

Dadasaheb Phalke Award:બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ખુબ પ્રતિષ્ઠિત સન્માન છે. આ વખતે બોલીવુડના દિગ્ગજ અભિનેત્રી વહીદા રેહમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવશે. આ બાબતને જાણકારી માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મહાન કલાકારના યોગદાનની પ્રશંસા કરીને તેમની ઉપલબ્ધિઓ વિષે જણાવ્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટર દ્વારા આપી જાણકારી
અનુરાગ ઠાકુરે આજે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મને આ વાત જણાવતા ખુબ ખુશી અને સન્માનની અનુભૂતિ થાય છે કે આ વર્ષે વહીદા રેહમાનને તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વહીદાજીને તેમની હિન્દી ફિલ્મોની ભૂમિકાઓ બદલ ક્રિટીક્સ દ્વારા પણ તેમના કામની સરાહના કરવામાં આવી છે. જેમાં પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને અન્ય ઘણી ફિલ્મોમાં તેમની એક્ટિંગ સરાહનીય છે.
‘રેશમા’ અને ‘શેરા’ ફિલ્મ માટે મળ્યો છે નેશનલ ફિલ્મ એવોર્ડ
તેમને વધુમાં જણાવ્યું હતું કે 5 દશકથી વધુની તેમની કારકિર્દીમાં તેમને ખુબ કુશળતાપૂર્વક ભૂમિકાઓ ભજવી છે. જેના કારણે તેમની ફિલ્મ ‘રેશમા’ અને ‘શેરા’ માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વહીદાજી એ ભારતીય મહિલાના સમર્પણ અને શક્તિનું ઉદાહરણ છે. જે પોતાની સખત મહેનતથી તેમના કાર્યમાં શ્રેષ્ઠતા હાંસલ કરે છે.
પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વહીદાજી
ઠાકુરે અંતમાં કહ્યું કે, “એક સમયે જ્યારે ઐતિહાસિક નારી શક્તિ વંદન બીલ સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યું છે, ત્યારે વહીદાજીને આ લાઈફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવે છે. તેમને ભારતીય સિનેમામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે જેના માટે તેમને આ બેસ્ટ ટ્રીબ્યુટ છે. તેમની કામગીરી બદલ તેમને શુબેચ્છાઓ પાઠવું છું.
આ દિગ્ગજો છે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પુરસ્કૃત
ગયા વર્ષે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ બોલીવુડ સ્ટાર આશા પારેખને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રજનીકાંત, અમિતાભ બચ્ચન, ગુલઝાર, પ્રાણ, પૃથ્વીરાજ કપૂર, મનોજ કુમાર, શશિ કપૂર, મન્ના દે અને વિનોદ ખન્ના (મરણોત્તર)ને પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
દાદાસાહેબ ફાળકેને ‘ભારતીય સિનેમાના પિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ બે દાયકાની ફિલ્મ નિર્માતા તરીકેની તેમની કારકિર્દીમાં તેમણે 27 શોર્ટ ફિલ્મો અને 90 થી વધુ ફિલ્મો બનાવી છે. તેમના નિધનના બે દાયકાથી વધુ સમય પછી, ભારત સરકારે 1969માં દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી, જે કળા અને સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.