિપોર્ટિંગ જોગવાઈઓમાં સંભવિત અનિયમિતતાઓ સામે આવી હતી, જેની સીધી અસર રિપોર્ટ કરવામાં આવેલ નફા પર પડી શકે છે. ITNLએ કથિત રીતે તેની કમાણીને વધારી-ચઢાવીને દર્શાવી હતી, જેના કારણે ખોટી નાણાકીય બાબતો સામે આવી હતી. ITNLએ એકાઉન્ટિંગ અથવા કંપનીના સોફ્ટવેરમાં રેકોર્ડ દાખલ કર્યા વિના પર્યાપ્ત નાણાં ટ્રાન્સફર કર્યા.